અગરિયાઓ અષાઢી બીજના દિવસે વતનના ગામડાઓમાં આવે છે અને શ્રાવણ ઉતરે ચોમાસુ જાય ત્યાં સુધી રોકાય છે

અષાડી બીજનું રણ કાંઠાના ગામડાઓ માટે અદકેરું મહત્વ છે. ૭૦ના દાયકાની આસપાસ કચ્છના નાના રણના  અગરિયાઓ એ મીઠુ પકવવા કચ્છના દરિયા કિનારે જવાનું શરૂ કર્યુ. માંડ ગણ્યા ગાંઠ્યા લોકો  દરિયા કિનારે કંડલાની આસપાસ મીઠુ પકવવા જતા  ધીમે  ધીમે અહીંયાથી ત્યાં જવા વાળા લોકોનો દિન પ્રતિદિન વધારો થતો ગયો. પછી તો એવો વખત આવ્યો કે શુક્રવારે તમે ગાંધીધામની બજારમા નીકળો તો કચ્છના નાના રણના ઝીંઝુવાડા , ઓડું , ખારાધોડા, હિમતપુરા કે નારણપુરા  જેવા કાંઠાના ગામડાના  ઘણા બધા લોકો તમને બજારમા મળી જાય . ત્યાં શુક્રવારે મીઠાંના અગરમા ખર્ચી ( સીધું સામાન ખરીદવા એડવાન્સ પૈસા આપવાનો દિવસ )નો દિવસ હોય એટલે અગરિયા ઓ ખરીદી કરવા ગાંધીધામ આવે . ત્યાં સહુ ભેગા થાય અને એ દિવસે ગાંધીધામ તમને ઝાલાવાડ હોય એવુ લાગે . જોકે ત્યારબાદ આવેલા કચ્છમા  દરિયાઈ હોનારત  અહીંના ઘણા અગરિયાઓ ને ઝુંટવી ગઈ પણ, સ્વજનને ગુમાવ્યાની વાતને  પરાણે વિસારે પાડીને  ફરીથી એ અગરોમા જ મહેનત કરવા લાગી ગયા છે  સહુ અગરિયાઓ અષાડી બીજના દિવસે વતનના ગામડા ઓમા આવે છે અને શ્રાવણ ઉતરે ચોમાસુ જાય ત્યાં સુધી રોકાય છે . રણ કાંઠાના સૂના ગામડા  ફરીથી ચેતનવન્તા  થાય છે . સાતમ – આઠમના પરબના તહેવારો. રણ કાંઠાના ચોમાસુ મેળાઓ અને ચોમાસાના લગ્ન પ્રસંગો  ચો તરફ આનંદ અને ખુશીનું વાતાવરણને ફરી થી એક દિવસ  શ્રાવણ ઉતરે ને  ભાદરવા નો તીખો તડકો  પજવે ત્યાં જ  ગામમા  ખટારા મુકાય ને તેમાં  સામાન ભરાય છે .  જેમના આવવાથી ગામમા રોનક આવી હતી એ લોકો ફરીથી એ ખટારાઓમા બેસીને  કંડલા – કચ્છના દરિયા કાંઠા તરફ મીઠુ પકવવા નીકળી જાય છે. ખટારો ગામ ઝાંપો પસાર કરે ત્યારે   તેમાં બેઠેલી વહુ વારુ ઓ ઝાંપે બેઠેલા માતાજીને  માથે ઓઢીને  હાથ જોડી ને સહુ ને સાજા તાજા રાખવા અરજ કરી લે..બસ , બુદ્ધિજીવી ઓ આને એક શબ્દમા  માઈગ્રેશન કહી દે  જ્યારે  આ વિસ્તાર  એક શબ્દમા  કહે છે   અમારો રોટલો!! આજે અષાડી બીજ આ વિસ્તારમા અષાડી બીજમા રામદેવપીરના મન્દિરે   સહુ ભેગા થશે. રાત્રે  ભજન ની રમઝટ બોલશે આખા વરસનો થાક હાથના મન્જીરા અને તબલાના તાલે ઓગળી જશે. જાણે કે  ઘસાયેલા મનખાના પૈડાંને નવું ઉંજણ પુરાયું હોય ઍમ તયિીં ના કેમ્પસમા ઉભા રહી ને અષાડી બીજ મોબાઇલ થી ક્લિક  કરી . દૂર-  દૂર  રામદેવપીરના મન્દિરેથી લાઉડ સ્પીકરમા વાગતા રામદેવપીરના ભજનો કાને ઝીલાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.