૧૦૮ની જેમ પશુઓ માટે ૧૯૬૨ મોબાઈલ વાન કાર્યરત: હજુ ૧૪ મોબાઈલ પશુ દવાખાના જિલ્લાને મળશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભ આશયથી મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે કુલ બે મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે માણસને બચાવવા જેમ ૧૦૮ એમ્બ્યુલન્સ છે તેમ હવે પશુઓની સારવાર માટે રાજય સરકારે ૧૯૬૨ મોબાઇલ વાન શરૂ કરી છે. જેનાથી આપણા પશુપાલકોને ઘરે બેઠા જ બીમાર પશુઓના રોગોના નિદાન-સારવાર અને ઓપરેશન કરવાની સુવિધા આપવામાં આવશે. આ સગવડથી અનેક પશુઓનું જીવન બચી શકશે અને પશુઓને લાંબુ અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત થશે. પશુ ચિકિત્સાક્ષેત્રે રાજય સરકારે લીધેલા સંવેદનાસભર નિર્ણયથી ગુજરાતની પશુપાલન પ્રવૃતિ ફુલશે-ફાલશે. પશુપાલકો સમૃધ્ધ બનશે. હજુ પણ બીજા ૧૪ મોબાઇલ પશુ દવાખાના રાજકોટ જિલ્લાને પ્રાપ્ત થશે. તેમ ધારાસભ્ય પટેલે ઉમેર્યું હતું. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આ મોબાઇલ પશુ દવાખાનાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. તેમજ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ મોબાઇલ પશુ દવાખાનાની ગાડીની ચાવી ડ્રાયવરને આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. ધોરાજી તાલુકાના ૧૦ ગામોના૯૧૪૭ પશુધન તેમજ જસદણ તાલુકાના ૧૦ ગામના કુલ ૨૦૪૨૨ પશુધનને આ મોબાઇલ પશુ દવાખાનો લાભ મળશે. આ કાર્યક્રમમાં મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયા, અગ્રણી ભાનુબેન બાબરિયા, કિશોરભાઇ રાઠોડ, ભાનુભાઇ મહેતા, નિવાસી અધિક કલેક્ટર પી.બી.પંડ્યા, નાયબ પશુપાલન નિયામક ડો.એચ.બી.પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડો.ડી.બી.રાખોલિયા,ડો. ડી.એ.મણવર સહિતના અધિકારી-કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.