સીડીએસ બીપીન રાવત પણ વડાપ્રધાનની મુલાકાતમાં સાથે જોડાયા
ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી અચાનક લેહની મુલાકાત માટે પહોંચ્યા છે. આજે સવારે વડાપ્રધાન મોદી લેહ પહોંચી જવાનોની મુલાકાત કરી હતી. જો કે આ પહેલા માત્ર આર્મી ચીફ બિપિન રાવત જ આ મુલાકાત માટે જવાના હતા.
મે મહિનાથી ચીન સાથે લદાખ સરહદે વિવાદ ચાલી રહ્યો છે અને બંને સેનાઓ વચ્ચે સતત સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આ દરમ્યાન વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત સૌના માટે ચોંકાવનારી છે. આ પહેલા શુક્રવારે માત્ર રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ મુલાકાત લેવાના હતા. પરંતુ, ગુરુવારે તેમના કાર્યક્રમમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બિપિન રાવત લેહની મુલાકાત કરશે.જો કે બાદમાં આજે અચાનક વડાપ્રધાન લેહની મુલાકાતે આવી પહોંચ્યા છે. અને તેઓની સાથે સીડીએસ બિપિન રાવત પણ જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત સાથે લેહ પહોંચ્યા છે અને અહીં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ ભારતીય સૈનિકોને મળે તેવી પણ સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાતથી ચીનમાં ભારે ખળભળાટ મચ્યો છે. ભારતીય લશ્કરમાં જોશ અને ઉમંગ ફેલાયો છે. જ્યારે ચીનના સૈનિકોમાં હતાશા ફેલાઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.