શહેરનું હિત જોવાનાં બદલે સ્વહિત નિહાળતા રાજકારણીઓની મેલી મુરાદનાં કારણે વિકસિત રાજકોટ જેટ ગતિએ વિકાસ ટ્રેક પર દોડી શકતું નથી

માધાપર, મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વરને મહાપાલિકાની હદમાં ભેળવવાનો નિર્ણય સર્વોતમ પણ પાડોશી એવા રોણકી સાથે ભારોભાર અન્યાય કેમ?

૨૨ વર્ષમાં રાજકોટની હદ ત્રણ વાર વધી પરંતુ દરેક વખતે પોતાના ચોકકસ ઈરાદાઓ પાર પાડવા રાજનેતાઓએ ખેલ પાડયા

વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતા ૧૦૦ શહેરોમાં રાજકોટને સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું આ શહેર રાજાની કુંવરીની માફક દિવસે નથી વધતું તેટલું રાત્રે વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઈમસ, વિશ્ર્વકક્ષાનું બસ પોર્ટ સહિતનાં પ્રોજેકટો શહેરને વિકાસનાં ટ્રેક પર જેટ ગતિએ દોડાવવાની રાહ જોઈને ઉભા છે. રાજકોટની પાંખો સતત વિસ્તરી રહી છે પરંતુ વિકાસ વાઢવામાં અમુક નેતાઓને રસ હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરને ભેળવવા માટે ગઈકાલે રાજય સરકાર દ્વારા વિધિવત મંજુરીની મહોર મારવામાં આવી છે. રાજકોટને અડીને જ ઉભેલા આ ગામોનો હવે મહાપાલિકામાં સમાવેશ થતા વિકાસનાં પ્રવેશદ્વાર ખુલશે તે નિશ્ર્ચિત છે પરંતુ અમુક લોકો પોતાના ચોકકસ ઈરાદાઓ સંતોષવા માટે રાજકોટ શહેરમાં સમાવિષ્ટ હોય તેવા વિસ્તારોનો મહાપાલિકામાં સમાવેશ ન કરી તેને ભારોભાર અન્યાય કરી રહ્યા હોવાનું પણ મહેસુસ થઈ રહ્યું છે. જે ૪ ગામોનો રાજકોટમાં સમાવેશ કરાયો છે તેની સરખામણીએ રોણકી તો જાણે રાજકોટનું એક પરું હોય તેવું બની ગયું છે છતાં તેની સાથે શા માટે અન્યાય કરવામાં આવે છે તે પણ એક જવાબ માંગી લેતો સવાલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના ૧૯૭૩માં થઈ હતી. ૧૯૯૮થી શહેરની હદ વધારવાનું શ‚ કરવામાં આવ્યું છે. ૧૯૯૮માં પ્રથમવાર રૈયા, મવડી અને નાનામવાનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવતા પ્રથમ વખત શહેરનું વિસ્તરણ થયું હતું ત્યારે રાજકોટમાં કુલ ૨૦ વોર્ડ અને ૬૦ બેઠકો હતી. ૧૭ વર્ષના લાંબા અંતરાળ બાદ ફરી એક વખત વર્ષ ૨૦૧૫માં કોઠારીયા અને વાવડી ગામનો રાજકોટમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ અનેક સવાલો ઉભા થયા હતા. કારણકે રાજકોટનાં એકદમ પડખે જ આવેલા ગામોને મહાપાલિકાની હદમાં સમાવવાનાં બદલે વાવડી અને કોઠારીયાનો સમાવેશ કરવામાં આવતા એવા પણ આક્ષેપો થયા હતા કે અમુક ચોકકસ નેતાઓએ પોતાની જમીનનાં ભાવ આસમાને પહોંચાડવા માટે આ બંને ગામોને મહાપાલિકામાં ભેળવ્યા છે. કોઠારીયા અને વાવડી રાજકોટમાં ભળ્યા તે પૂર્વે જ મહાપાલિકામાં ૨૩ વોર્ડ અને ૬૯ બેઠક હતી. ડિસેમ્બર ૨૦૧૫માં ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો અસ્તિત્વમાં આવી. ડિસેમ્બર ૨૦૧૯માં ફરી મહાપાલિકાએ માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વર ગ્રામ પંચાયતનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ કરવા જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજુર કરી રાજય સરકારમાં મોકલી. રાજય સરકાર દ્વારા ગઈકાલે રાજકોટ ઉપરાંત રાજયની ૬ મહાનગરપાલિકાની હદમાં વધારો કરવાની દરખાસ્તને બહાલી આપી.

