કોરોના આવે ને જાય…ટીબી કાયમ!!!
ટીબી આજે પણ અસાધ્ય!! ૨૦૧૯માં ટીબીના દર્દીઓ અધધધ ૨૪ લાખથી વધુ: રોજ ૪૦૦૦ દર્દીને ભરખી જાય છે ટીબી
કોરોના મહામારીના કારણે લોકોના મનમાં ડર ઘુસી ગયો છે. પરંતુ કોરોના કરતા પણ ઘણી ઘાતક બિમારીઓ હજુ અસ્તિત્વમાં છે અને દર વર્ષે અનેક લોકોનો ભોગ લઈ રહી છે. આવી જ એક બીમારીનો અજગરી ભરડો દાયકાઓથી જોવા મળ્યો છે. આ બીમારીનું નામ છે ટીબી. ટીબીને નાબૂદ કરવા સરકારે ગંભીરતાથી પ્રયત્ન કર્યા છે પરંતુ આજે પણ ટીબી દરરોજ અનેક લોકોને ભરખી જાય છે. ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ટીબીના અધધધ ૨૪ લાખ જેટલા કેસ નોંધાઈ ચૂકયા છે. દર વર્ષે કેસની સરખામણીમાં સતત વધારો જોવા મળે છે. એકંદરે દેશમાં ટીબી અસાધ્ય હોવાનું ફલીત થાય છે.
ભારતમાં વર્ષ ૨૦૧૯માં ટીબીના કુલ ૨૪ લાખ નવા કેસ સામે આવ્યા છે. જેની સાથે ૭૯૦૦૦ લોકોના ટીબીથી મોત થયા છે. જોકે આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનુમાન કરવામાં આવેલ આંકડા કરતા ઓછો છે પરંતુ તેમ છતા દેશમાં કોરોના વાયરસનો ભોગ બનનાર લોકોની સંખ્યા કરતા ઘણો વધારે છે. જો આંકડાને ત્રિમાસિક આધારે ભાગ પાડવામાં આવે તો ટીબીથી પ્રત્યેક ત્રિમાસિકીમાં લગભગ ૨૦૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે કોરનાથી છેલ્લા ૩ મહિના અને ૧૫ દિવસમાં માત્ર ૧૫૦૦૦ લોકોના મોત થયા છે.
૨૦૧૯માં નોંધાયેલા ટીબીના ૨૪ લાખ કેસ ૨૦૧૮ની સરખામણીએ ૧૧ ટકા વધારે છે. જે આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અંદાજીત આપવામાં આવેલ આંકડા ૨૬.૯ લાખની ખૂબ જ નજીક છે. સત્તાવાર નોંધાયેલા અને અંદાજીત કેસ વચ્ચેના તફાવતને મોટાભાગે મિસિંગ મિલયન તરીકે ઓળખાય છે. જે ૨૦૧૭માં અંદાજે ૧૦ લાખ જેટલો હતો પરંતુ ૨૦૧૯માં આ મિસિંગ મિલિયન આંકનો તફાવત ફક્ત ૨.૯ લાખ રહ્યો છે. બુધવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક ટીબી રિપોર્ટમાં સામે આવ્યા છે.
આ અહેવાલ મુજબ ૨૦૧૯માં ટીબીના કારણે કુલ ૭૯૧૪૪ લોકોના મોત થયા છે. જે ડબલ્યુએચઓ દ્વારા અંદાજ કરવામાં આવેલ કુલ ૪.૪ લાખ મૃત્યુઆંક કરતા ઘણો ઓછો છે જે એક રાહતની બાબત છે. વર્ષ ૨૦૧૯માં પ્રાઈવેટ સેક્ટરમાંથી નોંધાયેલા ટીબીના કેસમાં ૩૫ ટકાનો વધારો થયો છે. ૬.૮ લાખ દર્દીઓ પ્રાઈવેટ સેક્ટર તરફથી નોંધવામાં આવ્યા છે. જે ૨૦૧૯ના કુલ કેસના ૨૮ ટકા જેટલા છે. મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આમ થવા પાછળનું કારણ પ્રાઈવેટ સેક્ટર માટે ટીબીના દર્દીઓની સરકારી ડેટાબેઝમાં ફરજિયાત નોંધણી, પ્રાઈવેટ પ્રોવાઇડર સપોર્ટ એજન્સી જેવા પ્રોગ્રામના કારણે પ્રાઈવેટમાં દાખલ થતા આવા દર્દીઓનો આંકડો પણ સામે આવ્યો છે.
