રંગીલુ રાજકોટ, સટ્ટોડીયું રાજકોટ
વેપારીઓ માટે આર્થિક વ્યવસ્થા સમાન વીસીને લેભાગુઓએ કંઇ રીતે “વીસ ચક્રમાં ફેરવી નાખ્યું?
ખૂન, આપઘાત, અપહરણ અને ધાક ધમકીના ગુના માટે વીસી, ક્રિકેટ સટ્ટો જવાબદાર
સટ્ટામાં બરબાદ થયેલા વેપારીઓ દરરોજ બે ટકા મુજબ વ્યાજ ચુકવી મિલકત અને જીવ ગુમાવ્યા
વીસીકાંડમાં વેપારીઓ પાયમાલ થયા અને લુખ્ખાઓને ધનાઢય અને રાજકીય પીઠબળ મળ્યું
રાજકોટમાં ફરી શરૂ થયેલી વીસીમાં વેપારીઓના સંગઠનમાં લુખ્ખાઓ માટે નો-એન્ટ્રી
વેપારીઓને તાત્કાલિક આર્થિક સહાય અને સગવડ મળી રહે તે હેતુસર સૌ પ્રથમ કલકતામાં મારવાડીઓ દ્વારા વેપારીઓનું ગૃપ બનાવી શરૂ કરેલી વીસી ત્રણ દાયકા પહેલાં રાજકોટમાં શરૂ થયા બાદ વેપારીઓ આર્થિક રીતે બરબાદ થયા બાદ ખૂન, આપઘાત, અપહરણ અને હત્યાની કોશિષ સહિતના ગુનાનો ગ્રાફ વધતા શહેર પોલીસે વીસીના હવાલા સુલટાવવા આવેલા માથાભારે શખ્સોની રંજાડમાંથી મુક્ત કરાવ્યા હતા તે વીસી ફરી ધમધતી જતા રંગીલુ રાજકોટ ફરી સટ્ટોડીયું રાજકોટ બની રહ્યું છે.
વેપારીઓને ધંધાના વિકાસ માટે આર્થિક જરૂરીયાત સમયે મદદ મળી રહે તે હેતુસર રાજકોટમાં વીસી શરૂ થઇ હતી. વીસી એટલે દસ થી વીસ સભ્યનું ગૃપ બનાવી દર મહિને ચોક્કસ રકમ એકઠી કરી શરાફી વ્યાજ સાથે જરૂરીયાત મંદ વેપારીને તાત્કાલિક મોટી રકમ લાંબા સમય સુધી ધંધામાં વાપરી શકે તેમજ વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતી વીસીને કેટલાક લેભાગુ શખ્સોએ હાજર વરલીનું સ્વરૂપ આપી વીષચક્રમાં ફેરવી નાખતા કેટલાય વેપારીઓએ મિલકતની સાથે જીવ ગુમાવ્યા છે. કેટલાયે લુખ્ખાઓ ધનાઢય બનતા તેઓને રાજકીય પીઠબળ મળી ગયું છે. અને વીસીના હવાલા સુલટાવવા મેર ગેંગનો રાજકોટમાં પગપેસારો થતા ખૂન, ખૂનની કોશિષ, અપહરણ, આપઘાત સહિતના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
રાજકોટ રંગીલુ શહેર છે પણ રાજકોટ સટ્ટોડીયું શહેર છે. રાજકોટમાં સૌ પ્રથમ લોખંડની ભૂકકી પર સટ્ટો રમાયો હતો અને આજે છેક દુબઇ સુધી ક્રિકેટ સટ્ટાના કનેકશન નીકળે છે. કંપની દ્વારા શેર ઇસ્યુ બજારમાં આવે તે પહેલાં જ રાજકોટમાં શેરના ભાવનો સટ્ટો થાય છે. શેર બજારમાં રોકાણ કરી બે પૈસા કમાવવા ખરાબ નથી પણ સટ્ટાકીય પ્રવૃતિ થકી ધનાઢય બનવા શોટકટ કરવું યોગ્ય નથી તેના કારણે જ ગુનાખોરીનો જન્મ થાય છે.
