વિકાસ કામો માટે બેઠક મળે છે પરંતુ વિદ્યાર્થીઓનાં હિત માટે નહીં !
ગત ૨૯ માર્ચે મોકુફ રહેલી સેનેટ સભાની નવી તારીખ હજુ સુધી નથી થઈ જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ માસથી સેનેટની બેઠક ન મળતા વિદ્યાર્થીઓની ડિગ્રી અઘ્ધરતાલ છે. ગત ૨૯ માર્ચે સેનેટની બેઠક મળવાની હતી પરંતુ કોરોનાની મહામારીનાં કારણે બેઠકને મોકુફ રાખવામાં આવી હતી જોકે ત્યારબાદ ત્રણ માસથી પણ વધુનો સમય વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી સેનેટની બેઠકની તારીખ જાહેર થઈ નથી જેનાં કારણે વિદ્યાર્થીઓને ડિગ્રી માટેની કોન્વોકેશનની તારીખ નકકી થઈ નથી. યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા બાંધકામ સહિતનાં વિકાસ કામો માટે બેઠકો યોજવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓની અતિ જરૂરી એવી ડિગ્રી સર્ટીફીકેટ માટેની સેનેટની બેઠક ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ અને ખરીદી કરતા સાધનો તેમજ અન્ય વસ્તુઓને લઈને તાત્કાલિક બેઠકો મળે છે ત્યારે વિદ્યાર્થીઓનાં હિત માટેની વાત આવે તો સત્તાધીશો દ્વારા મોટી-મોટી ડંફાશો જ કરવામાં આવે છે. ગત ૨૯ માર્ચ ૨૦૨૦નાં રોજ સેનેટ સભા મળવાની હતી પરંતુ કોરોનાની મહામારીને કારણે આ સેનેટ સભા મોકુફ રાખવામાં આવી હતી.
ત્રણ માસ ઉપરનો સમય હજુ સુધી સેનેટની બેઠક મળી નથી જેને લઈને ૪ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી અટકી ગઈ છે. આ ઉપરાંત છેલ્લા ત્રણ માસની વાત કરીએ તો સિન્ડીકેટ, એસ્ટેટ, ફાયનાન્સ અને એકેડેમીક કાઉન્સીલ સહિતની બાંધકામો અને નવી ખરીદીની વસ્તુ માટેની બેઠકો મળી છે જોકે સેનેટની બેઠક હજુ સુધી નથી મળી તે વૈદ્યક સવાલ ઉભો થાય છે. વિદ્યાર્થીઓને અન્ય રાજયોમાંથી વિદેશ ભણવા જવા માટે ડિગ્રી સર્ટીફીકેટનું મહત્વ ખુબ જ રહેલું છે જોકે સેનેટની બેઠક ન મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અટકી પડી છે અને હવે તાત્કાલિક સેનેટ સભા મળે અને વિદ્યાર્થીઓને ડિગ્રી મળતી થાય તેવી માંગ ઉભી કરી છે.
તાત્કાલિક સેનેટ સભા મળવી જરૂરી: ડો. પ્રિયવદન કોરાટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, દર છ મહિને સેનેટની બેઠક મળવી ફરજીયાત છે જોકે હાલ કોરોનાની મહામારીને લઈ ગત ૨૯ માર્ચનાં રોજ યોજાનારી બેઠક મોકુફ રાખવામાં આવી હતી. હાલ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે કેમ કે ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અટકી છે. સેનેટસભાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફીકેટ મળી રહે તે જ મુખ્ય એજન્ડા હોય છે. વિદ્યાર્થીઓને તાત્કાલિક ડિગ્રી મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જલ્દી ઈ-સેનેટ સભા ગોઠવાય તેવું આયોજન કરવું જોઈએ.
વિદ્યાર્થીઓનાં ડિગ્રી સર્ટીફીકેટ તાત્કાલિક એનાયત કરવા જોઈએ: ડો.નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એજયુકેશન ફેકલ્ટીનાં ડિન અને સેનેટ સભ્ય ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનાં સતાધીશો દ્વારા બાંધકામ અને અન્ય ખરીદી માટે સેનેટ સભ્યને પત્ર લખી મંજુરી મેળવી લે છે જોકે વિદ્યાર્થી હિતમાં કોઈને રસ ન હોય તેમ અન્ય સેનેટની બેઠક માટે કોઈ વિચારતું નથી ત્યારે ખાસ કેસમાં રાજયપાલ પાસેથી મંજુરી લઈને વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય કરી તાત્કાલિક ડિગ્રી સર્ટીફીકેટ વિદ્યાર્થીઓને આપવું જરૂરી બન્યું છે.
વહેલી તકે ઈ-કોન્વોકેશન યોજવામાં આવશે: ડો.વિજય દેસાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત ૩૧ માર્ચનાં યોજાનારી સેનેટની સભા કોરોનાની મહામારીનાં કારણે મોકુફ રાખવામાં આવી હતી જોકે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજયપાલની મંજુરી મેળવી વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે ડિગ્રી સર્ટીફીકેટ મળી જાય તે માટે ઈ-કોન્વોકેશન યોજવામાં આવશે અને જેની તારીખ પણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.