દેસમાં ટીબીની સારવાર માટે લેવામાં આવેલ પગલાથી ૨૦૧૯માં ૮૧ ટકા દર્દીઓ જેમનો ટીબી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને સારવાર મળી છે. જે ૨૦૧૮માં ફક્ત ૬૯ ટકા દર્દીઓને જ મળી હતી. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને કહ્યું કે દેશ ૨૦૨૫ સુધીમાં ટીબીની સંપૂર્ણ નાબૂદી માટેના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ટીબીના કેસની સંખ્યામાં ૨૦૧૯માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં વધુ કેસ જોવા મળ્યા છે. જ્યારે ૫૦ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા રાજ્યો પૈકી ગુજરાત, આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યોએ ટીબીને કંટ્રોલ કરવામાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા ટીબીને લઇને તાજેતરમાં આંકડા જાહેર થયા હતા. ટીબીના દર્દીઓની ફરજિયાત નોંધણી અને તેને સારવાર આપવામાં આવે તો ટીબીને ધીમી ગતીએ દેશવટો આપી શકાય છે. જો કે તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારીના કારણે આજ સુધી ટીબીનો નીકાલ થઇ શકયો નથી. અધુરામાં પૂરું ટીબીના કેસ પણ સતત વધી રહ્યા છે.
વર્તમાન સમયે આખા વિશ્ર્વનું ધ્યાન કોરોના પર કેન્દ્રિત છે પરંતુ આરોગ્ય સુવિધાઓ કોરોના પાછળ વ્યસ્ત હોવાથી ટીબી વધુ તીવ્રતાથી વકરી રહ્યો છે. આખા વિશ્ર્વમાં આગામી વર્ષમાં મોત પામનારા દર્દીઓની સંખ્યામાં ભયંકર વધારો થાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે.
૨૦૧૮માં ૩૫,૨૦૧૯માં ૧૪ ટકા ટીબી વકર્યો
વર્ષ ૨૦૧૮માં ટીબીની તિવ્રતા ખુબજ વધુ હતી. ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં ટીબીના દર્દીની ટકાવારી ૩૫ ટકા વધી હતી. વર્ષ ૨૦૧૭માં ટીબીના ૧૦ લાખ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલોમાં પણ ૬.૮ લાખ દર્દીઓ હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૯માં ટીબીના કારણે ૭૯૧૪૪ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશ (૨૦ ટકા), મહારાષ્ટ્ર (૯ ટકા), મધ્યપ્રદેશ (૮ ટકા), રાજસ્થાન (૭ ટકા) અને બિહાર (૭ ટકા) કેસ નોંધાયા હતા. ટીબીનો ફેલાવો દિન-પ્રતિદિન ફેલાતો હોવાથી સરકાર પણ ટીબીને રોકવા પ્રયત્નશીલ રહી છે. યુનિવર્સલ ડ્રગ સસ્પેન્શીબીલીટી તેમજ ટીબી પ્રિવન્સીંગ થેરાપી દ્વારા ટીબીને રોકવાનો પ્રયત્ન થતો હોય છે. દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં પણ ટીબીને રોકવા તંત્રએ કરેલા પ્રયાસો સરાહનીય હોવાનું જાણવા મળે છે. આગામી ૨૦૨૫ સુધીમાં ટીબીને એકદમ કાબુમાં લેવાની તૈયારી સરકારની હતી. જો કે, કોરોના વાયરસના કારણે સરકારના આયોજનમાં વિક્ષેપ પડી શકે છે.
ચીન, ભારત અને સાઉથ આફ્રિકાની હાલત ખરાબ
કોરોનાએ જેમ ભારત અને ચીનમાં તિવ્રતાથી આક્રમણ કર્યું છે તેવી જ રીતે ટીબીના મામલે પણ ચીન અને ભારતની હાલત ખરાબ છે. સાઉથ આફ્રીકામાં પણ ટીબીના કારણે અનેક લોકોના જીવ જાય છે. સંશોધકોના મત મુજબ ટીબીના કારણે ચીનમાં ૬ હજાર, ભારતમાં ૯૫ હજાર અને સાઉથ આફ્રિકામાં ૧૩ હજાર લોકોના મોત ટીબીના કારણે થઈ શકે છે.
કોરોનાના કારણે ટીબીથી મોતની સંખ્યામાં ૯૫૦૦૦નો વધારો થશે!