રાજકોટની તાસીર જ એવી છે કે ધૂળનો પણ સટ્ટો કરી પૈસા કમાવવા હિમ્મત દાખવે છે. પછી તેમાં બરબાદ થઇ શહેર છોડવું પડે કે ભરપુર લાભ મેળવે પરંતુ સટ્ટા માટે પંકાયેલા રાજકોટમાં વીસીના વિષચક્રમાં કંઇ રીતે ફેરવાયું અને પોલીસે કંઇ રીતે વેપારીઓને બચાવવા જહેમત ઉઠાવી તે પણ રસપ્રદ ઘટના એક ઇતિયાસ બની ગયો છે.
શહેરના સોની બજારમાં ચાલતી વીસી ઉપાડવા માટે એકાએક પડાપડી શરૂ થઇ હતી અને ઉચી કપાત સાથે વેપારીઓ દ્વારા વીસીની રકમ ઉપાડી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જતા હોવાથી વીસી સંચાલક કફોડી હાલતમાં મુકાઇ જતા અને વીસીમાં રોકાણ કરનાર વેપારીઓની ફસાયેલી રકમ વસુલ કરવા માટે પોરબંદરના કેટલાક મેર શખ્સોની મદદ લેવામાં આવી હતી. મેર શખ્સ દ્વારા સોની વેપારીઓને ધાક ધમકી દઇ લેણી રકમ વસુલ કરવાના હવાલા લઇ મામુલી રકમમાં વેપારીઓને સમજાવી દઇ મેર શખ્સો દ્વારા મોટી રકમની કમાણી શરૂ થતા રાજકોટના પણ કેટલાક માથાભારે શખ્સો વીસીના હવાલા સુલટાવવા મેદાને આવ્યા હતા અને વેપારીઓને તેમજ વીસી ચલાવતા સંચાલકના અપહરણ કરી રિવોલ્વર જેવા હથિયાર બતાવી ધાક ધમકી દેવાનું શરૂ કર્યુ હતું.
વીસીના વિષચક્રમાં ફસાયેલા વેપારીઓ દ્વારા પરિવાર સાથે સામુહિક આપઘાતની ઘટના સામે આવી હતી તે રીતે રાતોરાત ધનાઢય વેપારી રોડ પર આવી ગયા હતા. મિલકત અને જીવ ગુમાવી રહેલા વેપારીઓની મદદ માટે તે સમયના પોલીસ કમિશનર કે.ચક્રવતી અને ડીસીપી સતિષ વર્મા આવ્યા હતા. બંને લોકપ્રિય અને નિડર આઇપીએસ અધિકારીઓએ પોલીસની ખાસ ટીમ બનાવી વીસીના હવાલા લેતા માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરવા છુટો દોર આપતા માથાભારે ગણાતા શખ્સોના પોલીસે માથા હળવા કરી કાયદાનું ભાન કરાવી વીસીના વિષચક્રમાં ફસાયેલા વેપારીઓને કાયદાની સુરક્ષા પુરી પાડી હતી.
વીસીકાંડની વરવી વાસ્તવીકતા વેપારીઓને સમજાતા વીસીમાં રોકાણ કરવાનું જ બંધ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ફરી વીસી શરૂ થઇ છે. પરંતુ વેપારી સંગઠનમાં માથાભારે અને લુખ્ખાઓ ઘુસે નહી તે માટે વીસી સંચાલક દ્વારા કેટલીક ખરાઇ કરવામાં આવે છે તેમજ વીસીનો બીજો ડ્રો બંધ રાખી પોતે જ રાખતો હોવાથી આર્થિક સલામતી વધુ મજબુત કરવામાં આવી છે. શહેરમાં મર્યાદિત વેપારીઓ દ્વારા ચાલતી વીસી અંગે પોલીસને મળેલી કેટલીક માહિતી અંગે છાનભીન શરૂ કરવામાં આવી છે.