અષાઢી બીજે રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા પાંચ પૈકી ત્રણ જળાશયોમાં મેઘકૃપાથી પાણીની આવક થતા લોકોમાં ખુશાલી
અષાઢી બીજનાં પાવન દિવસે મેઘરાજાની કૃપાથી રાજકોટની જળજરૂરીયાત સંતોષતા પાંચ મુખ્ય જળાશયો પૈકી ૩ જળાશયોમાં નવા નીરની આવક થતા શહેરીજનોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. ભાદર, ન્યારી અને લાલપરીમાં નવું પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મહાપાલિકા અને સિંચાઈ વિભાગનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે બપોર બાદ ઉપરવાસનાં વિસ્તારોમાં પડેલા નોંધપાત્ર વરસાદનાં કારણે રાજકોટની જળજરૂરીયાત સંતોષતા ભાદર, ન્યારી અને લાલપરી ડેમમાં નવું પાણી આવ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ આ ત્રણેય જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ છે. ભાદર ડેમમાં નવું ૦.૩૯ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી હાલ ૧૮.૨૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમની કુલ સંગ્રહશકિત ૬૬૪૪ એમસીએફટી છે. હાલ ડેમ ૧૬૧૭ એમસીએફટી સુધી ભરેલો છે.
ન્યારી ડેમમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૩૩ ફુટ નવું પાણી આવ્યું છે. ૨૫ ફુટે ઓવરફલો થતા ન્યારી-૧ ડેમની સપાટી હાલ ૧૫.૯૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં કુલ ૩૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે જયારે લાલપરી તળાવમાં પણ નવું ૦.૧૫ ફુટ પાણી આવ્યું છે. ૧૫ ફુટે ઓવરફલો થતા લાલપરીની સપાટી ૯.૫૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં કુલ ૧૫૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે જોકે આજી અને ન્યારી-૨ ડેમમાં નવા પાણીની કોઈ જ આવક થવા પામી નથી.