મહાસાગરમાં ચીનની ગતિવિધિ ઉપર ભારતીય નૌસેનાની ચાંપતી નજર
ભારત અને અમેરિકા સહિતના દેશો સાથે ચાલી રહેલા તણાવ દરમિયાન ચીન દ્વારા નૌસેના તાકાતને ખુબજ તેજીથી વધારવામાં આવી રહી છે. સાઉથ ચાઈના સમુદ્રમાં કબજો કરવાની કવાયતની સાથે જ ચીનનો ડોળો હિંદ મહાસાગરમાં પણ છે. હિંદ મહાસાગરમાં ચીનની સબમરીનના આંટાફેરા થોડા સમયથી વધ્યા હોવાનું નિષ્ણાંતોના ધ્યાનમાં આવ્યું છે. ચીનની સબમરીનોને જીબુતી અને ગ્વાદરમાં નિર્માણાધીન ચીનના નૌસેનીક અડ્ડાથી પણ મદદ મળી શકે છે. જંગ છેડાય જાય તો પણ સમુદ્રી પરિવહન સરળતાથી થાય તેવો તખતો ચીને ઘડી કાઢ્યો છે. જો ચીન આવી રીતની રણનીતિમાં સફળ રહેશે તો ભારત માટે વધુ ગંભીર બાબતો સામે આવી શકે છે. વર્તમાન સમયે ભારત દક્ષિણ એશિયાનો સૌથી વધુ સબમરીન ધરાવતો દેશ છે. અમેરિકાએ પોતાની નૌસેના એશિયા તરફ મોકલવાનો નિર્ધાર કરતા ચીન પણ સળવળી રહ્યું છે. ચીનની સબમરીનો છેલ્લા થોડા વર્ષોમાં પાકિસ્તાન અને શ્રીલંકાના બંદરો નજીક પહોંચી ગઈ હતી. દરિયામાં પણ ચીન દ્વારા ગોઠવવામાં આવેલો નૌસેના કાફલો અભેદ કિલ્લા સમાન બની જશે. આફ્રિકાના જીબુતી બંદર સુધી ચીનની સબમરીનો સરળતાથી આંટો મારી શકે છે. બીજી તરફ ચીન દ્વારા ઉભી કરાયેલી ચેલેન્જને પહોંચી વળવા ભારતે પણ પોતાની નૌસેનાને ઝડપથી વિસ્તારવાનો નિર્ણય લીધો છે. ભારતીય નૌસેનાની સબમરીનો પણ ચીનની હિલચાલ ઉપર નજર રાખી રહી છે. હિંદ મહાસાગર ખુબ મોટો હોવાથી ચીનની સબમરીનને શોધવી ભારતીય નૌકાદળ માટે મુશ્કેલી છે. યુદ્ધની સ્થિતિમાં બન્ને વચ્ચે ખરાખરીનો જંગ થઈ શકે તેવી શકયતા નિષ્ણાંતોએ વ્યકત કરી હતી.
પૂર્વ લદ્દાખમાં સેનાને પરત લેવા તૈયારી
ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખની સરહદે સામસામે સૈનિકોની સંખ્યા વધારવાની હોડ જામી હતી. ત્યારબાદ થયેલી અથડામણ પછી બન્ને દેશો પોતાની સેના પરત લેવા સહમત થયા છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ એલએસી પર બે રેજીમેન્ટને પીછેહટ માટે હુકમ અપાઈ ચૂકયા છે. બન્ને દેશની સેના પીછેહટ કરશે અને સરહદે શાંતિ જાળવવા આ બાબત મહત્વની રહેશે. અલબત ડેપસાંગ અને પેંગોગ એરીયામાં ભારતને જવાનો પરત બોલાવવા મુશ્કેલ છે. કારણ કે, અહીં ચીનની સેના દખલગીરી વધુ પ્રમાણમાં કરી રહી છે.