ગેરકાયદે ખડકાયેલા સિમેન્ટનાં સ્પીડ બ્રેકરો દુર કરાવવા ગયેલા વર્ક આસીસ્ટન્ટ ચેતન ચિત્રોડા પર સ્થાનિક લોકોએ હુમલો કરતા બેભાન: સ્ટર્લિંગમાં દાખલ કરાયા: મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડીએમસી ચેતન નંદાણી સહિતનાં અધિકારીઓ દોડી ગયા
કોર્પોરેશનનાં વોર્ડ નં.૨નાં વર્ક આસીસ્ટન્ટ ચેતન ચિત્રોડા પર આજે બજરંગવાડી વિસ્તારમાં હિંચકારો હુમલો થયો હતો. અહીં ગેરકાયદે ખડકાયેલા સિમેન્ટનાં સ્પીડ બ્રેકરો દુર કરાવી તેના સ્થાને મંજુર થયેલા ડામરના સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી માટે ગયેલા વર્ક આસીસ્ટન્ટ ઉપર સ્થાનિક લોકોનાં ટોળાએ હુમલો કરતા કર્મચારી બેભાન બની ગયો હતો. પ્રાથમિક સારવાર રૈયા રોડ પર આવેલી સેલસ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.૨માં આવેલી બજરંગ વાડી શેરી નં.૯માં ગેરકાયદે બની ગયેલા સિમેન્ટનાં સ્પીડ બ્રેકર દુર કરી તેના સ્થાને મંજુર કરવામાં આવેલા ડામરનાં સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી માટે સવારે ૧૦:૩૦ કલાકે વોર્ડ નં.૨નાં વર્ક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચેતન એ. ચિત્રોડા સહિતનો સ્ટાફ સ્થળ પર ગયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ કોર્પોરેશનનાં કર્મચારીને ઘેરી લીધા હતા અને તેઓની સાથે ઘર્ષણ કરી ચેતન ચિત્રોડા પર હિંચકારો હુમલો કર્યો હતો. હુમલામાં ચેતન ચિત્રોડા બેભાન થઈ ગયા હતા. તાબડતોબ તેઓને સારવાર માટે રૈયા રોડ પર સેલસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં શીફટ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ કમિશનર ચેતન નંદાણી, એડી. સીટી એન્જીનીયર એમ. આર. કામલીયા, ડીવાયએસપી આર.બી. ઝાલા, આરોગ્ય અધિકારી ડો.રીંકલ વિરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને વોર્ડનાં ડે.એન્જીનીયર મહેશ જોશી હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા. કોર્પોરેશનનાં કર્મચારી પર હુમલો કરનાર બજરંગવાડી નાં લોકોની ઓળખ માટે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટનામાં એફઆઈઆર પણ દાખલ કરાશે.