જયારે હું દાખલ થયો ત્યારે ખુબ જ ભયભીત હતો અને મોત સામે દેખાતું હતું. હુ પાછો ઘરે જઈસ કે નહીં તે સમજાતું નહોતું
કોરોના મહામારીમાં રાજકોટ કોવીડ હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફની કામગીરી અત્યંત સરાહનીય રહી છે. ૮૦ થી વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. કોરોના કાળમાં કેટલાક કિસ્સાઓ હંમેશા યાદ રહી જતા હોઈ છે તેવા જ એક છે જૂનાગઢના અરવિંદભાઇ મગનભાઇ સરવૈયા (ઉં-વર્ષ ૫૫) કે જેઓ જુનાગઢના વતની છે. તેમને કોરોના પોઝિટિવ આવતા રાજકોટ કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ત્યારે તેઓની સ્થિતિ અત્યંત ગંભીર હતી.
હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા સતત તેમની સારવાર કરવામાં આવતી હતી. ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા તેમની સઘન સારસંભાળ લેવામાં આવી. તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખી જરૂરી જણાતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓને વેન્ટિલેટર (બાયપેપ મોડ) પર ૪ દિવસ તેમજ ઑક્સીજન પર ૩ દિવસ સારવાર આપવામાં આવી હતી.
ડોક્ટર તેમજ સ્ટાફની સખત જહેમત કામ લાગી અને તેઓ ખુબ જ જલ્દીથી કોરોના બીમારીને પરાજય આપી સંપૂર્ણ સ્વસ્થ બન્યા. તેઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ગત તા. ૨૪ જૂનના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કોરોના સામે જંગમાં વિજેતા બન્યા બાદ અરવિંદભાઇ સરવૈયાએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જયારે હું દાખલ થયો ત્યારે ખુબ જ ભયભીત હતો અને મોત સામે દેખાતું હતું. હુ પાછો ઘરે જઈસ કે નહીં તે સમજાતું નહોતું, પરંતુ અહીંની મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા દિવસમાં ૨૦ થી વધુ વાર આવી ખબર અંતર પૂછતાં હતાં અને મારો ઉત્સાહ વધાર્યો હતો. આ લોકોએ પરિવારના સભ્યની જેમ મારી ખુબ સેવા કરી છે. અરવિંદભાઇએ ગંભીર પરિસ્થિતીમાં સઘન સારવાર આપવા બદલ એનેસ્થેશિયા વિભાગ અને મેડિસિન વિભાગના ડોકટરો, નર્સિંગ સ્ટાફ તથા સર્વન્ટ એમ તમામ કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.
કહેવાય છે કે મોતના મુખમાંથી પાછો ફરેલ માણસ હંમેશા કોઈનો ગણ ભૂલતો નથી. નવજીવન મળતા ઘર પરિવાર ઉપરાંત સમાજનું ઋણ ચૂકવવાનું તે ક્યારેય ભૂલતો નથી. મોતને મહાત આપી નવજીવન મેળવતા અરવિંદભાઇએ કૃતજ્ઞ ભાવ સાથે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના કોરોના વોરિયર્સ માટે ૧૦૦ પી.પી.ઇ. કીટનું દાન કરી તેમણે સમાજને પ્રેરણા પુરી પાડી છે.