એન્ટાર્કટીક છેલ્લા ત્રણ દસકામાં ત્રણ ગણો ઝડપથી ઓગળી રહ્યો છે !
ગ્લોબલ વોર્મિંગના કારણે દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં હિમશીલાઓ ઓગળવા લાગી: દરિયાની સપાટી વધવાનું જોખમ
દક્ષિણ ધ્રુવ-એન્ટાર્કટીકા વિસ્તાર છેલ્લા ત્રણ દસકાથી ત્રણ ગણી ઝડપથી ઓગળી રહ્યાં હોવાના ચોંકાવનારા સમાચાર સાંપડી રહ્યાં છે. જેની પાછળ ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી ફેરફારો જવાબદાર હોવાનું સંશોધકોનું કહેવું છે. દક્ષિણ ધ્રુવમાં હિમશીલા ઓગળવાના કારણે વિશ્ર્વમાં દરિયાઈ સપાટીમાં વધારો થશે. જેથી મુંબઈ સહિતના શહેરો પાણીમાં ગરકાવ થઈ જાય તેવી દહેશત છે.તાજેતરમાં નેચર કલાઈમેન્ટ ચેન્જમાં સંશોધકોનું એક રિસર્ચ જાહેર કરવામાં આવ્યું હતું. એન્ટાર્કટીકાના ૨૦ હવામાન સ્ટેશન પાસેથી ડેટા મેળવાયા હતા. જે પરથી ફલીત થયું હતું કે, સાઉથ પોલ ઓગળનો દર વિશ્ર્વની સરેરાશ કરતા સાત ગણો વધુ છે. જે રીતે સાઉથ પોલ ઓગળી રહ્યો છે તે જોતા થોડા વર્ષોમાં જ આ વિસ્તાર ભૌગોલીક રીતે છુટો પડી જશે. ન્યુઝીલેન્ડની વેલીંગટન યુનિવર્સિટી ખાતે સંશોધકો દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે. વર્ષ ૧૯૭૦-૧૯૮૦ બાદ ગ્લોબલ વોર્મિંગના કારણે ખુબજ ઝડપથી હિમશીલા ઓગળી રહી છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, એન્ટાર્કટીકની કોસ્ટ લાઈનમાં ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધુ અસરકારક રહ્યું છે. હવામાનમાં થયેલા ફેરફારને કારણે દરિયાની સપાટી વધશે. સાઉથ પોલનું હવામાન ઝડપથી વધ્યું છે. સામાન્ય સંજોગોમાં સાઉથ પોલમાં તાપમાન માઈન્સ ૫૦ સેલ્સીયસથી માઈન્સ ૨૦ સેલ્સીયસ વચ્ચે રહે છે પરંતુ છેલ્લા ૩ દાયકામાં આ તાપમાનમાં ૧.૮ ડિગ્રી સેલ્સીયસનો વધારો થવા પામતા સંશોધકો પણ ચિંતામાં મુકાયા છે.