ખેત જણસોમાં ટીડીએસને લઈ સર્જાઈ મોકાણ
આજથી માર્કેટીંગ યાર્ડની બેંકોએ રોકડ પર ટીડીએસ કપાત મુકતા અંધાધૂંધી
માર્કેટીંગ યાર્ડના રોકડ વ્યવહારે એજન્ટો અને ખેડૂતો વચ્ચે કશમકસ સર્જી
તા.૧-૭-૨૦૨૦થી ઈન્કમટેકસની કલમ ૧૯૪-એન મુજબ ટીડીએસ કપાત અંગે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રૂ.૧ કરોડથી વધારે રોકડ ઉપાડ કરવામાં આવે તો ૨ ટકા લેખે ટીડીએસ કાંપવામાં આવશે. તેમજ જો કરદાતાએ બેંકને પોતાના છેલ્લા ત્રણ વર્ષની ઈન્કમટેકસની માહિતી ન આપી હોય અથવા તો પાન નંબર આધારિત માહિતી જમા કરાવી ન હોય તો તેવા સંજોગોમાં રૂ.૨૦ લાખથી ઉપર થતાં રોકડ ઉપાડ પર ૨ ટકા તેમજ રૂ.૧ કરોડ ઉપરની રોકડ ઉપાડ પર ૫ ટકા લેખે ટીડીએસ કાંપવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ તમામ રોકડ વ્યવહારોની ગણતરી તા.૧-૪-૨૦૨૦થી કરવામાં આવશે. તેવો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુશ માર્કેટ કમિટિ (એપીએમસી)ના વ્યવહાર વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે માર્કેટીંગ યાર્ડો ખાતે ખુબ વિવાદ વકર્યો છે. ગત વર્ષ દરમિયાન પણ આ પ્રકારના પરિપત્રને કારણે સમગ્ર રાજ્યના માર્કેટીંગ યાર્ડમાં વિરોધનો સુર જોવા મળ્યો હતો. તેમજ રાજ્યના સૌથી મોટા ઉંઝા માર્કેટીંગ યાર્ડ ખાતે સતત ૧૦ દિવસ સુધી પરિપત્રના વિરોધમાં હડતાળ પાડવામાં આવી હતી. જેના પરિણામે માર્કેટીંગ યાર્ડને એક વર્ષ સુધી રોકડ વ્યવહારમાં છુટછાટ આપવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર નવો પરિપત્ર જાહેર થતાં કમિશન એજન્ટો ચિંતામાં મુકાયા છે.
ઉલ્લેખનીય બાબત છે કે, માર્કેટીંગ યાર્ડ ખાતે પેઢી ધરાવતા તમામ કમિશન એજન્ટોએ ત્રણ મહિનામાં રૂ.૧ કરોડ ઉપરનો રોકડ વ્યવહાર કરી લીધો હોય. હાલ તેમના તમામ રોકડ વ્યવહાર પર બેંકો દ્વારા ટીડીએસ કાપવામાં આવશે તે બાબત જાણવા મળતા યાર્ડ ખાતે રોકડ વ્યવહારને ખુબ મોટી અસર જોવા મળી હતી. માર્કેટીંગ યાર્ડ ખાતે મોટાભાગે કમિશન એજન્ટ ખેડૂતોને રોકડ નાણા ચૂકવતા હોય છે અને ખેડૂતો પણ રોકડ વ્યવહાર કરવા ટેવાયેલા છે પરંતુ અચાનક રોકડ વ્યવહાર અટકી જતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોને રોકડ નાણાની જગ્યાએ ચેક મળતા મોટાભાગના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વપૂર્ણ બાબત છે કે, જ્યારે દલાલ-વેપારી દ્વારા ખેડૂતોને ચેકથી નાણાની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોનો આશરે એક સપ્તાહથી ૧૦ દિવસ જેટલો સમય ચેક ક્લીયરીંગમાં વેડફાય જાય છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બેંકની બ્રાંચના અભાવે ખેડૂતોને મોટુ અંતર કાપી ચેક ક્લીયરીંગ અર્થે જવું પડતું હોય છે. જેના કારણે ખેડૂતો માટે હાલ પડ્યા પર પાટુ સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
કોઈ કદાવર નેતા ચિત્રમાં આવી ઉચ્ચસ્તરે રજૂઆત કરે તો જ મામલો થાળે પડી શકે: વલ્લભભાઈ પટેલ
મામલામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર વલ્લભભાઈ પટેલે ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા પરિપત્રમાં રોકડ નાણાની કપાતની તા.૧-૪-૨૦૨૦ દર્શાવવામાં આવી છે. તમામ કમિશન એજન્ટોએ ગત ત્રણ મહિનામાં રૂ.૧ કરોડથી વધુની રોકડ ઉપાડ કરી લીધી હોય. હાલ કમિશનર એજન્ટો ખેડૂતોને ચેક થકી પેમેન્ટ આપવા મજબૂર બન્યા છે. જેના પરિણામે પરિપત્રની અમલવારીના પ્રથમ દિવસે જ ખેડૂતો હેરાન-પરેશાન થયા છે અને જો ટૂંક સમયમાં કોઈ હકારાત્મક નિર્ણય ન આવે તો ખેડૂતો ખૂબ જ હાલાકી ભોગવશે તે બાબત પણ સ્પષ્ટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ જ્યારે ઈન્કમટેકસનો પરિપત્ર જાહેર થયો હતો ત્યારે આ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે રાજ્યનું સૌથી મોટુ ઉંઝા માર્કેટીંગ યાર્ડ સતત બંધ અવસ્થામાં પડ્યું હતું. ત્યારે અંતે ધારાસભ્ય આશાબેન પટેલે ચિત્રમાં આવી ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી અને એપીએમસીને આ પરિપત્રમાંથી મુક્તિ અપાવી હતી. જો આ વર્ષે પણ કોઈ કદાવર નેતા ચિત્રમાં આવે અને ઉચ્ચસ્તરે રજૂઆત કરે તો જ આ મામલો થાળે પડી શકે અને એપીએમસીને આ નિર્ણયમાંથી મુક્તિ મળી શકે. જો કે, હાલ તો પરિસ્થિતિ ખરાબ થઈ રહી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે જ્યારે કમિશન એજન્ટ રોકડ ઉપાડ કરવા બેંક ખાતે જાય છે ત્યારે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે છે કે, જો હાલ તમે રોકડ ઉપાડ કરશો તો ૨ ટકા ટીડીએસ કપાત કરવામાં આવશે જેથી જ્યાં સુધી કોઈ નવો પરિપત્ર એપીએમસી સંબંધીત ન આવે ત્યાં સુધી રોકડ ઉપાડ કરવાનું ટાળો તો આ પરિસ્થિતિમાં કમિશન એજન્ટોએ શું કરવું તે એક મોટો સવાલ છે. પરંતુ આ સમગ્ર મામલામાં ખેડૂતો હેરાન થઈ રહ્યાં છે તે સ્પષ્ટ છે.
પરિપત્ર અંગે વકીલો, સીએ પાસેથી જુદા જુદા મત મળતા કમિશન એજન્ટો મુંઝવણમાં: અતુલ કમાણી
આ અંગે સૌરાષ્ટ્ર વેપારી એસો.ના પ્રમુખ અતુલ કમાણીએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જે નોટિફિકેશન અમને મળ્યું છે તે અંગે અમે વકીલો તેમજ ચાટર્ડ એકાઉન્ટન્ટ પાસે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જેટલા મોઢા તેટલા મતની જેમ દરેક જગ્યાએથી અલગ અલગ માહિતીઓ મળી રહી છે. કોઈ એવું કહે છે કે, આ પરિપત્રમાં એપીએમસી સાથે જોડાયેલા વેપારી-કમિશન એજન્ટને મુક્તિ આપવામાં આવી છે તો કોઈ એવું કહે છે કે, તમામે ટીડીએસ ભરવો જ પડશે જેના કારણે કમિશન એજન્ટ અને વેપારીઓ ખુબજ મુંઝવણ અનુભવી રહ્યાં છે. હાલ સૌના મનમાં એક જ પ્રશ્ર્ન છે કે, આ નિર્ણય એપીએમસીના વેપારી કમિશન એજન્ટને લાગુ પડશે કે નહીં પરંતુ કોઈ જ પ્રકારની સ્પષ્ટતા નહીં હોવાથી અમે તો હાલાકી ભોગવી જ રહ્યાં છીએ પરંતુ અમારી સાથે સાથે ખેડૂતો પણ ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આજે જે ખેડૂતો યાર્ડ ખાતે તેમની જણસ લઈને વેંચાણ અર્થે આવ્યા હતા. તમામ ખેડૂતોને અમે ચેકથી પેમેન્ટ કર્યું છે જેનાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે.
એપીએમસીના વેપારી-દલાલને આ નિર્ણય લાગુ પડશે કે કેમ તે અંગે કોઈ જ સ્પષ્ટતા નહીં: બી.આર.તેજાણી
આ અંગે રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જે તે વખતે મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેમાં એપીએમસી સાથે જોડાયેલા વેપારી દલાલોને આ પરિપત્ર અને નિર્ણયમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષના પરિપત્રમાં તે બાબતે કોઈ જ સ્પષ્ટતા નહીં હોવાથી એવું લાગી રહ્યું છે કે, કદાચ સરકારે નીતિમાં પરિવર્તન કર્યો હોય પરંતુ ખરેખર એપીએમસી સાથે જોડાયેલા વેપારી દલાલોને મુક્તિ આપવી કે કેમ તે અંગે નિર્ણય થયો છે કે કેમ તે બાબતે મને કોઈ જ માહિતી મળી નથી. તેમજ અમારી પાસે પણ કોઈ જ પ્રકારની માહિતી આવી નથી.