૬૦ એક્ર જગ્યામાં વાવેલા વૃક્ષોની હાલત કફોડી, જવાબદાર કોણ?
સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સાથે ૫૦ હજાર વૃક્ષોના ઉછેર માટે યુનિવર્સિટીના કરાર
રાજકોટ શહેરમાં જાપાનીઝ મિયાવાકી ટેકનોલોજી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૫ એકર વિસ્તારમાં ગાઢ જંગલ બનાવવા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સાથે એમઓયુ થઇ રહ્યા છે. જાપાનીઝ મિયાવાકી ટેકનોલોજીથી ૫ એકર વિસ્તારમાં ગાઢ જંગલ ધરાવતી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે.
વૃક્ષોનું જતન એ જ અમારો કર્મ અને ધર્મ: વિજય ડોબરીયા (સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ)
સદ્દભાવના ટ્રસ્ટ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લાખો વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યું છે અને ટ્રસ્ટ દ્વારા રોપાયેલું નાનકડું છોડ એક વટવૃક્ષ બની ને શહેરમાં શુદ્ધ વાતાવરણ આપી રહ્યા છે.સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મિયાવાકી પદ્ધતિ દ્વારા ૫ એકર જગ્યામાં અમારે ૫૦ હજાર વૃક્ષોનું ગાઢ જંગલ અમે બનાવીશું ૨ વૃક્ષ વચ્ચે ૨ ફૂટનું અંતર રાખવામાં આવશે. કાઠીયાવાડની ધરતી પર ઉગતા વૃક્ષોનું વાવેતર અહીં થશે. સાસણ બાદ આ બીજું ઘનિષ્ઠ જંગલ બનશે. ૧૦ ફૂટ અને ૨૦ ફૂટ સુધીના વૃક્ષો ઉગાડવામાં આવશે. બારેમાસ એવરગ્રીન રહે તે જ વ્રુક્ષ વાવવામાં આવશે.
સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે શું થશે એમઓયુ???
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક મિડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સદ્દભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ વચ્ચે એમઓયુ થઇ રહ્યું છે જેમાં મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરી ૫ એકર વિસ્તારમાં ગાઢ જંગલ બનાવવા આવશે. એમઓયુ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સદભાવના ટ્રસ્ટ ને બોટાનિકલ ગાર્ડનની પાછળની ૫ એકર જમીન વૃક્ષોના વાવેતર માટે આપશે. ૧ એકરમાં આશરે ૧૨ હજાર વૃક્ષો વાવવામાં આવશે.કુલ ૫૦ હજાર વૃક્ષો ધરાવતું ગાઢ જંગલ બનશે. ડ્રિપ ઇરીગેશન પદ્ધતિ દ્વારા છોડનો ઉછેર થશે. વૃક્ષોની જાળવણી માટે તમામ પાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરું પાડશે. યુનિવર્સિટી દ્વારા દરરોજ નું ૫૦ હજાર લીટર પાણી આપવામાં આવશે જે રૈયા રોડ પરના કોર્પોરેશનના સુએજ પંપમાંથી આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ૩ ચેક ડેમ, ૪ તળાવ અને ૭ બોર પણ આવેલ છે. પાણી માટે આ વિશેષ સ્ત્રોત રાખવામાં આવ્યા છે.
૩૫ લાખ રૂપિયા દર વર્ષે યુનિવર્સિટી ફોરેસ્ટ વિભાગને ચૂકવે છે, જાળવણીના નામે મીંડું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો કુલ વિસ્તાર ૩૬૫ એકર છે. જેમાંથી ૬૦ એકર વિસ્તારમાં વૃક્ષો વાવેલા છે અને તે વૃક્ષોની જાળવણી માટે ફોરેસ્ટ વિભાગ ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ફોરેસ્ટ વિભાગને રૂપિયા ૩૫ લાખ જેટલી જંગી રકમ ની ચુકવણી વૃક્ષોની જાળવણી માટે કરવામાં આવી રહી છે પરંતુ હાલ ઘણા વૃક્ષોનું હાલત દયનિય પરિસ્થિતિમાં જોવા મળી રહી છે.વૃક્ષોની હાલત વિશે યુનિવર્સિટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી ને તેઓને આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા તાકીદ પણ કરી છે.
૩૦ વર્ષમાં બનશે ૫૦,૦૦૦ વૃક્ષોનું ગાઢ જંગલ
મિયાવાકી એક જાપાનીઝ પદ્ધતિ છે જેના દ્વારા વૃક્ષો ખૂબ ઝડપથી ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે ગાઢ જંગલ બનતા ૨૦૦ થી ૨૫૦ વર્ષનો સમય લાગે છે. પરંતુ મિયાવાકી ટેકનોલોજી દ્વારા ૨૫ થી ૩૦ વર્ષ માં આ ગાઢ જંગલ તૈયાર થઈ જશે. ભારતમાં તેલંગાણામાં જંગલ બનાવવા માટે મિયાવાકી ટેકનીકનો ઉપયોગ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫ એકર જગ્યામાં ૫૦ હજાર વૃક્ષોનું ગાઢ જંગલ તૈયાર થશે.
મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે: નિશિથ ત્રિવેદી (પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર)
અબતક મીડિયા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટના કો-ઓર્ડીનેટર નિશિથ ત્રિવેદી એ જણાવ્યું હતું કે વિવિધ મૂલ્યો ધરાવતા ૫૦ હજાર વૃક્ષો અહીં ઉગાડવામા આવશે. પતંગિયાથી માંડી તમામ પ્રાણીઓ માટે સૌથી મોટું આશ્રય સ્થાન આ બની રહેશે. ૨૦ ફૂટ, ૩૦ ફૂટ અને તેનાથી વધારે ઉંચાઇ ના વૃક્ષો જોવા મળશે. બારેમાસ સંપૂર્ણ લીલુંછમ ઘટાદાર જંગલ અહીં નિર્માણ પામશે.