પાંચ દિવસોમાં પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી
કોરોનાની મહામારી વચ્ચે કેસો વધવાની સ્થિતિ હજુ દિવસેને દિવસે વણસવામાં છે ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવનાર ૨ જુલાઈથી પરીક્ષાઓ યોજનાર છે તેમજ જે વિદ્યાર્થીઓને ક્ધટેનમેન્ટ ઝોનમાં કે પરીક્ષા કેન્દ્રોએ પરીક્ષા દેવા નથી માંગતા તેમના માટે ઓનલાઈન પરીક્ષાની પણ ગોઠવણ કરી છે માટે આ પરીક્ષા મોકુફ રાખવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે તા.૧૯ જુનએ સરકારએ રજુ કરેલ આંકડા પ્રમાણે દેશમાં ૧૩૦૦૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા તેમજ ૩૩૪ જેટલા લોકોના મૃત્યુ થયા છે. તેમજ રાજયનાં શિક્ષણમંત્રી ઓફિસ સુધી (તેમના પીએને પોઝીટીવ આવ્યો) કોરોના પહોંચી ગયો હોય આ હજારો વિદ્યાર્થીઓને કોરોના નહીં જ થાય તેની જવાબદારી કોની ? અને જો થશે અને કોઈ વિદ્યાર્થીનું મૃત્યુ થશે તો ૨૫ લાખ રૂપિયાની સહાયની બાંહેધરી યુનિવર્સિટી આપવી જોઈએ. પરીક્ષામાં યુનિવર્સિટીના કોઈ વિદ્યાર્થીને જો કોરોના થશે તો કુલપતિ વિરુઘ્ધ એફઆઈઆર વિદ્યાર્થી જ કરશે ત્યારે આવી ખરાબ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ઓફ લાઈન પરીક્ષા કેન્દ્રો પર આપવા સંમત નથી અને તેઓને ભય પણ હોય તે સ્વાભાવિક છે. કારણકે, પોતાની સ્વાસ્થ્યની ચિંતા અને ગામડાના વિદ્યાર્થીઓને રહેવા જમવાની શહેરોમાં મુશ્કેલીઓ સામનો કરવો ના પડે.
યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે જાહેર કરેલ સર્કયુલરમાં અનેક ખોટા નિયમોથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે. તેઓએ નકકી કરેલા બફાટ નિયમો જે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા આપવી એ શકય જ નથી. જેથી વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા ફરજીયાત આપવા માટે મજબુર કરવા માટેનું યુનિવર્સિટીના સતાધીશોનું ષડયંત્ર છે. જયાં સુધી કોરોનાની સ્થિતિ યોગ્ય સુધરે નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવે તેવી માંગ છે. જો આ માંગ આગામી પાંચ દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ બંધારણનાં નિયમોને આધીન ઉપવાસ આંદોલન છેડશે. આ કાર્યક્રમમાં ગુજરાત એનએસયુઆઈનાં પ્રદેશ ઉપપ્રમુખ સુરજ ડેર, રાજકોટ જિલ્લા એનએસયુઆઈનાં પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, અભિ તલાટીયા, મીત બાવરીયા, અફઝલ જુણેજા, માનવ સોલંકી, મોહિલ ડવ, હર્ષ આશર, જીલ ડાભી સહિતનાં કાર્યકર્તા જોડાયા હતા.