ટીટ્રીટીટ ટીટ…. ટીટ્રીટ ટીટ…. જેવો કર્કશ અવાજ કરતી ટીંટોડી જેટલી ઉંચાઈએ ઈંડા મૂકે છે તેટલો જ સારો વરસાદ પડે છે. તેવી લોકવાયકા છે. રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વસાહત શાપરમાં સ્પેર ઓટોમેક ફેકટરીની છત ઉપર ટીંટોડીએ ઈંડા મૂકયા છે. આ છત ૨૨ ફૂટ ઉપર છે. તેથી આસપાસના લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે. આટલી બધી ઉંચાઈએ ટીંટોડીએ ઈંડા મૂકતા આ વર્ષે ચોમાસું ખૂબ જ સારૂ જશે.
સામાન્ય રીતે વરસાદની આગાહી હવામાન ખાતું કરતું હોય છે. જયારે આપણે તો ટીંટોડીના ઈંડા પરથી વરસાદની આગાહી કરીએ છીએ. ગુજરાતનાં આદિવાસી વિસ્તારનાં લોકો વર્ષોથી આ પરંપરાથી વરસાદનો વરતારો કે આગાહી કરતા હોય છે. ટીંટોડી કયાં ઈડા મૂકે છે ને કેટલે ઉંચે મૂકે છે તેના પરથી આ વર્ષે ચોમાસું કેવું જશે તેની આગાહીઓ કરાય છે.
આપણી આસપાસ હજારો પક્ષીઓ છે તેઓ પણ ઈંડામૂકે છે.પણ આપણે તો ફકત ટીંટોડીના ઈંડા ને જ ટારગેટ કરીને તેને વરસાદની આગાહી સાથે જોડી દીધો છે.
ટીંટોડી ઉનાળામાં ઈંડા મૂકે છે ને ચોમાસાના પ્રથમ વરસાદના છાંટે આ ઈંડા ફાટે છે.ને તેમાંથી બચ્છાનો જન્મ થાય છે. ટીંટોડી ઉંધા ઈંડા મૂકે તો શું થાય ? તેવી પણ વાયકાઓ છે. એક વાત એવી પણ ચર્ચાય છે કે તે જેટલે ઉંચે ઈંડા મૂકે તેટલે વરસાદી પાણી પહોચતું જોવા મળે છે.ટુંકમાં ટીંટોડી એવી જગ્યાએ ઈંડા મૂકે છે જયાં વરસાદી પાણી તેને નષ્ટ કરી ના શકે.
ટીંટોડી જમીન પર ઈંડા મૂકે તો ઓછો વરસાદ ને ઉંચે મૂકે તો વધુ વરસાદ પડે તેવી લોકવાયકા છે. ત્રણ ઈંચા મૂકયા હોય તો એક દીશામાં વરસાદ પડતો નથી. ટીંટોડી ઈંડાના સેવન માટે ભર ઉનાળે જમીનના તાપથી તેના રક્ષણ માટે પોતાની પાંખો ભીની કરીનેઈંડા ઉપર બેસીને તેનું જતન કરે છે. નર-માદા ટીંટોડી વારા ફરતી ઈંડા પર બેસીને તેનું સેવન કરતા જોવા મળે છે.
ટીટોડીના ઈંડા જયાં મુકાય ત્યાં લોકો દૂર દૂરથી જોવા આવતા હોય છે. બધા પોત પોતાની રીતે વરસાદની આગાહી કરતા હોય છે. આપણે ત્યાં ૭૦% લોકો ખેતી આધારીત વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી વરસાદની આગાહી માટે ટીંટોડીના ઈંડા ફેમસ થઈ ગયા છે.
ટીટ્રીટીટ ટીટ… ટીટ્રીટીટ ટીટ… આવો કર્કશ અવાજ કરતી ટીંટોડી તેના ઈંડા આસપાસ ઉડા ઉડને ચકકર લગાવતી હોય છે. તે જમીન ઉપર પણ ખૂબજ ઝડપથી ચાલી શકે છે.