ખગોળ મંડળ, સુમેર સ્પોર્ટસ કલબ અને રંગતાલી ગુ્રપનું સંયુક્ત આયોજન
આગામી રવિવારે યોજાનારા સૂર્યગ્રહણના આરંભથી અંત સુધીની સંપૂર્ણ કળા જામનગરના ખગોળ પ્રેમીઓ, બાળકો, વિદ્યાર્થીઓ રસિકજનો ઘેર બેઠા પોતાના મોબાઈલમાં અથવા ટીવીના માધ્યમથી નિહાળી શકે, તેવા પ્રકારે ઈન્ટરનેટના અને કેબલના માધ્યમથી પ્રસારણ વ્યવસ્થાનું જામનગરની પ્રમુખ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
ખગોળકીય પ્રક્રીયા મુજબ ભારતમાં તા. ર૧-જૂનને, રવિવારે મિથુન રાશિમાં સૂર્યગ્રહણ યોજાવાનું છે. વર્ષ-ર૦ર૦ નું આ પ્રથમ સૂર્યગ્રહણ ગુજરાતમાં ખંડગ્રાસ ગ્રહણ સ્વરૃપે, જ્યારે ઉત્તર ભારતીય રાજ્યોમાં કંકણાકૃતિ ગ્રહણ સ્વરૃપે દૃશ્યમાન થશે.
હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે કેટલાક પ્રતિબંધાત્મક આદેશ અમલમાં છે, ત્યારે આવી અલૌકિક અવકાશી ઘટનાનું સામૂહિક નિર્દેશન અસંભવ છે. આથી જામનગર ખગોળ મંડળ, સુમેર સ્પોર્ટસ ક્લબ તેમજ રંગતાલી ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી ખગોળ પ્રેમીઓ ઘેર બેઠા આ ગ્રહણ નિહાળી શકે તેમજ તેને લગતી સંપૂર્ણ વૈજ્ઞાનિક વિગતો મેળવી શકે તે માટે ફેસબુક તેમજ કેબલ વેબસાઈટના માધ્યમથી અને કેબલ ટીવી કનેકશનના માધ્યમથી જીવંત પ્રસારણ કરવાના પ્રયાસ હાથ ધરાયા છે.
રવિવારે સવારના ૯.પ૮ કલાકે સૂર્યગ્રહણનો સ્પર્શ થશે. ત્યારે બપોરના ૧.૩૦ કલાકે મુક્ત થશે. તે દરમિયાન સૂર્યનો ૮પ ટકા જેટલો ભાગ ગ્રહણ ગ્રસ્ત બનશે. આ ગ્રહણ સમયના મધ્યભાગ ૧૧.૦૦ થી ૧ર.૦૦ ના એક કલાકના સમયગાળા દરમિયાન ગ્રહણની વિસ્તૃત સમજૂતી સાથેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
યોગનું યોગ આ દિવસે વિશ્વ યોગ દિવસ પણ હોવાથી સૂર્ય નમસ્કારનું જીવંત નિદર્શન આપવાની સાથોસાથ તેની સ્વાસ્થ્ય જીવન માટે ઉપયોગી વિષયક માહિતી પણ નિષ્ણાત યોગ પ્રશિક્ષક દ્વારા આપવામાં આવશે.
જ્યારે ખગોળ મંડળના સંયોજક કિરીટભાઈ શાહ અને જામનગર ખગોળ મંડળની ટીમના નિષ્ણાતો દ્વારા શહેરની સુમેર સ્પોર્ટસ ક્લબના પટાંગણમાંથી વિશાળ ક્ષમતાવાળા ટેલિસ્કોપ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરી સૂર્યગ્રહણ વિશે પળેપળની કોમેન્ટ્રી પણ રજૂ કરવામાં આવશે.
સૂર્યગ્રહણ નરી આંખે નિહાળવું એ આંખ માટે જોખમી હોવાનું જણાવી આ ત્રણેય સંસ્થાઓએ સૂર્યગ્રહણ માત્ર સોલાર ફિલ્ટરવાળા ચશ્મા કે ૧૬ નંબરના વેલ્ડીંગના ગ્લાસ વડે જ જોવા વિનંતી કરાઈ છે. ઈન્ટરનેટ અને ફેસબુક તેમજ કેબલ નેટવર્કના માધ્યમથી આ સૂર્યગ્રહણનું પ્રસારણ થવાથી વધુને વધુ ખગોળ રસિકો, વિદ્યાર્થીઓ, તેનો લાભ લઈ શકે તે માટે પ્રબળ માધ્યમો સાથે વાટાઘાટો ચલાવાઈ રહી છે. જેની યાદી ગ્રહણના અગાઉના દિવસે જાહેર થશે.