કોરોના ટીબી કરતા ઓછો ખતરારૂપ છે પરંતુ કોરોના કારણે ટીબી વધુ ઘાતક થઈ ચૂકયો છે. વર્તમાન સમયે આરોગ્ય તંત્રનું સમગ્ર ધ્યાન કોરોના વાયરસની મહામારીને રોકવા ઉપર કેન્દ્રીત થયું છે. જેના કારણે ટીબી ઉપર ખાસ ધ્યાન અપાયું નથી. ટીબી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં ન આવતા સામાન્ય સંજોગામાં એક વર્ષમાં જેટલા લોકો ટીબીના કારણે મોતને ભેટે છે તે સંખ્યામાં ૯૫૦૦૦ દર્દીનો વધારો થશે તેવી દહેશત સેવવામાં આવી રહી છે. એક અંદાજ લગાડીએ તો વર્ષ ૨૦૧૯માં ૭૯૦૦૦ લોકોના ટીબીના કારણે મોત થયા હતા. આ સંખ્યામાં ૯૫૦૦૦નો વધારો થઈ શકે છે. ઠઇંઘ દ્વારા ટીબીને લગતા કેટલાક ચોંકાવનારા આંકડા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ટીબીની ભયાનકતા બતાવાઈ હતી. ટીબીની જેમ મેલેરિયા પણ દર વર્ષે લાખો લોકોને ભરખી રહ્યો છે પરંતુ કોરોના વાયરસના વધુ પ્રમાણમાં ડરના કારણે કોરોના કરતા પણ વધુ ભયાનક બીમારીઓ નજરઅંદાજ થઇ છે.
સાડા ત્રણ મહિનામાં કોરોનાએ ૧૫ હજારનો ભોગ લીધો જ્યારે ટીબી ૨૦ હજારથી વધુને ભરખી ગયો
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના અને ટીબીને લઈ તાજેતરમાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેના પરથી જણાય આવ્યું છે કે, છેલ્લા સાડા ત્રણ મહિનામાં કોરોના વાયરસે ભારતમાં ૧૫ હજાર લોકોનો ભોગ લીધો છે. જો કે, ટીબી દર ત્રણ મહિને દેશમાં ૨૦ હજાર લોકોને ભરખી જતો હોવાનું સામે આવે છે. ટીબીના કેસમાં દર વર્ષે ઉત્તરોતર વધારો થતો હોવાનું પણ જાણવા મળે છે. દેશમાં અનેક એવા દર્દી છે જેઓનું ટીબીનું નિદાન તુરંત થતું નથી પરિણામે ટીબીના દર્દીની સંખ્યા એકાએક વધી જવા પામતી હોય છે. વર્ષોથી ભારતમાં ટીબી માટેની હોસ્પિટલોને શહેર-નગરોની બહાર રાખવામાં આવતી હતી. જેનાથી ટીબી રહેણાંક વિસ્તારમાં પ્રવેશે નહીં. ટીબીના દર્દીને સામાન્ય લોકોથી દૂર રાખવામાં આવતા હતા. કોરોનાની જેમ ટીબી પણ ખુબ તિવ્રતાથી ચેપ લગાવતો રોગ છે. કોરોનાની જેમ ટીબીમાં પણ ફેફસામાં નુકશાન થાય છે. વર્ષોથી લાખો લોકો ટીબીનો શિકાર બનતા આવ્યા છે. વર્તમાન સમયે અત્યાધુનિક સારવાર પદ્ધતિના કારણે ટીબીને કાબુમાં તો લેવાયો છે પરંતુ હજુ સુધી તેને જડમુળથી ભગાડી શકાયો નથી. આજે પણ શહેરી વિસ્તારોમાં હવામાનના કારણે લોકો ટીબીનો ભોગ બનતા હોવાનું સામે આવે છે. ભારતમાં એક વર્ષમાં જ ૨૫ લાખ જેટલા કેસ ટીબીના નોંધાયા હતા. આ તો સત્તાવાર આંકડો છે. અનેક એવા પેશન્સ છે જે હજુ સુધી સરકારી ચોપડે ચડ્યા ન હોય. ગુજરાત, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો દ્વારા ટીબીને કાબુમાં લેવા નોંધપાત્ર પ્રયાસો થયા છે. ગુજરાતમાં ટીબીને રોકવામાં સફળતા મળી છે જો કે આજે પણ ટીબીના કેસ સતત વધે છે. ત્રિપુરા અને નાગાલેન્ડ દ્વારા તો ટીબીને રોકવા સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન થયું છે.