હાલ રાજકોટ શહેરનો વિસ્તાર ૧૨૯.૨૧ ચો.કિલોમીટરનો છે અને શહેરની વસ્તી ૧૩,૪૬,૧૯૨ છે. માધાપરનો ૧૦.૬૬ ચો.કિલોમીટર, (મનહપુર પાર્ટ-૧નો ૦.૦૩ ચો.કિલોમીટર), ઘંટેશ્ર્વરનો ૮.૩૨ ચો.કિલોમીટર, મુંજકાનો ૮.૦૧ ચો.કિલોમીટર અને મોટામવાનો ૭.૧૪ ચો.કિલોમીટર સહિત કુલ ૩૪.૧૧ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રાજકોટમાં મળતા હવે શહેરનું કુલ ક્ષેત્રફળ ૧૬૩.૩૨ ચોરસ કિલોમીટર થઈ જવા પામ્યું છે અને વસ્તી ૧૩,૭૭,૬૫૬એ પહોંચી છે. રાજકોટની હદ છેલ્લા ૨૨ વર્ષનાં સમયગાળામાં ૩ વખત વધારવામાં આવી છે પરંતુ દર વખતે સત્તાનાં સિંહાસન પર બેઠેલા રાજનેતાઓએ પોતાના અંગત સ્વાર્થને સંતોષવા માટે શહેરનું વિસ્તરણ કર્યું છે. વાસ્તવમાં શહેરનાં વિકાસને અનુ‚પ વિસ્તરણ માટે કયારેય ગંભીર વિચારણા કરવામાં આવી નથી. શહેરનાં રેલનગર વિસ્તાર પાસે જ રોણકી ગામ આવેલું છે. રોણકીમાં રહેતા લોકો પણ પોતે રાજકોટમાં જ રહે છે તેવું કહી રહ્યા છે અને અનુભવી પણ રહ્યા છે છતાં શાસકો દ્વારા કોઈ ભેદી કારણોસર રોણકીનો રાજકોટ મહાપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય લેતા નથી જેની સીધી અસર શહેરનાં વિકાસ પર પડી રહી છે. પાંચ-પાંચ વર્ષે સીમાંકનમાં ફેરફાર થવાનાં કારણે ચુંટણી પ્રક્રિયા પણ સતત જટીલ બની જાય છે. આગામી ડિસેમ્બર માસમાં મહાપાલિકાની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે હવે ૪ ગામોનો મહાપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવતા નવા સીમાંકન મુજબ ચુંટણી થશે તે વાત ફાઈનલ થઈ જવા પામી છે.

નવા સીમાંકનમાં શહેરમાં હાલ ૧૮ વોર્ડ છે તેના બદલે ૨ વોર્ડનો વધારો થશે અને ૨૦ વોર્ડ અસ્તિત્વમાં આવશે. કોર્પોરેટરની સંખ્યા પણ ૮૦એ પહોંચી  જશે. દર વખતે વિસ્તરણ સાથે ચેડા કરવામાં આવતા હોવાનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે. વર્ષોથી જે વિસ્તારોને રાજકોટનાં પરા માનવામાં આવતા હતા તેનો હવે છેક મહાપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો જયારે જે ગામ શહેરથી કિલોમીટરનાં કિલોમીટર દુર હતા તેવા ગામોનો આજથી પાંચ વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો જે વાત સાબિત કરે છે કે, માત્રને માત્ર રાજનેતાઓ પોતાની જમીનનાં ભાવ ઉંચકવા માટે કે કોઈ અંગત સ્વાર્થ સંતોષવા માટે જ જે-તે ગામોનો મહાપાલિકાની હદમાં સમાવેશ કરતા હોય છે. ‚ડા દ્વારા પણ જયારે ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે ત્યારે તેમાં પણ રાજકિય નેતાઓનો ઈશારો રહેતો હોય છે જે વિસ્તારમાં નેતાઓની જમીનો આવેલી હોય તેને ઈન્ડસ્ટ્રીયલ કે રેસીડેન્સ ઝોનમાં મુકવામાં આવે છે જયારે અગાઉથી ઈન્ડસ્ટ્રીયલ ઝોન હોય તેને નવા ડીપીમાં ગ્રીન ઝોનમાં પણ ઘુસાડી દેવામાં આવ્યા હોવાનાં દાખલા અનેકવાર બની ચુકયા છે જો નેતાઓ પોતાનું સ્વહિત જોવાનાં બદલે શહેરનું સામુહિક જોવે તો રાજકોટને બીજુ અમદાવાદ કે મુંબઈ બનતા કોઈ રોકી શકે તેમ નથી પરંતુ ઈચ્છા શકિતનો સંપૂર્ણ અભાવ અને પોતાની જ લીટી લાંબી કરવાની ભાવનાનાં કારણે રાજકોટ અનેક તકો હોવા છતાં પોતાની ઝડપથી વિકાસની હરણફાળ ભરી શકતું નથી.

