રાજયસભાની ચુંટણી બાદ કોરોના પોઝિટિવ આવતા વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા: ગઈકાલે તબિયત વધુ લથડતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા બાદ હાલ તબિયત સારી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોનાથી સંક્રમતિ થયા છે. પ્રાથમિક સારવાર વડોદરા ખાતે અપાયા બાદ તબિયત વધુ બગડતા તેઓને ગઈકાલે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની તબિયત સુધારા પર હોવાનું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું.
ગુજરાતમાં ગત ૧૯મીએ યોજાયેલી રાજયસભાની ચુંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસનાં ઉમેદવાર હતા જોકે તેઓની ચુંટણીમાં હાર થઈ હતી ત્યારબાદ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓને સારવાર માટે વડોદરા ખાતે રાખવામાં આવ્યા હતા. ગઈકાલે તેઓની તબિયત લથડતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવતા સમર્થકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આજે તેઓની તબિયત સુધારા પર છે અને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી તેવી જાહેરાત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત દ્વારા કરવામાં આવી છે.