રાજકોટમાં કોંગ્રેસે ઘોડા સાથે રેલી યોજી: અનેકની અટકાયત
આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૨૩ દિવસથી લાગલગાટ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના આદેશ બાદ આજે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. રાજકોટમાં રેલી યોજવાની મંજુરી આપવામાં આવી ન હોવા છતાં કોંગ્રેસે સવારે ૯ કલાકે આશાપુરા મંદિરથી વિરોધ પ્રદર્શન રેલી શરૂ કરતા કોંગી આગેવાનો, કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકડાઉનથી દેશભરમાં લોકો આર્થિક સંક્રમણ વેઠી રહ્યા છે. બીજી તરફ આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવોમાં સતત ઘટાડો નોંધાય રહ્યો હોવા છતાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેનાથી જનતા મોંઘવારીના ભરડામાં સપડાય જવા પામી છે. ઈંધણનાં ભાવમાં સતત વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.
બળદગાડા રેલી, રાજયભરમાં આવેદન બાદ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વધારાના વિરોધમાં આજે રાજયવ્યાપી વિરોધ પ્રદર્શન રેલી યોજવાનો આદેશ આપ્યો છે. જેના પગલે રાજયમાં કોંગ્રેસ આજે સવારે ૧૦ થી ૧૨ રેલી યોજયા બાદ આવેદનપત્ર પાઠવ્યા હતા.
રાજકોટમાં રેલી યોજવા માટે કોંગ્રેસ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી પરંતુ પોલીસે ટ્રાફિક સહિતનાં મુદ્દાઓ આગળ ધરીને રેલીની મંજુરી આપી ન હતી. મંજુરી ન હોવા છતાં કોંગ્રેસે શહેરનાં પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિરથી રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને અનેક આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.