CPIના સ્થાને DySp કક્ષાના ડિવિઝન બનાવાતાં સર્જાયેલી જગ્યાઓ ભરવા તૈયારી બઢતીનો દૌર
ગુજરાત પોલીસના માળખામાં મોટો બદલાવ કરીને જિલ્લા કક્ષાએ CPI (સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર)ની જગ્યાએ DySP કક્ષાના ડિવિઝન બનાવવામાં આવ્યાં છે. આ બદલાવથી રાજ્ય પોલીસ તંત્રમાં DySPની ૧૧૨ જગ્યાઓ ઊભી થઈ છે. આ જગ્યાઓ ભરવા માટે DGP કચેરીએ DySPના પ્રમોશન આપવા માટે રાજ્યના ૯૫ PIની ખાતાકીય વિગતો માગી છે. પસંદગી યાદી તૈયાર કરવા ખાતાકીય તપાસ, શિક્ષા અંગેની વિગતો, CCC+ પરીક્ષા પાસ કરી છે કે કેમ/ PI તરીકે આઠ વર્ષનો અનુભવ ઉપરાંત ACB કેસ અને કોર્ટ કેસની વિગતો આપવા તાકીદ કરવામાં આવી છે. એવું સમજાઈ રહ્યું છે કે, ચૂંટણી પહેલાં જ એ.વી.પી.ટી. પેટર્ન મુજબ રાજ્યમાં ૧૧૨ ડિવિઝન (એસડીપીઓ) કાર્યરત કરાશે. મતલબ કે, રાજ્યમાં હવે ૧૧૨ SDPO (DySP)નું સુપરવિઝન રહેશે. આ માટે PIના પ્રમોશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એડીશનલ DGP (વહીવટ) મોહન ઝાની સહીતથી જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર સંવર્ગમાંથી બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક (DySP) સંવર્ગમાં બઢતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, શિક્ષાની એસ.સી.એન, શિક્ષાની અમલવારી, સીસીસી પ્લસની પરીક્ષા પાસ કર્યાની માહિતી સાત દિવસમાં મોકલી આપવી. બઢતી પ્રવરતા ક્રમ ૨૨૨૧થી ૨૩૨૯ સુધીના ૯૫ પોલીસ ઈન્સ્પેક્ટર્સની વિગતો મળ્યે DySPના પ્રમોશન આપવાની દરખાસ્ત DGP કચેરી તરફથી ગૃહવિભાગને કરવામાં આવશે.આ તમામ પોલીસ ઈન્સ્પેક્ટર્સને તેમની સામેના ફોજદારી ગુના, ક્રિમીનલ કેસ, એસીબી કેસમાં કોર્ટ દ્વારા છોડી મુકાયા હોય અને છોડી મુકાયા હોય અને સરકાર દ્વારા અપીલ દાખલ થઈ હોય તો તેના નંબર, તારીખ સહીતની વિગતો મગાવવામાં આવી છે.જો ફોજદારી ગુના, ક્રીમીનલ કેસ, એસીબી કેસમાં ચાર્જશીટ દાખલ કરવાનું બાકી હોય તેની વિગત અને ફરજમોકૂફીના સંબંધના પ્રકરણમાં તહોમતનામું બાકી હોય તો તેની વિગતો પણ દર્શાવવા તાકીદ કરાઈ છે.