ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા હર્ષિદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા આજે સવારે ૯ વાગ્યે ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. જેમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ હાજરી આપી હતી. વી.એ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં તેઓના પાર્થીવદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. એક લાલ દરવાજે તંબુ તાણીએ.. મણિયારો, ભીતરનો ભેરુ મારો,, એકલા જ આવ્યાં મનવા, એકલા જવાનાં… જેવાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી સુગમસંગીત, ગુજરાતી ફિલ્મસંગીત તથા ભક્તિસંગીતમાં તેમણે મોટું યોગદાન આપેલું છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર, એવોર્ડ-સન્માન તેમણે મેળવ્યાં હતાં. પ્રતિમાવંત ગાયિકા હર્ષિદાબેન રાવલના નિધનથી ગુજરાતે એક પ્રથમ પંકિતના ગાયિકા ગુમાવ્યા છે. લોકોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.