મહામારીના કપરા સમયમાં સરકાર જનતાને મદદરૂપ થવાને બદલે લુંટ ચલાવતી હોવાનો આક્ષેપ
પેટ્રોલ-ડીઝલનાં અસહ્ય ભાવવધારા સામે આમ આદમી પાર્ટીએ આંદોલન છેડયું છે જેમાં આજે શહેર પ્રમુખ રાજભા ઝાલા, પ્રભારી અજીત લોખીલ અને ઉપપ્રમુખ શિવલાલ બારસીયાની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં કાર્યકરોએ બાઈકને દોરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો જોકે પોલીસે આ રેલી અટકાવીને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
આપ દ્વારા જણાવાયું હતું કે, પાછલા ત્રણ મહિનામાં લોકડાઉન દરમિયાન ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો જનતાની કમર તોડી રહ્યો હતો તેવામાં કોઈપણ બહાને વારંવાર એકસાઈઝ ડયુટી વધારીને સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. ૭ જૂનથી અત્યાર સુધીમાં સરકારે પેટ્રોલમાં આશરે ૧૧ રૂપિયા જેટલો અને ડીઝલમાં ૧૪ રૂપિયા જેટલો તોતિંગ વધારો કરી દીધો છે. આનાથી સરકારને તગડી કમાણી થઈ રહી છે. અત્યારે દેશમાં લોકડાઉનના માહોલમાં લોકોની આવક સદંતર બંધ છે અનેક લોકો બેરોજગાર થયા છે, ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે આવા કપરા સમયમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી લોકો પરેશાન થઈ ગયા છે ને પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાના લીધે દરેક વસ્તુઓ મોંઘી બનવાથી લોકો ઉપર મોંઘવારીનો પણ માર લાગી રહ્યો છે.
આવી સ્થિતિમાં આમ આદમી ભીંસાઈ અને પીસાઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના આ સમયમાં સરકારી નીતિઓ પ્રજા ઉપર અમાનુષી જુલમ કરી રહી છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. સરકારને આ ભાવ વધારો પાછો ખેંચવાનો તીવ્ર આગ્રહ છે. આમ આદમી પાર્ટીની ફરજ બની રહે છે કે આ અસહ્ય ભાવ વધારાથી પ્રજાને પડતી મુશ્કેલીઓનો અવાજ બહેરી સરકારના કાને પડે અને સરકારને ભાવવધારો પાછો ખેંચે તેવો અનુરોધ છે તેમ જણાવ્યું હતું.