સુખી થવુ હોય તો જીવનમાં સંતોષ લાવો, પરિગ્રહોમાં ઘટાડો કરો- ગુરૂદેવ: કોરોનાના કપરા કાળમાંથી ઉગરવા લીંબડી અજરામર સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતી પૂ. આ. ભાવચંદ્રજી સ્વામીની નિશ્રાવર્તી પૂ. ડો. નિરંજનમુનિ (બંધુ બેલડી)એ પત્રકાર પરિષદ સંબોધી
વર્તમાન સમયની પરિસ્થિતિ ખૂબ જ વિકટ રહેલી છે. આ ૨૦૨૦ની સાલ કઠીનતમ લાગી રહી છે. અને એક પછી એક મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. હાલ કલ્પના ન કરી હોય તેવી આફતો સામે આવી છે. ત્યારે લીંબડી અજરામર સંપ્રદાયના વર્તમાન ગચ્છાધિપતી પૂ. સા ભાવચંદ્રજી સ્વામીની નિશ્રાવર્તી પૂ. ડો. નિરંજનમુનિ (બંધુ બેલડી)એ ગઇકાલે વિકટ પરિસ્થિતિનો સામનો કઇ રીતે કરવો તેમજ મહાવીર સ્વામીનો સંદેશ પત્રકાર પરિષદ દ્વારા આપ્યો હતો.
શહેરના અજરામર સ્થા. જૈન સંઘ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પૂ. ડો. નિરંજનમુનિએ જણાવ્યુ હતુ કે વર્તમાન કોરોના નામનો મહાવાયરસ ફેલાયો છે જેણે આખા વિશ્ર્વને બાનમાં લીધુ છે. મોટી મોટી મહાસતાઓ પણ લાચાર બનીને બેઠી છે. હમણાં દર ૧૦૦ વર્ષે એટલે કે આ ત્રીજુ વર્ષ છે કે આવી મહામારી આવે છે. લાખો-કરોડોને મૃત્યુના શરણે ધકેલી દે છે. માણસ મહાલાચાર, પાંગળો, નિર્માલ્ય બનીને જોતો રહે છે. આવા સમયે સંતો-મહંતો અને અરિહંતો જ આપણા સારા માર્ગદર્શક બને છે, તારણહાર બને છે.
૨૭૦૦ વર્ષ પહેલા જયારે ભગવાન મહાવીર સ્વામી થયા ત્યારે પણ લોકોમાં અંધશ્રધ્ધા, હિંસા, વ્યસનો વગેરે દુર્ગુણો ફેલાયેલા હતા. ત્યારે મહાવીર સ્વામીએ પોતાના જ્ઞાન દ્વારા લોકોને સન્માર્ગે વાળવા એમણે અહિંસા, અપરિગ્રહ અને એકાંતવાદની વાત કરી છે. આ પ્રકારનો ઉપદેશ સતત આપતા હતા. ઘણા લોકો સાંભળતા હતા, સાંભળતા સાંભળતા એમના જીવનમાં પરિવર્તન થવા લાગ્યું, નવો માર્ગ મળ્યો, સુખ મળ્યુ, શાંતિ મળી, સમાધી મળી, જીવન જીવવાની રાહ મળી, એ જ રાહ આપણને પણ મળી છે. આજના વિશ્ર્વની સાંપ્રત સમસ્યાઓ રહેલી છે, તેનું સમાધાન પણ મહાવિર સ્વામીએ આપ્યુ છે, એમના આપેલા સિધ્ધાંતોને જો વિશ્ર્વ સ્વીકારે કરી લે, તો ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર કયાંય પણ ન રહે.
ભગવાન મહાવીર સ્વામી કહે છે કે, કોઇપણ જીવની હિંસા ન કરો, બધાને જીવવું ગમે છે, મરવું કોઇને પણ ગમતું નથી. દરેક ધર્મમાં હિંસાની ના પાડી છે. જયાં અહિંસા છે ત્યાં સદભાવ છે, સહિષ્ણુતા છે, સાલસતા છે, અને જયાં હિંસા છે ત્યાં ક્રોધ છે, કૃરતા છે, કડવાશ છે. આપણે કોઇ દુ:ખ આપે તો ગમતું નથી, કોઇ અપશબ્દ કહે તો ગમતું નથી, તો આપણે બીજાને કેમ દુ:ખ આપી શકીએ. આપણે કોઇ જીવાડી ન શકીએ તો કંઇ નહીં પરંતુ કોઇને મારી તો ન જ શકીએ.
એન્ેકાન્તવાદમાં દરેક વસ્તુને અલગ અલગ એંગલથી જોવામાં આવે તો સંઘર્ષ ન થાય, જયાં અનેકાન્તાવાદ છે ત્યા સંઘર્ષ છે, સમસ્યા છે, જયાં અનેકાન્તવાદ અપેક્ષાવાદ છે ત્યાં સમાધાન છે. મહાન વૈજ્ઞાનિક આઇસ્ટાઇને પણ સાપેક્ષવાદની વાત કરી છે. આમ આવા ત્રણ મહાન સંદેશ ભગવાન મહાવીર સ્વામીએ આપ્યા છે. ભગવાન મહાવીર સ્વામી વર્ષો પહેલા મોઢા પર મુહપતી બાંધવાની વાત કરી હતી. આજે સમય ઉનસાર માસ્કની જરૂર પડી છે. સહુ અલગ-અલગ રહી જીવનધોરણને અપનાવવાની વાત કરી છે. આજે સોશ્યલ ડિસ્ટન્સની જરૂર પડી છે, પાણી ઉકાળીને ગમર કરેલુ પીવાની વાત કરી છે, આજે આ પણ સ્વીકારવું પડ્યું છે, આવા અનેક સંદેશોઓ લોકોને આપ્યા હતા.