આવતીકાલથી નીચલી કોર્ટોને ધમધમતી કરવાના આદેશો અપાયા!

લોક ડાઉનના કારણે તમામ ઉદ્યોગ ધંધા બંધ અવસ્થામાં હતા પરંતુ આર્થિક મોરચે થઈ રહેલી નુકસાની તેમજ સામાન્ય માનવીની આર્થિક હાલાકીઓને દૂર કરવા કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ૧ અને ત્યારબાદ અનલોક ૨ ની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળામાં તમામ ઉદ્યોગ ધંધાઓ શરતોને આધીન ખુલ્યા છે, મંદિરો ખુલ્યા પરંતુ ન્યાય મંદિરો સતત બંધ રહેતા અરજદારો થી માંડી વકીલો સુધીનો વર્ગ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યું છે. હવે ન્યાયમંદિરોને કાર્યરત કરવાનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તે બાબત સરાહનીય છે પરંતુ ન્યાયમંદિર ફિઝિકલ નહીં, ’વર્ચ્યુલ અદાલત’ તરીકે ધમધમેં તે પ્રકારનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જો જમીનીસ્તરે વર્ચ્યુલ અદાલતની વાત કરવામાં આવે તો વકીલોની અણઆવડત, ટેકનોલોજીનો અભાવ, ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કનેક્ટિવિટીના અઢળક લોચા હોવાથી વર્ચ્યુલ અદાલત સફળ બનશે કે કેમ તે એક મોટો સવાલ છે.

કોરોનાની મહામારીને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા લોક ડાઉનથી લાંબા સમયથી અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરીથી નાના વકીલોની આર્થિક સ્થિતિ કફોડી બની હતી ત્યારે આવા વકીલો માટે ખુશીના સમાચારો સાથે હાઇકોર્ટ દ્વારા રાજ્યભરની નીચલી અદાલતોમાં વિડીયો

કોંફરન્સિંગથી મહત્તમ કોર્ટ કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પેન્ડિંગ ચૂકાદાઓની સત્વરે વિડીયો કોંફરન્સથી સુનાવણી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જે કેસોમાં પક્ષકારની પ્રત્યક્ષ હાજરી ફરજીયાત હોય તેવા કેસોમાં સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના કડક પાલન સાથેની વ્યવસ્થા ગોઠવવાની સૂચના પણ આપવામાં આવી છે.

વધુ વિગત મુજબ કોરોનાને અટકાવવા લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું જેમાં અદાલતોમાં અરજન્ટ કામગીરી સિવાયની કામગીરી બંધ હોવાથી અનેક વકીલોની   કફોડી બનેલી સ્થિતિ તેમજ કેસોનું ભારણ ઘટાડવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પરિપત્ર બહાર પાડી કોરોનાની સાવચેતીના પગલાં સાથે નીચલી અદાલતોમાં કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.

ઉપરાંત એમ.એ.સી.પી. છૂટાછેડા, મેન્ટેનન્સના કેસો અને લેન્ડ લિકવિડેશન સહિતના કેસોમાં જો કોઈ પણ વ્યક્તિની રૂબરૂ હાજરીની જરૂરિયાત જણાય તો તેના માટે કોરોના અંતર્ગત અલાયદી વ્યવસ્થા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યો છે. કેસોનું ભારણ ઘટાડવા નીચલી અદાલતોમાં વિડીયો કોંફરન્સથી મહત્તમ કાર્યવાહી હાથ ધરવામાં આવે. અમુક કેસો કે જેમાં પક્ષકારોની કોર્ટ સમક્ષ હાજરી ફરજિયાત હોય તેવા કોસોમાં કોર્ટ સંકુલમાં સમય નક્કી કતી પક્ષકારોને બોલાવવામાં આવે અને સોશ્યલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં પણ સૂચન કરવામાં આવ્યું છે. પક્ષકારો કે લાભાર્થીઓ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી ફી ની ચુકવણી કરી શકે તે માટે કોઈ ચોક્કસ પદ્ધતિની ચકાસણી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

