કોરોના વાયરસથી બચાવ રોગપ્રતિકારક શકિત કેમ વધારવી ? તે સહિતનામુદ્દે આયુષ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોનનાં વિભાગીય નાયબ નિયામક અને આયુર્વેદિક હોસ્પિટલના અઘ્યક્ષ ડો. જયેશ પરમાર આપશે માર્ગદર્શન

પ્રતિ મંગળવારે સાંજે પાંચ વાગ્યે દૂરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા લાઇવ ટેલીકાસ્ટ થતા કાર્યક્રમ હેલ્લો દુરદર્શનમાં ર૩ જુને અને મંગળવારે સાંજે પાંચ વાગ્યે કોરોના વાઇરસ અને તેનો આયુર્વેદીક ઉપચાર તેમજ રોગપ્રતિકારક શકિત વધારવાના ઉપાયો વિષે દર્શકો દ્વારા પૂછાયેલ પ્રશ્ર્નોના જવાબ આયુષ મંત્રાલયનાં સૌરાષ્ટ્ર ઝોનનાં વિભાગીય નાયબ નિયામક અને સરકારી આયુર્વેદી હોસ્પિટલ રાજકોટ અઘ્યક્ષ ડો. જયેશ પરમાર દ્વારા આપવામાં આવશે.

વર્તમાન કોવિડ ૧૯ અણધાર્યા સમયમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. લોકઅપના લાંબા અનુભવ પછી અનલોકના તબકકાઓ વટાવી વધી રહ્યા છીએ. અને દરેક તજજ્ઞો એવો મત વ્યકત કરી રહ્યા છે કે હવે આપણે કોરોના વાઇરસ સાથે જ જીવવું પડશે અને તે તે વાયરસને હરાવવો પડશે અને સૌ એ પોતાની રોગ પ્રતિકારક શકિત વધારવી પડશે. નાના બાળકો સિવાય સૌને પોત પોતાની સમજ અને જવાબદારી અનુસાર લોકડાઉન પછીના સમય માટે ચિંતા અને ફિકર છે. આ સંભવિત ડરને ભગાડવા અને રોગપ્રતિકારક શકિત વધારવા માટે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઇએ? ઓછી રોગ  પ્રતિકારક શકિતને અને કોવીડ ૧૯ ને કોઇ સંબંધ ખરો? લોકડાઉન અને તેના પછીના સમય અને કોવિડ ૧૯ લોક અપ પછીના સમયમાં લોકોની આદર્શ લાઇફ સ્ટાઇલ કેવી રાખવી પડશે ? કોરોના વાયરસને મહામારી સાથે સરખાવીએ છીએ તો આયુર્વેદમાં સૌ કોઇ આસાનીથી પાડી શકે તેવા ઉપાયો અને પરેજી સૂચવ્યા કે ખરા? જઠરાગ્નિ આ કપરા કાળમાં બરાબર સાચવી લેવાથી કોરોના વાયરસને નાથી શકાય તેમ છે? પીવાના પાણીમાં કયા કયા દ્રવ્યો નાખીએ અને ઉકાળીએ તો પાણી શુઘ્ધ બને અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તેની અને આયુર્વેદ શાસ્ત્રમાં તંદુરસ્તીની વ્યાખ્યા શું આપી છે? ઘરના રસોડામાંથી અને દેશી ઓસાડીયાની દુકાનેથી નજીવા દરે મળતી અને લેવામાં પણ આસાન એવી દવાઓની યાદી કઇ કઇ છે? યોગ, પ્રાણાયામ, કસરત અને આપણા ખીચડી જેવા સાદા, પચવામાં સરળ અને પોષ્ટીક ખોરાક થકી રોગ પ્રતિકારક શકિત વધારી શકાય છે ખરી? જેવા અનેક પ્રશ્ર્નોના જવાબ ડો. જયેુશ પરમાર દ્વારા આપવામાં આવશે.

સૌરાષ્ટ્રના જાગૃત નાગરીકોને હેલ્લો દુરદર્શન માં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩૫૫૧૭ અથવા ૧૮૦૦ ૨૩૩૯૭૨૪ પર ફોન કરવા તેમજ કોરોના વાઇરસ અને તેનો આયુર્વેદીક ઉપચાર તેમજ રોગપ્રતિકારક શકિત વધારવાના વિશે માર્ગદર્શન મેળવવા ટેલીફોન પર આમંત્રિત કરવામાં આવે છે. કાર્યક્રમનું સંચાલન પરેશ વડગામા કરશે. જયારે નિર્માણ આસીફ ઠેબાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.