રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિતના વિસ્તારોમાં શનિ અને રવિવારે ભારે વરસાદ પડશે
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૬ તાલુકાઓમાં પડ્યો કાલાવડમાં ૩ ઇંચ, વેરાવળમાં ૨ા ઇંચ, ધ્રોલ-મેંદરડા-વડીયામાં ૨ ઇંચ, સુત્રાપાડા-ગીરગઢડામાં ૧ાાા ઇંચ વરસાદ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હજુ ૪ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. તેમાં પણ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિતના વિસ્તારોમાં શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના સુબિરમાં ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ, ગિરસોમનાથમાં ૨અઢી ઇંચ, ધ્રોલમાં ૨ ઇંચ, પંચમહાલમાં ૨ ઇંચ, જૂનાગઢમાં ૨ ઇંચ, મોડાસામાં ૨ ઇંચ, વડીયામાં ૨ ઇંચ, ડાંગમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદથી ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. ડેમ, તળાવ અને નદીઓમાં નવા નિર આવ્યા હતા. અનેકવિધ નીચાણવાળા સ્થળોએ ઘરોમાં પાણી ઘુસ્યા હતા. ઉલ્લેખનીય છે કે હજુ ૪ દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ૧.૫કિમીથી ૪.૫ કિમીના વિસ્તારમાં સાયકલોનીક સર્ક્યુલરના કારણે સિસ્ટમ કાર્યરત થઈ છે. જેના કારણે અમરેલી, રાજકોટ, ગિરસોમનાથ, ભાવનગર અને પોરબંદર સહિતના વિસ્તારોમાં શનિવારે અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
જુન મહિનામાં સરેરાશ કરતા ૧૮ ટકા વધુ વરસાદ
ભારતમાં આ વર્ષે જુનથી સપ્ટેમ્બર મહિનાની ચોમાસાની ઋતુનો ખુબ જ સારી રીતે પ્રારંભ થયો હતો. આ વર્ષે ખેડુતોએ જૂન મહિના સુધીમાં ૨૦૧૯ની સરખામણીએ બેવડાથી વધુ પ્રમાણમાં ૩૧.૫૬ મિલીયન હેકટરમાં વાવણી પુરી કરી છે. આ વર્ષે જુલાઈમાં પણ સરેરાશથી સારો વરસાદ થાય તેવી આશાનો માહોલ ઉભો થયો છે. ભારતના હવામાન વિભાગ દ્વારા દેશના વર્તમાન ચોમાસા અંગે જણાવ્યું હતું કે, ભારતમાં આ વર્ષે જુન મહિનામાં સરેરાશ વરસાદથી ૧૮ ટકા વધુ વરસાદ વરસ્યો છે. દેશના અંતિમ ભાગમાં વરસાદનું વાતાવરણ જામ્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય સંજોગોથી બે સપ્તાહ વહેલું શરૂ થયું હતું. ચોમાસાએ દેશના વાર્ષિક ૭૦ ટકા
જેટલા ભાગમાં વરસાદની મહેર કરી દીધી છે. સારા ચોમાસાથી અર્થતંત્રમાં નવચેતના અને કૃષિ ક્ષેત્રમાં તેજી અને ગ્રામ્ય વિસ્તારમાં સારા ચોમાસાને પગલે લોકો સોનાથી લઈ લોકો મોટરો, મોટર સાયકલ અને રેફ્રીજરેટરોની ખરીદીમાં ખુલ્લા હાથે ખર્ચા કરતા થયા છે. જુન મહિનામાં ૩૧ ટકા વધુ વરસાદના પગલે મધ્ય અને પશ્ર્ચિમ ભારતના સોયાબિન, કઠોળ અને કપાસ ઉગાડનારા ક્ષેત્રોમાં ૩૧ ટકા વધુ વરસાદ થયો છે. જયારે ચોખા, કોફી, રબર અને ચા ઉગાડનાર દક્ષિણ ભારતના વિસ્તારોમાં સરેરાશથી ૮ ટકા વધુ વરસાદ થયા હોવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશમાં જુનથી સપ્ટેમ્બરની ચોમાસાની ઋતુનો ખુબ જ સારો પ્રારંભ થતા ઉનાળુ પાકની લણણી સાથે ૨૬મી જુન સુધીમાં ૨૦૧૯ની તુલનાએ ખેડુતોએ બમણું ૩૧.