જનતાને સાથે રાખીને આંદોલન છેડવાની ચીમકી
પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ગ્રેટર રાજકોટ ચેમ્બરે આક્રોશ વ્યકત કરી ભાવ વધારો સ્થગિત ન કરાય અને પાછો ન ખેંચાય તો જનતાને સાથે આંદોલન છેડવાની પણ ચીમકી આપી છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે કે અત્રેથી છેલ્લા બાવીસ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઇ રહેલ વધારાને કારણે ડિઝલ પેટ્રોલનો ભાવ લગભગ ૮૦ રૂપિયા લીટર દીઠ થઇ ગયેલ છે. કાચા પેટ્રોલીયમના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નીમ્ત સ્તરે રહ્યા છે. પરંતુ કેન્દ્ર તથા રાજય સરકારની આવકમાં વધારો કરવા સેન્ટ્રલ એકસાઇઝ તથા વેટની રકમમાં ખુબ જ વધારો કરવામાં આવ્યો છે. જેથી આ ભાવવધારો અસહ્ય બન્યો છે. સામાન્ય મઘ્યમ વર્ગની પ્રજા આ ભાવ વધારો સહન કરી ન શકે તેવી સ્થિતિમાં મૂકાઇ છે ત્યારે પ્રજામાં ભાવવધારા સામે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
આ ભાવ વધારાને કારણે કાચા માલ તથા તૈયાર માલની હેરાફેરી માટેના ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ ખુબ જ વધારો થયેલ છે. એક બાજુ સરકાર દ્વારા આપણા અર્થતંત્રને ફરી પાટા પર લાવવા અને વેપાર ઉઘોગને વ્યવસ્થિત કરવા સહાયક પેકેજ જાહેર કરી મદદરુપ થવા પ્રયત્ન થઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ આવા ભાવધારાને કારણે ઉત્પાદીત માલના ખર્ચમાં વધારો થતા વસ્તુની પડતર કિંમતમાં પણ વધારો થયો છે. અને ભાવ વધી રહ્યા છે જેની વસ્તુની માંગ પર ખુબ જ મોટી અસર થનાર છે. આ બાબતે સરકારનું ઘ્યાન દોરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવી છે અને આ પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને અંકુશમાં લઇ ભાવ ઘટાડો કરવા માંગણી કરાઇ છે.
સરકાર આ બાબતે સત્વરે પગલા લેશે તેવી આશા વ્યકત કરી છે. આ બાબત ઘણી ગંભીર હોય, જર જણાયે પ્રજાના આક્રોશને વ્યકત કરવાની જવાબદારી અને ફરજ નિભાવવા પણ ગ્રેટર રાજકોટ ચેમ્બર જેવી સંસ્થાઓએ આગળ આવશે અને પ્રજાને જાગૃત કરવા આંદોલનાત્મક પગલા લેતા અચકાશે નહી તેમ સરકારને સખત શબ્દોમાં રજુઆત કરવામાં આવી છે તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયાએ જણાવ્યું છે.