પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં બપોરે કમલમ્ ખાતે કોંગ્રેસનો સાથ છોડનાર પાંચ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુભાઈ ચૌધરી કેસરીયો ખેસ ધારણ કરશે
ગુજરાતમાં રાજયસભાની ૪ બેઠકોની ચુંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેનાર ૮ પૈકી ૫ પૂર્વ ધારાસભ્ય આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરશે. કોંગ્રેસનાં ધારાસભ્યનો ભાજપમાં પ્રવેશથી અનેક સ્થળોએ અસંતોષની આગ ફાટી નીકળી છે જેને ધ્યાનમાં રાખી ભાજપ આજે સોમા ગાંડા, પ્રવિણ મારૂ અને મંગલ ગાવિતને કેસરીયા નહીં કરાવે તેવું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી ૪ બેઠકો માટે અગાઉ માર્ચ મહિનામાં ચૂંટણી યોજાવાની હતી. હાલ ગૃહમાં સભ્ય સંખ્યાબળ જોતા ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠકો મળે તેવી સંભાવના હતી કોઈપણ ભોગે ત્રણ બેઠકો જાળવી રાખવા માટે ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યને તોડવાનો ખેલ પાડયો હતો. અગાઉ લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા, ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારૂ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, ડાંગનાં ધારાસભ્ય મંગલ ગાવિત અને અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું. કોરોનાનાં કારણે દેશવ્યાપી લોકડાઉનથી રાજયસભાની ચુંટણી પાછી ઠેલાઈ હતી અને માર્ચનાં બદલે ચુંટણી જુન માસમાં યોજાઈ હતી. નવી તારીખોનું એલાન થતાની સાથે જ કોંગ્રેસની વધુ ૩ વિકેટો ખડી હતી જેમાં કરજણનાં ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાનાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસનો સાથ છોડી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસનાં ૮ ધારાસભ્યોનાં રાજીનામાનાં કારણે ભાજપ રાજયસભાની ત્રીજી બેઠક જીતવામાં પણ સફળ રહ્યું હતું.
કોંગ્રેસનો સાથ છોડનાર પૂર્વ ધારાસભ્ય ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરે તે વાત નિશ્ર્ચિત જ મનાતી હતી પરંતુ રાજીનામું આપનાર કોંગી ધારાસભ્યોને ટીકીટ આપવાની ચર્ચા-વિચારણાઓ શરૂ થતાની સાથે જ પક્ષમાં આંતરીક વિખવાદ શરૂ થઈ ગયો હતો. ગઢડા, લીંબડી અને ડાંગમાં કાર્યકરો પક્ષ પલ્ટાથી ભારોભાર નારાજ હોવાની વાત બહાર આવી રહી છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાર્યકરોની નારાજગી કોઈપણ કાળે પક્ષને પાલવે તેમ નથી. આવામાં જે વિસ્તારમાં અસંતોષની હાલ ચરમસીમા પર પહોંચી છે ત્યાં કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનો હાલ ભાજપમાં સમાવેશ નહીં કરવાનું પક્ષે નકકી કરી લીધાનું જાણવા મળી રહયું છે. આજે બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં કમલમ ખાતે કોંગ્રેસનો સાથ છોડનાર પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીતુભાઈ ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાશે તેવું માનવામાં આવી રહ્યું છે જે ત્રણ પૂર્વ ધારાસભ્યોને હાલ કેસરીયા નથી કરાવવામાં આવનાર તેને પક્ષ આગામી પેટાચુંટણીમાં ટીકીટ પણ ન આપે તેવું મનાઈ રહ્યું છે. પક્ષ પલ્ટાઓથી બંને પક્ષનાં પાયાનાં કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આગામી સપ્ટેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૧૦ બેઠકો માટે ચુંટણી યોજાય તેવી સંભાવના છે ત્યારે જો કોંગ્રેસમાંથી આવેલા પક્ષ પલ્ટુઓને ભાજપ ટીકીટની લ્હાણી કરશે તો તેના પરિણામ પક્ષે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં પણ ભોગવવા પડે તેવી શકયતાઓ પણ નકારી શકાતી નથી.
જોડ-તોડ કરી કોઈપણ રીતે ભાજપ ભલે રાજયસભાની ત્રણ બેઠકો જીતવામાં સફળ રહ્યું હોય પરંતુ હવે વિધાનસભાની પેટાચુંટણી અને ત્યારબાદ રાજયભરમાં યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની સામાન્ય ચુંટણીમાં પક્ષને ભારે મુસીબતનો સામનો કરવો પડે તેવી શકયતા પણ હાલ નકારી શકાતી નથી. આજે બપોરે કમલમ ખાતે કોગ્રેસનાં કેટલા પૂર્વ ધારાસભ્યો કેસરીયો ખેસ ધારણ કરશે તેનો નિશ્ર્ચિત આંક પ્રદેશ કક્ષાનાં નેતાઓ પણ ખુલ્લીને કહી શકે તેમ નથી.
હજુ મને ભાજપમાં જવાની ઈચ્છા નથી: સોમાભાઈ પટેલ
ગઈકાલે સોમાભાઈ પટેલ આજે ભાજપમાં જોડાશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી અને ખાસ કરી આજે ગાંધીનગર કમલમ માં સોમાભાઈ પટેલ કેસરીયો ધારણ કરશે તેવી પણ એક પ્રકારે જાહેરાત વહેતી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે બપોરના સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આઠ ધારાસભ્યો પૈકી ૬ ધારાસભ્યોને ભાજપ ધારાસભ્યની ટિકિટ આપશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી હતી જ્યારે અન્ય બે ઉમેદવારો જેમાંના એક સોમાભાઈ પટેલને ભાજપના ધારાસભ્યની ટિકિટ નહીં આપે એવી અગમચેતી થતા સોમાભાઈ પટેલને આ બાબતની જાણ થતા આજે વહેલી સવારે જિલ્લાનો ફરી એક વખત રાજકારણમાં આવવા પામ્યું છે. ત્યારે આજે વહેલી સવારે સોમાભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ કોઈ પાર્ટી સાથે જોડવામાં આવતો નથી અને ભાજપમાં કેસરીયો ધારણ કરવાને હજુ વાર છે સમય આવશે એટલે હું આપમેળે જ જાહેરાત કરીશ અને જે કાંઈ ચર્ચા વહેતી થઈ છે કે આજે કમલમ ખાતે હું કેસરીયો ધારણ કરવાનો છું તે ખોટી બાબત છે હજુ મને કોઈપણ જાતની ઈચ્છા નથી. અને સમય આવશે તો હું આપમેળે જ મને યોગ્ય લાગશે તે પક્ષ સાથે જોડાઈશ.
તેઓ સોમાભાઈ પટેલે આજે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું ત્યારે જિલ્લાના રાજકારણમાં બાબતે ગરમાવો ફેલાઈ જવા પામ્યો છે..