જે વકીલો કે પક્ષકારો પાસે વિડીયો કોંફરન્સ માટેના જરૂરી સંસાધનોનો અભાવ હોય તેમના માટે કોર્ટ સંકુલ ખાતે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે. કોર્ટ સંકુલમાં એક કે બે રૂમ ઓનલાઇન સુનાવણી માટે તૈયાર કરવામાં આવે. ઉપરાંત કોર્ટ સંકુલ ખાતે સેનેટાઇઝેશન તેમજ કોરોનાને લગતી સાવચેતીઓનું પાલન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવે તેવી સૂચના સાથે વિડીયો કોંફરન્સમાં મધ્યમથી તમામ નીચલી કોર્ટને ધમધમતી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં છેલ્લા ૯૫ દિવસથી અદાલતમાં કામકાજ બંધ રહેવાના કારણે મોટાભાગના વકીલો પર અસર થતા વકીલ મંડળો દ્વારા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રજુઆત કરાઈ હતી તેમજ ’અબતક’ દ્વારા પણ જુનિયર એડવોકેટ્સની કફોડી પરિસ્થિતિ અંગે અહેવાલ રજૂ કરી હાઇકોર્ટ તેમજ રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે અન્વયે હાઇકોર્ટ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી અદાલતોમાં મર્યાદિત કામકાજ ચાલુ કરવા જણાવાયું છે.

વકીલોની પરિસ્થિતિ તો હાલ કફોડી છે જે પરંતુ તેમાં પણ ખાસ તો જુનિયર એડવોકેટ્સ કે જેઓ કોઈ સિનિયર વકીલો અથવા તો સ્વતંત્ર રીતે નાના મોટા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેમાં પણ ન્યાય મંદિરો સંપૂર્ણ રીતે બંધ રહેતા જુનિયર વકીલોની પરિસ્થિતિ ખૂબ જ દયનિય બની હતી. પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા વકીલો વકીલાત છોડી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા હતા. કોઈ વકીલે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું તો કોઈએ રેસ્ટોરન્ટમાં ડિલિવરી બોય તરીકેની નોકરી કરી હતી. તેવા સમયમાં હવે વિડીયો કોંફરન્સના માધ્યમથી સુનાવણી કરવી તેમજ વર્ચ્યુલ કોર્ટ બનાવવાની બાબતો સફળ થાય તેવું હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના જુનિયર વકીલો હજુ સુધી વિડીયો કોંફરન્સ થી બિલકુલ અજ્ઞાત છે. જે વકીલો આ વિશે અવગત છે તેમની પાસે આધુનિક ટેકનોલોજીનો અભાવ વર્તાઈ રહ્યો છે અને અધૂરામાં પૂરું નેટ કનેક્ટિવિટીની સમસ્યા ઓન ખૂબ મોટી છે. જો કોઈ વકીલ વિડીયો કોંફરન્સના માધ્યમથી દલીલ કરતા હોય અને તેવા સમયગાળા દરમિયાન નેટ કનેક્ટિવિટીના લોચા થાય તો સુનાવણીમાં ખલેલ પહોંચે જેના પરિણામે પક્ષકાર, વકીલ, જજ અને નામદાર કોર્ટના સમયનો વેડફાટ થાય તો તેવા સંજોગોમાં આ પદ્ધતિથી કેસોનું ભારણ ઓછું કરી શકાય તેવું કંઈ રીતે કહી શકાય તે પણ મહત્વપૂર્ણ સવાલ છે.

વર્ચ્યુઅલ કોર્ટ ‘આભાસી’ વાતાવરણ સમાન: દિલીપભાઈ પટેલ

vlcsnap 2020 06 17 08h22m42s841

મામલામાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલે ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ચ્યુઅલ કોર્ટ બનવાની કોઈ શકયતા નથી.

કેમ કે, ૫૫ ટકા વકીલોની માંગ એવી છે કે, ફિઝીકલ કોર્ટરૂમ શરૂ કરી દેવામાં આવે અથવા તો એક એવો રૂમ ઉભો કરવામાં આવે જેમાંથી વકીલો ઈ-ફાઈલીંગ તેમજ અન્ય કામ કરી શકે પરંતુ તેની જગ્યાએ ફક્ત આદેશ કરી એક આભાસી વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સુનાવણી દરમિયાન દરેક પંચને પંચનામુ અને મુદ્દામાલ બતાવવો પડતો હોય છે તેમજ ફરિયાદીને તેની સહીથી માંડી તમામ બાબતોની ચકાસણી કરાવવી પડતી હોય છે.

જે વિડીયો કોન્ફરસીંગમાં શકય હોય તેવું નથી લાગી રહ્યું. જેથી કહી શકાય કે, વર્ચ્યુઅલ કોર્ટ અસફળ નિવડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અનેકવિધ પ્રશ્ર્નો સાથે વકીલો લડી રહ્યાં છે. જેમ કે, કલેઈમ કેસનું રૂા.૨૫ કરોડનું ભંડોળ ફક્ત રાજકોટ ખાતે પડતર છે. જે ઉપાડવા માટે ૫-૫ લોકોને મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.