સુરક્ષા બીલના ઓઠા હેઠળ હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનોને ડામી દેવા ડ્રેગનનો પેંતરો: ઓસ્ટ્રેલીયા, બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિતના દેશોએ યુએનમાં ચીન સામે મોરચો માંડ્યો
હોંગકોંગની સ્વાયતતા ખત્મ કરવાના હેતુથી ડ્રેગને વિવાદીત સુરક્ષા કાયદો પારીત કરી દીધો છે. જેનો ઓસ્ટ્રેલીયા, બ્રિટન, ફ્રાંસ, જર્મની સહિતના દેશોએ વિરોધ કર્યો છે. હોંગકોંગ ઘણા વર્ષો બ્રિટનના તાબા હેઠળ હોવા છતાં આઝાદીનો શ્ર્વાસ લેતુ હતું પરંતુ બ્રિટન પાસેથી હવે ચીન પાસે સંચાલનની ચાવી પહોંચી જતાં ચીન હોંગકોંગને લોખંડની બેડીઓથી જકડવા માંગે છે. જો કે, હોંગકોંગ અત્યારે વૈશ્ર્વિક વેપારનું કેન્દ્ર છે અને ચીન વધુ જોહુકમી કરશે તો અમેરિકાની જેમ અન્ય દેશો પણ હોંગકોંગ સાથેની સંધીઓ પૂરી કરી નાખશે તેવી શકયતા છે. હાલ તો તમામ દેશો હોંગકોંગ ઉપરના ડ્રેગન ભરડાનો વિરોધ કરી રહ્યાં છે. જીનીવા ખાતે માનવ અધિકાર પંચમાં ચીન સામે ૨૭ દેશોએ અવાજ ઉઠાવ્યો છે.
ઓસ્ટ્રેલીયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ તેમજ યુરોપીયન યુનિયનના ૧૫ રાષ્ટ્રો પણ ચીનની કરતુતના વિરોધમાં છે. યુ.એન. અને યુરોપિયન યુનિયન પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યાં છે કે ચીન આ કાયદાનો ઉપયોગ હોંગકોંગમાં થતા વિરોધને દબાવી દેવા માટે કરી શકે છે. ચીનની મુખ્ય ભૂમિ પર તો આવા કાયદા પહેલેથી મોજૂદ છે જેના દ્વારા ત્યાં થતાં વિરોધને કચડી નાખવામાં આવે છે. હોંગકોંગ માટે લાગુ કરવામાં આવનારા આ કાયદામાં હોંગકોંગની સંસદને જ સામેલ ન કરવામાં આવી અને આ કાયદામાં જોગવાઇ છે એ અંગે પણ હોંગકોંગ શહેરના ૭૫ લાખ નાગરિકો અજાણ છે. જોકે હોંગકોંગની કઠપૂતળી સરકારે ચીનના આ કાયદાને આવકાર્યો છે. ચીનથી સ્વાયત્ત હોવાના કારણે જ હોંગકોંગ વૈશ્વિક વેપારનું કેન્દ્ર બની શક્યું પરંતુ હવે તે ચીનની લોખંડી બેડીઓમાં જકડાશે તો તેનો મુક્ત વેપાર કેન્દ્ર તરીકેનો દરજ્જો જ છીનવાઇ જશે.
૨૦૦૩માં કાયદો લાવવાની નાકામ હિલચાલ બાદ હવે ડ્રેગનનેજ સફળતા મળી
ચીનના સામ્યવાદી સત્તાવાળાઓ લાંબા સમયથી ધમકી આપી રહ્યાં હતાં કે હોંગકોંગમાં ચાલી રહેલા ચીનવિરોધી પ્રદર્શનોને તે સહન નહીં કરે. ગયા વર્ષે લગભગ સાત મહિના હોંગકોંગમાં લોકશાહી સમર્થક આંદોલનો ચાલ્યાં હતાં. અગાઉ ૨૦૦૩માં પણ ચીન આ પ્રકારનો જ કાયદો લાવવાની હિલચાલ કરી ચૂક્યું છે. એ સમયે પણ મોટા પાયે વિરોધ થતાં ચીને કાયદો પાછો લેવાની ફરજ પડી હતી. જોકે આ વખતે ચીને હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કાયદો અને વ્યવસ્થામાં સુધારો કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. હોંગકોંગના ચીનતરફી નેતા કેરી લેમ પણ ચીનની કોંગ્રેસમાં ભાગ લીધો હતો અને તેમણે ચીનના આ કાયદાને હોંગકોંગમાં વહેલામાં વહેલી તકે લાગુ કરાવવાની ખાતરી આપી હતી.
