દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારો પર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયુ
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ અને કરછમાં આગામી ૪૮ કલાક મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે સાથોસાથ અમદાવાદ, પાટણ, આણંદ, નવસારી, સુરત, છોટા ઉદયપુર અને અમરેલીમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારો પર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાયુ છે જેની અસર તળે સૌરાષ્ટ્રના ઘણા ખરા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરવામાં આવે તો, કરછના માંડવીમાં સાડા ચાર ઈંચ, મુદ્રામાં ૨ ઈંચ, અબડાસામાં ૧ ઈંચ, જુનાગઢના કેશોદમાં ૨ ઈંચ, અમરેલીના લાઠીમાં ૧ ઈંચ, સુરતના ચોર્યાશીમાં ૧ ઈંચ, પલસાણામાં ૧ ઈંચ, નવસારીના જલાલપોરમાં ૧૫ મિમી, જૂનાગઢના માલિયા અને વંથલીમાં ૧૪ મીમી, સુરતના કામરેજમાં ૧૩ મીમી, સુરેન્દ્રનગરના લખતરમાં ૧૧ મીમી, રાજકોટમાં ૧૧ મીમી, જસદણમાં ૯ મીમી, પડધરીમાં ૭ મીમી, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, તાલાલામાં ૫ મિમિ, વેરાવળ, રાજુલા અને નવસારીમાં ૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
ગઈકાલે રાતે રાજકોટ સહિત અનેક જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું હતું.વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગઈકાલે રાજ્યના કચ્છના માંડવીમાં સૌથી વધુ સાડાચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
આગામી ૨ દિવસ અમદાવાદ અને સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કરછમાં પણ આગામી ૪૮ કલાક ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.