ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વનબંધુઓને ઉત્તમ બિયારણ-ખાતર મળી રહે તેવા હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વનબંધુઓને ઉત્તમ ગુણવત્તા વાળા બિયારણ અને ખાતર મળી રહે તેવા હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૦-૨૧નો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજનાને વનબંધુ કલ્યાણ યોજના સાથે જોડીને આદિવાસી વનબંધુ ખેડૂતોને જીએસએફસી દ્વારા યુરિયા સલ્ફેટ અને બિયારણ આપવામાં આવે છે. તેનાથી બાગાયત પાકોનું ઉત્પાદન વધશે અને આવક પણ વધશે. જેના પરિમામે વડાપ્રધાનના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરી શકાશે. કોરોનાના કારણે આપણે હવે ફિઝિકલી નહીં પણ ડિજિટલી કાર્યક્રમ કરીને વિકાસ કામોના લોકાર્પણ કરી રહ્યા છીએ. કોરોના વચ્ચે રહીને પણ આપણે ગુજરાતને જીતાડવાનું છે અને કોરોનાનાને હરાવીશું ગુજરાતે હંમેશા આપત્તિને અવસરમાં બદલી છે.
તેમણે કહ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિમાં જાન ભી હૈ, જહાન ભી હૈ વચ્ચે રૂા. ૩૫ કરોડના ખર્ચે આજે આ યોજના હેઠળ અંદાજે ૭૭,૦૦૦ થી વધુ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આપણે પૈસા એક્ટને સમાવીને વનબંધુઓને સ્થાનિક રોજગારી દાહોદ અને બનાસકાંઠામાં નવી મેડિકલ કોલેજની મંજૂરી, આરોગ્ય, સિંચાઈ, ખેતી, વીજળી આપીને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છીએ. આપણે પરંપરાગત ખેતીના સ્થાને સમયની માંગ મુજબ બાગાયત ખેતી કરવી પડશે. બાજરી, જુવારના સ્થાને આપણે શાકભાજી, ફળ જેવી બાગાયત ખેતી કરવી પડશે, જેથી આવકમાં વધારો થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત દાહોદ અને પંચમહાલ સહિતના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાના સ્થળાંતરીત આદિવાસી શ્રમિકો પોતાના વતનમાં પાકુ મકાન બનાવી શકે તેના માટે રૂા. ૩૫,૦૦૦ની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. આ અંતર્ગત આગામી સમયમાં ૧ લાખ જેટલા પાકા મકાનો બનાવવા રાજ્ય સરકાર દ્વારા રૂા. ૩૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનો મહત્તમ લાભ લેવા આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાએ વનબંધુ ખેડૂતોના કલ્યાણ માટેની આ યોજનાના લોકાર્પણ બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતી છે, આદિજાતિ ખેડૂતો ખેતી દ્વારા વધુ આવક મેળવતા થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ખેડૂતોને સહાય માટેની વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના નો પણ સમાવેશ થાય છે. આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૨-૧૩થી કરવામાં આવી છે. આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ૧ એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીનાં બિયારણ જેમાં કારેલા, દુધી, ટામેટા, ભીંડા અને રીંગણમાંથી કોઈ પણ એક પાક માટેના બિયારણ અથવા મકાઈનાં પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને ખાતરમાં યુરીયા ૪૫ કિ.ગ્રા., એન.પી.કે. ૫૦ કિ.ગ્રા. અને એ.એસ. ૫૦ કિ.ગ્રા.ની કીટ આપવામાં આવનાર છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂા. ૫૦૦.૦૦ લાભાર્થી ફાળા તરીકે લેવામાં આવે છે જ્યારે લાભાર્થી દીઠ રૂા. ૩૭૦૦ થી લઇ રૂા. ૬૦૦૦ના મૂલ્યની કીટ આપવામાં આવે છે જેમાં બિયારણ અને ખાતરનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષમાં અંદાજે રૂા. ૩૬.૦૦ કરોડના ખર્ચ દ્વારા કુલ ૭૬,૭૦૦ આદિજાતિ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ ભારત સરકારની ખાસ કેન્દ્રીય સહાય તથા રાજ્ય સરકાર દ્વારા વી.કે.વાય ૧૯ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે રૂા. ૧૫.૬૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએ આ યોજનાનો અમલ આદિજાતિ વિકાસના નિયંત્રણ હેઠળની સ્વાયત એજન્સી ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ) દ્વારા કરવામાં આવે છે જ્યારે ક્ષેત્રિય સ્તરે પ્રાયોજના વહીવટદારઓ મારફત યોજનાનો અમલ કરાવવામાં આવે છે.
આ ઈ-લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી રમણભાઈ પાટકર, જીએસઅફસીના ચેરમેન અરવિંદ અગ્રવાલ, આદિજાતિ વિકાસ કમિશનર આનંદ અનુપમ, જ્યારે ચાર જિલ્લાઓમાં સાંસદ, ધારાસભ્યઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.