૫૬ મિલિયન જેટલી વાવણી કરી હતી. કપાસની વાવણી ૧૬૫ ટકાથી ઉપર જયારે ચોખા (ડાંગર)ની રોપણીનું પ્રમાણ આ સમયગાળા દરમિયાન ૩૫ ટકા જેટલું થવા પામ્યું છે. ભારત વિશ્ર્વનું સૌથી મોટુ ચોખા નિકાસકાર અને સૌથી વધુ કપાસ ઉત્પાદક દેશ છે. ચોખા અને કપાસના મબલખ ઉત્પાદનથી જણસની વિક્રમજનક નિકાસ થશે. તેલિબિયાની વાવણી પણ અગાઉના વર્ષો કરતા ૫૨૫ ટકા વધી છે જે વિશ્ર્વના સૌથી મોટા ખાદ્યતેલના આયાતકાર દેશ તરીકે આ વખતે આયાતનું પ્રમાણ ઘટાડી શકાશે. ભારતમાં સામાન્ય રીતે સરેરાશ વરસાદ જુલાઈમાં થાય છે. આ સમયગાળા દરમિયાન ઉનાળુ પાકનો લણણીના સમય ગણાય છે. ગયા મહિને ભારતમાં ૨૦૨૦માં બીજુ સારુ વરસ અને મબલખ ખેત ઉત્પાદનનું વર્ષ બની રહેશે તેવો આશાવાદ ઉભો થયો છે. ૨૦૨૦નો વર્ષ કોરોના કટોકટીના પગલે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને કૃષિ ક્ષેત્રનું ઉચું ઉત્પાદન દર મદદરૂપ થશે.
વીજળી વેરણ બની: સૌરાષ્ટ્રમાં વીજળી પડવાથી ૯ લોકોનાં મોત
સૌરાષ્ટ્રમાં વરસાદની ખુશીને વીજળીએ દુ:ખમાં પલ્ટાવી દીધી હતી. અલગ-અલગ ૧૫થી વધુ સ્થળે ત્રાટકેલી વીજળીએ પાંચ મહિલા સહિત ૯નો ભોગ લીધો હતો. જ્યારે ૨૦થી વધુ ઘવાયા હતા. અનેક અબોલ જીવો પણ વીજળી પડતાં મોતને ભેટયા હતા. બીજી તરફ વીજ ટ્રાન્સફોર્મર્સ ઉપર વીજળી પડતાં ઘણા મકાનોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. ખંભાળિયા પાસે ખેતરમાં કામ કરતાં કાકી-ભત્રીજીના વીજશોકથી મૃત્યુ થયા છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થઈ છે. જ્યારે ડઝનેકથી વધુ અબોલ જીવોના મોત થયા છે. કંડોરણામાં એક મકાનમાં વીજળીથી તિરાડ પડી ગઈ છે. જામનગર જિલ્લાના લાલપૂર તાલુકાના રક્કા-ખટીયાની સીમમાં
માતા-પૂત્ર ઉપર વીજળી પડતાં બન્નેના મૃત્યુ થયા છે. કાલાવડ તાલુકાના નાના વડાળા ગામે વાડીમાં કામ કરતાં ૪૦ વર્ષિય ગ્રામજન પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. જસદણના સાણથલી પાસે વીજળી પડતાં ૧ને ઈજા થઈ છે. જ્યારે મકાનોમાં
વીજ ઉપકરણો બળી ગયા હતા. અમરેલી જિલ્લાના વડિયાના સૂર્ય પ્રતાપગઢમાં સીમમાં મહિલા ઉપર નિંદામણ વખતે ત્રાટકેલી વીજળીએ તેનો ભોગ લીધો હતો. કેશોદ પાસેના રાણીંગપરા ગામે વીજળી પડતાં ૧૧ મહિલા અને ૬ પુરૂષો હેબતાઈ ગયા હતા. જેમને સારવાર માટે ખસેડાયા હતા. પ્રાંસલી ગામે ટીસી પર વીજળી પડતાં ટીવ-પંખા બળી ગયા હતા. રાજકોટના મવડી વિસ્તારમા વીજળી પડી હતી. બોટાદ તાલુકામાં વીજળી પડવાના બે બનાવમાં એકમાં પૌત્રી અને દાદા જ્યારે બીજા બનાવમાં કિશોરીનું મોત થયું હતુ.