ઓછામાં ઓછા ૨૦૪૭ સુધી હોંગકોંગના લોકોની સ્વતંત્રતા જાળવી રાખવાની ગેરંટી અપાઈ’તી
હોંગકોંગના મિની બંધારણ બેઝિક લોના અનુચ્છેદ ૨૩ અનુસાર દેશદ્રોહ જેવા ગંભીર મામલાઓમાં શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગૂ કરવો જોઇએ. જોકે આ પહેલા આ અનુચ્છેદનો કદી પ્રયોગ કરવામાં આવ્યો નથી. હોંગકોંગમાં પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદીને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. આર્થિક રીતે સમૃદ્ધ આલ્ફા પ્લસ શહેરોમાં સ્થાન ધરાવતું હોંગકોંગ એક સમયે સીટી સ્ટેટ અર્થાત એક જ શહેરનું બનેલું રાષ્ટ્ર હતું જે હાલ ચીનના કબજા હેઠળનો સ્વાયત્ત ટાપુ છે. હજુ હમણા સુધી બ્રિટીશ કોલોની ગણાતા હોંગકોંગને બ્રિટને ૧૯૯૭માં સ્વાયત્તતાની શરત સાથે ચીનને સોંપ્યું હતું. હોંગકોંગ સોંપાયું ત્યારે ચીને એક દેશ- બે વ્યવસ્થાની વ્યાખ્યાના ધોરણે ઓછામાં ઓછા ૨૦૪૭ સુધી હોંગકોંગના લોકોની સ્વતંત્રતા અને પોતાનો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપી હતી. જોકે એ પછી ખંધુ ચીન વખતોવખત હોંગકોંગને પોતાની સરમુખત્યારશાહીની બેડીઓમાં જકડવા મથતું રહે છે.
હોંગકોંગના લોકો પોતાને ચીનનો હિસ્સો માનવા જ તૈયાર નથી!
ચીનને હોંગકોંગની સોંપણી જ સ્વાયત્તતાની શરત સાથે કરવામાં આવી હતી અને તેને પોતાની સ્વતંત્રતા, સામાજિક, કાયદાકીય અને રાજકીય વ્યવસ્થા જાળવી રાખવાની ગેરંટી આપવા છતાં ચીનના હસ્તક્ષેપને ત્યાંના લોકો પસંદ નથી કરતાં. હકીકતમાં હોંગકોંગના લોકો પોતાને ચીનનો હિસ્સો માનવા જ તૈયાર નથી અને સરેઆમ ચીનની સરકારની ટીકા કરે છે. જોકે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી હોંગકોંગની સરકાર પર કબજો કરી રહી છે. હોંગકોંગના વર્તમાન નેતા કેરી લેમની નિમણૂક પણ ચીનની નિકટની એક કમિટીએ જ કરી હતી. કેરી લેમ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના મોટા સમર્થક મનાય છે. હોંગકોંગની સંસદમાં પણ ચીન સમર્થક સાંસદોનું મોટું જૂથ છે. છેલ્લા ઘણાં વર્ષોથી ચીન હોંગકોંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા મથી રહ્યું
ચીનની જોહુકમી વિરૂધ્ધ અમ્બ્રેલા મુવમેન્ટ
છેલ્લા અનેક દાયકાથી બ્રિટીશ શાસન વ્યવસ્થા હેઠળ મોકળાશપૂર્વક જીવેલા હોંગકોંગના લોકોને ચીનની સંકુચિત સરમુખત્યારશાહી જરાય પસંદ નથી. જેના કારણે ત્યાં અવાનવાર ચીનવિરોધી આંદોલનો ઊભા થાય છે. અગાઉ ૨૦૧૪માં પણ ચીનની જોહુકમી વિરુદ્ધ અમ્બ્રેલા મૂવમેન્ટ નામનું આંદોલન ૭૯ દિવસો સુધી ચાલ્યું હતું. એ વખતે પણ ચીન લોકશાહીનું સમર્થન કરતા લોકો પર કાર્યવાહી કરવા લાગ્યું હતું. વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયેલા લોકોને જેલમાં નાખી દેવામાં આવ્યાં હતાં. આઝાદીનું સમર્થન કરનારી રાજકીય પાર્ટી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. એ પહેલા ૨૦૦૩માં પણ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષાના નામે લાવવામાં આવેલા કાયદાનો લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે તો ચીને પીછેહઠ કરવી પડી હતી પરંતુ વર્તમાન સમયમાં ચીનની હોંગકોંગ પરનું પ્રભુત્ત્વ અનેકગણું વધારે છે.