શિવરાજની જૂની ટીમમાંથી ગોપાલ ભાર્ગવ, ભુપેન્દ્રસિંહ, યશોધરા રાજે અને વિશ્ર્વાસ સારંગ મંત્રી: સિંધિયા સમર્થક ગ્રુપ પણ ફાવી ગયું
મઘ્યપ્રદેશમાં કોંગ્રેસની ‘કમલ’સરકારનું ‘મહારાજા’જયોતિરાદિત્ય સિંધિયાના બળવા બાદ પતન થયું હતું. કોંગ્રેસના અનેક ધારાસભ્યોના રાજીનામા બાદ બહુમતિમાં આવેલા ભાજપે શિવરાજ ‘મામા’ને ફરીથી મુખ્યમંત્રી પદે બેસાડયા હતા. ત્રણ માસ જુની મામા સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું છે.
શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યાના ૭૧ દિવસ પછી અંતે તેમની આખી ટીમ બની ગઈ છે, પરંતુ તેમા સિંધિયા જૂથ ફાયદામાં રહ્યું છે. ગુરુવારે ૨૮ મંત્રીઓએ શપથ લીધી હતા. તેમાં ૯ સિધિયા ટીમમાંથી છે, જ્યારે ૭ શિવરાજ સરકારમાં પહેલા મંત્રી રહી ચૂક્યા છે તેઓ છે. શપથ લેનાર ૨૮ નેતાઓમાં ૨૦ને કેબિનેટ અને ૮ ને રાજ્યમંત્રી બનાવાયા છે. ૪ નેતાઓ એવા છે જે ત્રણ મહિના પહેલા કમલનાથ સરકારમાં મંત્રી હતા.
શિવરાજની ટીમમાં હવે તેમની સાથે ૩૪ મંત્રી છે. તેમાં ૫૯% મંત્રી ૨૦૧૮માં ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી જીતેલા છે. જ્યારે ૪૧% મંત્રી પૂર્વ કોંગ્રેસી છે અને તેમાં એક હાલ ધારાસભ્ય પણ નથી. વિતેલા ૧૦૦ દિવસોમાં સિંધિયા સમર્થકો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને સૌથી વધારે ફાયદો થયો છે. કમલનાથ સરકારમાં છ મંત્રી સિંધિયા સમર્થક હતા. શિવરાજ સરકારમાં ૧૧ મંત્રી સિંધિયા કોટામાંથી છે. તેમાં કોંગ્રેસ છોડીને આવ્યા અને આજે મંત્રી બનેલા ૩ વધુ મંત્રીને જોડીએ તો તેની સંખ્યા ૧૪ થાય છે.
કમલનાથ સરકારમાં સિંધિયા ગ્રુપમાંથી ૬ મંત્રી હતા. તેમા ગોવિંદ સિંહ રાજપૂત, તુલસી સિલાવટ, પ્રદ્યુમન સિંહ તોમર, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી અને મહેન્દ્ર સિંહ સિસોદિયા. આ બધા શિવરાજ સરકારમાં હાલ મંત્રી બની ચૂક્યા છે.
આ ઉપરાંત ૫ વધુ નેતાઓને શિવરાજ ટીમમાં આજે મંત્રી બન્યા. તેમા રાજ્યવર્ધન સિંહ દેત્તીગાંવ, બૃજેન્દ્ર સિંહ યાદવ, ગિર્રાજ દંડોતિયા, સુરેન્દ્ર ધાકડ અને ઓપીએસ ભદૌરિયા છે. રાજ્યવર્ધન કેબિનેટ મંત્રી બન્યા છે. બાકીના ચાર રાજ્ય મંત્રી બન્યા છે. આ રીતે કમલનાથ સરકારમાં સિંધિયા ગ્રુપમાંથી ૬ મંત્રી હતા જ્યારે શિવરાજ સરકારમાં ૧૧ નેતા મંત્રી છે. ૨૦ નવા કેબિનેટ મત્રીમાં ૫ સિંધિયા ટીમમાંથી, ૪ કમલનાથ સરકારમાં મંત્રી રહ્યા, ૭ શિવરાજ સરકારમાં પહેલા મંત્રી હતા.
ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને ૨૦ કેબિનેટ અને ૮ રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની.