છેલ્લા ઘણા દિવસથી ચાલતા વિવાદને અંતે મોરારીબાપુ દ્વારકામાં માફી માંગવા પહોચ્યા, પ્રેસ બ્રીફીંગ દરમિયાન પબુભા માણેક હુમલાની ફીરાકમાં ઘસી આવતા સાંસદ પૂનમબેન માડમે સમ આપી રોકવાનો પ્રયાસ કર્યો: ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભગવાન શ્રી કૃષ્ણ વિશેની ટીપ્પણીથી કથાકાર મોરારીબાપુ વિવાદમાં સપડાયા હતા આ વિવાદનો અંત લાવવા તેઓ દ્વારકા ખાતે માફી માંગવા પહોચ્યા હતા. જયાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે તેઓ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાસંદ પૂનમબેન માડમે સમ આપીને તેઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડીયો સોશિયલ મીડીયા પર પણ વાયરલ થયો છે.

ભગવાન શ્રી કૃષ્ણ મુદે વિવાદીત ટીપ્પણીને લઈને છેલ્લા ૧૨ દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને દરેક જિલ્લા અને તાલુકા મથકે આવેદનો પણ આપવામાં આવ્યા હતા. જેમાં મોરારીબાપુ દ્વારકામાં માફી માંગે એવી માંગણી કરવામાં આવી હતી. જેને પગલે મોરારીબાપુ ગઈકાલે દ્વારકા માંફી માંગવા પહોચ્યા હતા. તેઓ મીડીયા બીફ્રીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ત્યાં ગુસ્સાભેર ઘસી આવ્યા હતા અને મોરારીબાપુ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

ત્યાં ઉભેલા એક વ્યકિતએ પબુભાને પકડી લીધા હતા. આ ઉપરાંત સાંસદ પુનમબેન માડમે પણ વચ્ચે પડીને સમ દીધા હતા. અને પબુભાને બહાર લ ઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ પત્રકારોએ પબુભા માણેક અને મોરારીબાપુ બંનેએ મૌન ધારણ કરી લીધું હતુ. બંને આ વિશે કઈ બોલ્યા ન હતા.

મોરારિબાપુ પર હુમલાનાં પ્રયાસને મુખ્યમંત્રી વિજયભાઈએ વખોડયો

મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી હતી ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાના પ્રયાસને ઘણા લોકોએ વખોડયો છે. દ્વારકાધીશનાં દર્શને પધારેલાં મોરારિબાપુ પર પબુભા માણેક દ્વારા થયેલા હુમલાના પ્રયાસને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. તેમણે ટ્વિટ કરીને આ ઘટના સંદર્ભે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, “ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.”

જૂનો વિવાદ ગૌણ બન્યો, હવે નવો વિવાદ

આવતીકાલે મહુવા બંધનું એલાન આપવાની તજવીજ, આહીર સમાજે પણ ઘટનાને વખોડી

દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી જૂનો વિવાદ પૂરો થઈને હવે નવો વિવાદ શરૂ થયો છે. આ મામલે મહુવામાં ક્રિષ્ના કોમ્યુનિટી હોલ ખાતે સાંજે ૪ થી ૫ અગ્રણીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવા તેમજ ૨૦ જુનને શનિવારે સમગ્ર મહુવા શહેર બંધ રાખવા એલાન અંગે ચર્ચા અંગે મિટિંગ યોજાશે. આ માટે સોશિયલ મીડિયામાં એક પત્રિકા પણ વાયરલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે શહેરના તમામ અગ્રણીઓએ સાથે મળીને આ બેઠકનું આયોજન કર્યું છે. મહુવા શહેરની તમામ જ્ઞાતિ, રાજકીય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગકારો, વેપારીઓ, ડોક્ટરો, વકીલો, પત્રકારોએ હાજર રહેવું. ઉલ્લેખનીય છે કે આહીર સમાજે અગાઉ મોરારીબાપુની ટિપ્પણી સામે વિરોધ નોંધાવીને મોરારી બાપુ દ્વારકામાં માફી માંગવામાં આવે તેવી માંગ કરી હતી. જે પ્રમાણે મોરારીબાપુએ માફી માંગી લેતા આહીર સમાજે સંતોષ વ્યક્ત કર્યો છે. અને હુમલાના પ્રયાસની ઘટનાને પણ વખોડી કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.