રાજયની તમામ સ્કુલોનાં વિદ્યાર્થીઓને હાલમાં સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજીબાજુ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની રીતે પરીપત્ર બહાર પાડી અલગ-અલગ સમયમાં સ્કુલોમાં ઓનલાઈન અભ્યાસ ચલાવી રહ્યા છે જોકે આ સમસ્યા દુર કરવા ગઈકાલે રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૭:૩૦ થી બપોરનાં ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે જોકે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ સ્કુલે આવવાનું રહેતું નથી પરંતુ શિક્ષકોને જરૂર પ્રમાણે પ્રિન્સીપાલો બોલાવી શકશે.
રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરીપત્રમાં જણાવ્યા મુજબ આજથી સ્કુલનાં સમય અંગે વિવિધ જિલ્લામાં જુદા-જુદા સમય અંગેનું પરીપત્ર થયા છે પરંતુ રાજયની દરેક શાળામાં એક જ સમયે સ્કુલો ચાલે અને કામનાં કલાકો એક સરખા હોય તેવો પ્રયત્ન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે માટે હવે રાજયની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે તેમાં એક પણ વિદ્યાર્થીએ સ્કુલે આવવાનું રહેશે નહીં. સ્કુલનાં મુખ્ય શિક્ષણ દ્વારા તેમજ પ્રિન્સીપાલ દ્વારા જરૂર પડયે શિક્ષકોને બોલાવી શકાશે. આ સમયગાળા દરમિયાન શિક્ષકો દ્વારા પોતાના વિદ્યાર્થીઓનું સપ્તાહમાં ટેલીફોનીક સંપર્ક કરીને હાલચાલ પુછવાના રહેશે તેમજ ઓનલાઈન શિક્ષણ અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવાનું રહેશે તથા અત્યાર સુધીમાં જે અભ્યાસક્રમ કર્યો તેની ચર્ચા-વિચારણા પણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરીપત્રમાં રાજયની તમામ પ્રાથમિક શાળાનો સમય એક સરખો થયો છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ મુંઝવણો દુર થશે.