રહેણાંક હેતુની મિલકતને મુદત વધારાનો લાભ અપાય તેવી સંભાવના ૧.૬૩ લાખ કરદાતાઓએ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા ૭૫ કરોડ
વૈશ્ર્વિક મહામારી કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે બે મહિનાનાં લાંબા લોકડાઉનનાં કારણે વેપારીઓ અને ઉધોગપતિઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડયો હતો. ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત રૂ.૧૪ હજાર કરોડનું માતબર રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્શિયલ મિલકતોને વેરામાં ૨૦ ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કોઈ વ્યાપારી સંસ્થા ૩૧મી જુલાઈ સુધીમાં વેરો ભરે તો વેરામાં ૨૦ ટકા વળતર આપવાનું અગાઉ જાહેર કરાયું હતું. આ મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. હવે ૩૧મી ઓગસ્ટ સુધી વેરો ભરનારને વેરામાં ૨૦ ટકા રાહત મળશે.તેમ મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુની. કમિશ્ર્નર ઉદિત અગ્રવાલે કરી છે.
વર્ષ ૨૦૨૦-૨૧નો એડવાન્સ ટેકસ ભરનાર રહેણાંક હેતુની મિલકતને હાલ વેરામાં ૧૦ ટકા અને કોમર્શિયલ હેતુની મિલકતને વેરામાં ૨૦ ટકા રાહત આપવામાં આવી રહી છે. આ યોજના આગામી ૩૧મી જુલાઈ સુધી અમલમાં છે.
દરમિયાન તાજેતરમાં રાજય સરકાર દ્વારા એવા મતલબની જાહેરાત કરવામાં આવી છે કે, એડવાન્સ ટેકસ ભરનાર કોમર્શિયલ મિલકત ધારકોને વેરામાં ૨૦ ટકા વળતર આપવાની મુદત ૩૧મી ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવી છે. સંભવત: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેણાંક હેતુની મિલકતધારકોને પણ મુદત વધારાનો લાભ અપાય તેવી સંભાવના હાલ જણાઈ રહી છે. આજ સુધીમાં શહેરમાં ૧,૬૩,૧૧૪ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લેતા કોર્પોરેશનની તિજોરીમાં રૂ. ૭૫ કરોડ ઠાલવી દીધા છે.