બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે કરેલી રજૂઆત બાદ નિર્ણય લેવાયો
કોરોનાની મહામારી વચ્ચે ધો.૧૦ અને ૧૨ના પરિણામો થોડા મોડા જાહેર થયા હતા. જો કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ ત્યારબાદ ધો.૧૦ અને પછી ધો.૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તબક્કાવાર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે બોર્ડના સીસીટીવી આધારે પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા છાત્રો ગાંધીનગરમાં અસંતોષની અપીલ પણ કરી શકશે તેવો શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે કરેલી રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે બોર્ડના સભ્ય પ્રિયદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લા મથકે જિલ્લા કક્ષાએ ડીઈઓ દ્વારા કોવિડ-૧૯ની મહામારીમાં પરીક્ષાર્થીને ગાંધીનગર જવું ન પડે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ ૨૦૨૦માં લેવાયેલ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર થયેલા ગેરરીતિના કેસોની રૂબરૂ સુનાવણી જિલ્લા કક્ષાએ કરી દોષિત વિદ્યાર્થીઓને સજાના હુકમો ફટકારવામાં આવ્યા છે. આ હુકમ સાથે વિદ્યાર્થીને અસંતોષ હોય તો ગાંધીનગર ખાતે અપીલ કરી શકે તેવી જોગવાઈ હોવા છતાં જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા જાણકારી આપી ન હોય જેને કારણે વિદ્યાર્થીઓને તેના મુળભૂત હક્ક એટલે કે, ગાંધીનગરમાં અપીલ કરવાથી વંચિત રહી ગયા હોય આ સંજોગોમાં શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૪ જૂન ૨૦૨૦ના પત્રથી વિદ્યાર્થીને જિલ્લાકક્ષાએ થયેલા હુકમથી અસંતોષ હોય તો હુકમ મળ્યાના ૧૦ દિવસમાં નાયબ નિયામક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને અપીલ કરવાની ફરીથી સુચના આપી છે તો જે તે પરીક્ષાર્થીને યોગ્ય ન્યાય ન મળ્યો હોય તેઓ ગાંધીનગર ખાતે અસંતોષની અપીલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિના પ્રમાણ એકંદરે વધ્યું છે. જેનું મુખ્ય કારણ સીસીટીવી કેમેરાથી વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવામાં આવી હતી. જો કે, ઘણા ખરા વિદ્યાર્થીને પરિણામમાં અસંતોષ થયો હોય તેવા સીસીટીવી દ્વારા ઝડપાયેલા વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે અસંતોષની અપીલ કરી શકશે.