રેસકોર્સ પાર્ક, રામકૃષ્ણનગર, મવડીમાં આસ્થા રેસીડેન્સી, સાધુ વાસવાણી રોડ અને કોટેચા ચોકમાં કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા: બે દિવસમાં કોરોનાનાં ૧૩ નવા કેસ મળી આવતા શહેરીજનોમાં જબરો ફફડાટ
વૈશ્ર્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં જાણે અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ૮ કેસો મળી આવ્યા બાદ આજે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ પાંચ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવતા શહેરીજનોમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. હાલ શહેરમાં કોરોના પોઝીટીવ કેસનો આંક ૧૩૮એ પહોંચી જવા પામ્યો છે. ૩૧ લોકો સારવાર હેઠળ છે. જે વિસ્તારમાંથી કોરોનાનાં કેસ મળી આવ્યા છે ત્યાં લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
આ અંગે મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્ક બ્લોક નં.૬૨માં રહેતા ૬૭ વર્ષીય અરૂણભાઈ ભગવાનભાઈ ઠકરારની તબિયત શનિવારે બગડતા સદભાવના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. તેઓ કોઈ પોઝીટીવ વ્યકિતનાં સંપર્કમાં આવ્યા નથી કે ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતા નથી. રેસકોર્સ પાર્કમાં કુલ ૬ ઘર અને ૨૦ વ્યકિતઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રામકૃષ્ણનગરમાં રહેતા વિવેકભાઈ દિનેશભાઈ પરમાર નામના ૩૮ વર્ષીય યુવાનને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઘરનાં ૧૫ વ્યકિતઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે આજુબાજુનાં ૧૮ ઘરનાં ૬૬ લોકોને ક્નટેઈન્મેન્ટ કરાયા છે. આ ઉપરાંત શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી વિસ્તારમાં આસ્થા રેસીડેન્સી નજીક આસ્થા એપાર્ટમેન્ટનાં બ્લોક નં.૧૫માં રહેતા દિવ્યેશભાઈ હંસરાજભાઈ મણવર નામના ૩૩ વર્ષીય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે હાલ સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે. અશોક ગાર્ડન પાસે ઉમાકાંત શેરી નં.૫માં ફેકટરી ધરાવતા દિવ્યેશભાઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી કે તેઓ કોરોના પોઝીટીવ વ્યકિતનાં સંપર્કમાં પણ આવ્યા નથી.
ગઈકાલે શહેરનાં સાધુ વાસવાણી રોડ પર ગાર્ડન સીટીમાં જયાં કોરોનાનાં બે કેસ મળી આવ્યા હતા ત્યાં આજે વધુ એક કેસ મળી આવ્યો છે. ગાર્ડન સીટીમાં રહેતા નીલમબેન તથા શ્રીલ જયેશભાઈ કાલરીયાનો કોરોના રીપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યો હતો. તેમનાં સંપર્કમાં આવેલા ડેનીશભાઈ કાલરીયાનો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવ્યો છે. ગાર્ડન સીટી ઈ બ્લોકમાં ૩ ઘર અને ૧૧ સભ્યોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરનાં કોટેચા ચોકમાં ૮૦૧ શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા રાધીકાબેન કાલરીયા નામની ૨૩ વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યો હતો. તેમનાં પતિ અર્જુનભાઈ કાલરીયાનો પણ આજે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આજે શાલીગ્રામ એપાર્ટમેન્ટ અને ગાર્ડનસીટીમાં પોઝીટીવ આવેલ કેસ વાપીથી પરત આવેલા અનંતરાય કાબાભાઇ કાલરીયાના જમાઈ દેવાંગભાઈ પટેલ કે જેમને સાત દિવસથી શરદી, ઉધરસ, ગળામાં બળતરાના લક્ષણો હતા. તેઓ શનિવારે રાજકોટ થી સુરેન્દ્રનગર ગયા હતા ત્યાં તેમની તબિયત લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનું સોમવારનાં રોજ અવસાન પામેલ હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ હતો. શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઈ અનંતરાય કાલરીયા અને રાધિકા અર્જુનભાઈ કાલરીયા પતિ-પત્નીને પોઝીટીવ આવેલ છે.
શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ટોટલ ૧૭ ઘર અને ૫૬ સભ્યો કોરંટાઇન કરેલા છે. આજ સુધીમાં શહેરમાં કોરોનાનાં કુલ ૧૩૮ કેસો નોંધાયા છે જે પૈકી ૧૦૩ વ્યકિતઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. હાલ ૩૧ લોકો સારવાર હેઠળ છે. જયારે ૪ વ્યકિતઓનાં મોત નિપજયા છે.