અમદાવાદ મહાનગરપાલિકા તંત્રે કોરોનાગ્રસ્ત વૃધ્ધ દર્દીને સારવારમાં વિલંબથી થયેલા મૃત્યુ બદલ રાજસ્થાન હોસ્પિટલને આ ‘ગંભીર બેદરકારી’ બદલ શો-કોઝ નોટિસ ફટકારી
ગંભીર હાલતમાં રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલા કોરોનાગ્રસ્ત વૃધ્ધ દર્દીની સારવારમા ૪૫ મિનિટ જેટલો વિલંબ કરાયાનું પુરવાર થતા અમદાવાદ મનપા તંત્રનું આકરૂ પગલુ
દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીઓની સારવારમાં કોઈ કચાસ ન રહે તેમાટે સરકારી તંત્ર દ્વારા સતત આયોજન બનાવવા ઉપરાંત તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના રેડ ઝોન એવા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રાજયમાં સૌથી વધારે હોય અમદાવાદ મહાનગર પાલીકા તંત્ર દ્વારા આયોજન બધ્ધ રીતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કોરોનાના કેસો વધવાની સંભાવનાને જોતા મહાનગરપાલીકા તંત્રએ શહેરની પર ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે ૭૮૬ બેડો અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદની જાણીતી એવી રાજસ્થાન હોસ્પિટલની સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે એક કોરોનાગ્રસ્ત વૃધ્ધને સમયસરા સારવાર આપવામાં વિલંબ થતા તેમનું મૃત્યુ થયું હતુ. જેથી અમદાવાદ મહાનગરપાલિકા તંત્રએ આ બાબતને ગંભીર ગણીને રાજસ્થાન હોસ્પિટલને નોટીસ પાઠવીને બંધ કરવા સુધીની કાર્યવાહીના આદેશો કર્યા છે.
થોડા દિવસો પહેલા રાજસ્થાન હોસ્પિટલમા સારવાર માટે ગંભીર હાલતમાં આવેલા ૭૩ વર્ષિય કોરોનાગ્રસ્ત વૃધ્ધને હોસ્પિટલ સ્ટો ૨૦ મીનીટ સુધી બંધ એમ્બ્યુલન્સમાં રાખ્યા હતા જે બાદ સ્ટ્રેચરમાં લેવા માટે ૧૦ થી ૧૫ મીનીટ જેવો સમય બરબાદ થયો તો. આ વૃધ્ધ દર્દીની હાલત ગંભીર હોય તેમને વેન્ટીલેટર પર રાખવા અન્ય ખાનગી હોસ્પિટલમાંથી રાજસ્થાન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે આ વૃધ્ધ દર્દીને સમયસર વેન્ટીલેટર પર ન રાખી શકાતા તેમનું મૃત્યુ થયાનો આક્ષેપો થયા હતા. આ અંગેની ફરિયાદો ઉઠતા અમદાવાદ મહાનગરપાલીકા તંત્રએ આ બાબતને ગંભીર બેદરકારી સમાન ગણીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન વૃધ્ધ દર્દીએ સારવારમા વિલંબ થયાનું સીસીટીવી કેમેરાના ફૂટેજપરથી સાબીત થયું હતુ.જેથી, અમદાવાદ મહાનગરપાલીકા તંત્રએ રાજસ્થાન હોસ્પિટલનાં સંચાલકોને આ ગંભીર બેદરકારી બદલ શો-કોઝ નોટીસ પાઠવી છે. જેમાં હોસ્પિટલને ભારે દંડ શા માટે ન ફટકારવો ? સાથે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન શા માટે રદ ન કરવું ? તે મુદે ખુલાસો પુછાયો છે. આ અંગે હોસ્પિટલના સંચાલકો યોગ્ય ખુલાસો નહી કરે તો મહાનગરપાલીકા તંત્ર હોસ્પિટલ સામે આકરી કાર્યવાહી કરશે ના મનપાના સુત્રોએ જણાવ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને મનપા તંત્રએ શહેરની પર ખાનગી હોસ્પિટલોના ૫૦ ટકા બેડોને કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવાનો હુકમ કર્યો છે. જેમાંથી રાજસ્થાન હોસ્પિટલમાં ૨૩ બેડો કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૭,૮૭૩ કોરોના પોઝીટીવ કેસો નોંધાય ચૂકયા છે. જેમાં ૧,૨૮૨ દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે. હાલમાં પણ શહેરમાં ૩,૫૬૧ કોરોનાના કેસો એકટીવ છે.