જૈન વૃધ્ધાના ગુનામાં આજીવન સજા ભોગવતા કુખ્યાતનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જેલમાંથી કબ્જો મેળવ્યો
સમગ્ર સૌરાષ્ટ્રમાં છ જેટલી હત્યા સહિત અનેક ગુનામાં સંડોવાયેલા નિલય મહેતા રાજકોટની જેલમાં હતો ત્યારે અમદાવાદના નામચીન પ્રદિપસિંહ રાજપૂતે અમદાવાદના હથિયારના વેપારીની હત્યા કરવાની સોપારી આપ્યાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી હતી. નિલય મહેતા જેલ હવાલે થયા બાદ કોરોના લોક ડાઉનના કારણે જેલમાંથી કબ્જો મેળવવાનો બાકી હોવાથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેનો કબ્જો લઇ હથિયારના વેપારીની હત્યા કરવાની સોપારીના બદલામાં શુ લાભ મળવાનો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પૂછપરછ હાથધરવામાં આવી છે નિલય મહેતાએ ૨૦૧૩માં હત્યાના ગુનામાં છુટકારો થયા બાદ તેની પ્રેમીકા શબાના ઉર્ફે શબુ અલારખા બેગ સાથે મળી આમ્રપાલી ફાટક પાસેના પંચરત્ન કોમ્પ્લેક્ષમાં એકલવાયું જીવન જીવતા વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાસન નામના ૭૮ વર્ષના જૈન વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવ્યાના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. ત્યારે દસ દિવસના પેરોલ પર છુટી ફરાર થઇ ગયા બાદ ૮૦ ફુટ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ગત તા.૧૨-૩-૨૦ના રોજ ધરપકડ કરી હતી ત્યારે તેના મોબાઇલ રેકોડીંગની તપાસ દરમિયાન અમદાવાદના હથિયારના વેપારી ઉદેયસિંહ ભદોરીયાની હત્યાની સોપારી પ્રદિપસિંહ રાજપૂત પાસેથી લીધી હોવાની સ્ફોટક વિગતો બહાર આવી હતી.
પ્રદિપસિંહ રાજપૂતે અમદાવાદમાં ઉદયસિંહ ભદોરીયા પર ફાયરિંગ કરતા તેની ધરપકડ બાદ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ હવાલે કરાયો હતો ત્યારે તેનો નિલય મહેતા સાથે સંપર્ક થયો હતો જ્યારે જસદણ પંથકના નામચીન વસીમ ઇકબાલ કથિરી પાસેથી હથિયાર લઇને નિલય મહેતા અમદાવાદ ઉદયસિંહ ભદોરીયાની હત્યા કરવા ગયો ત્યારે તેને હત્યાનો મોકો મળ્યો ન હતો. ઉદયસિંહ ભદોરીયાની હત્યાની સોપારી લેવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે અમદાવાદના પ્રદિપસિંહ રાજપૂત, કિશોર ઉર્ફે રવિ રાજેશ કોસ્ટી અને વસીમ ઇકબાલ કથિરીની ધરપકડ કરી હતી જ્યારે નિલય મહેતા હત્યાના ગુનામાં જેલમાં હતો અને તેનો કબ્જો મેળવવામાં આવે તે પૂર્વે લોક ડાઉન જાહેર થતા તેનો કબ્જો લઇ પૂછપરછ બાકી હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ. ગઢવી અને પી.એસ.આઇ. પી.એમ.ધાખડા સહિતના સ્ટાફે તેનો કબ્જો લઇ તપાસ હાથધરી છે.