રાજકોટનું ક્ષેત્રફળ ૩૪.૧૧ ચોરસ કિલોમીટરનાં વધારા સાથે થયું ૧૬૩.૩૨ ચોરસ કિલોમીટર

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં માધાપર, ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવાની દરખાસ્તને રાજય સરકાર દ્વારા ગઈકાલે વિધિવત મંજુરીની મહોર મારવામાં આવી છે. હાલ રાજકોટનું ક્ષેત્રફળ ૧૨૯.૨૧ ચોરસ કિલોમીટરનું છે. શહેરની વસ્તી ૧૩.૪૬ લાખની છે. ચાર ગ્રામ પંચાયતનો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવેશ થતા શહેરનાં ક્ષેત્રફળમાં ૩૪.૧૧ ચોરસ કિલોમીટરનો વધારો થશે અને હવે શહેરનું કુલ ક્ષેત્રફળ ૧૬૩.૩૨ ચોરસ કિલોમીટર થશે અને વસ્તી ૧૩.૭૭ લાખે પહોંચશે. માધાપર ગામનું ક્ષેત્રફળ ૧૦.૬૧ ચોરસ કિલોમીટર છે. ઘંટેશ્ર્વર ગામનું ક્ષેત્રફળ ૮.૩૨ ચોરસ કિલોમીટર છે. મુંજકા ગામનું ક્ષેત્રફળ ૮.૦૧ ચોરસ કિલોમીટર છે અને મોટામવા ગામનું ક્ષેત્રફળ ૭.૧૪ ચોરસ કિલોમીટર છે. જયારે માધાપર ગામની વસ્તી ૧૫,૦૩૬, ઘંટેશ્ર્વરની વસ્તી ૫૮૭૪, મુંજકાની વસ્તી ૩૪૮૩ અને મોટામવા ગામની વસ્તી ૫૭૫૯ લોકોની છે.

બે વોર્ડ અને ૮ કોર્પોરેટરો વધશે

રાજકોટ મહાપાલિકાની હદમાં ૪ ગામોનો સમાવેશ કરવામાં આવતા હવે ચાલુ સાલનાં અંતમાં યોજાનારી કોર્પોરેશનની ચુંટણી નવા સીમાંકન મુજબ યોજાશે તે વાત નિશ્ર્ચિત બની જવા પામી છે. હાલ શહેરમાં ૧૮ વોર્ડ કાર્યરત છે અને ૭૨ કોર્પોરેટરો જનપ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે. શહેરનો વિસ્તાર ૩૪.૧૧ ચોરસ કિલોમીટર વધશે જેનાં કારણે હયાત વોર્ડની સંખ્યામાં ૨ વોર્ડનો સમાવેશ થશે અને કોર્પોરેટરોની સંખ્યા ૮ વધે તેવું લાગી રહ્યું છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા ટુંક સમયમાં મહાપાલિકાને વોર્ડ વિભાજન માટેનું માર્ગદર્શન મોકલવામાં આવશે ત્યારબાદ નવા સીમાંકનની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. હાલ મહાપાલિકામાં ૭૨ કોર્પોરેટરો પૈકી કોંગ્રેસનાં એક નગરસેવિકાને જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવાનાં કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યો જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હાલ ભાજપનાં ૪૦ અને કોંગ્રેસનાં ૩૧ કોર્પોરેટરો કાર્યરત છે. નવા સીમાંકન મુજબ ૨૦ વોર્ડ થશે તો કોર્પોરેટરોની સંખ્યા પણ ૮૦એ અંકશે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતનો ફાયદો અમલમાં હોય ૪૦ મહિલા કોર્પોરેટર અને ૪૦ પુરુષ કોર્પોરેટરો નવા વોર્ડમાં જોવા મળે તેવું લાગી રહ્યું છે.

પાંચ વર્ષમાં ૬ ગ્રામ પંચાયત રાજકોટ મહાપાલિકામાં ભળી

૧૯૭૩માં મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ પ્રથમ વિસ્તરણ એટલે કે શહેરની હદ વધારવાનો નિર્ણય લેવામાં અઢી દાયકાથી પણ લાંબો સમય વિતી ગયો હતો. ૧૯૯૮માં પ્રથમવાર રાજકોટ મહાપાલિકાની હદ વધારવામાં આવી હતી અને રૈયા, મવડી તથા નાનામવા વિસ્તારનો શહેરમાં સમાવેશ કરાયો હતો ત્યારબાદ કુદકે અને ભુસકે શહેરનો વિકાસ થઈ રહ્યો હતો છતાં કોઈ અકળ કારણોસર શહેરની હદ વધારવામાં આવતી ન હતી. ૧૭ વર્ષનાં બ્રેક બાદ ફરી ૨૦૧૫માં કોઠારીયા અને વાવડી ગ્રામ પંચાયતનો રાજકોટમાં સમાવેશ કરવામાં આવ્યો અને પાંચ વર્ષનાં સમયમાં જ વધુ ૪ ગ્રામ પંચાયત માધાપર, મોટામવા, મુંજકા અને ઘંટેશ્ર્વરનો રાજકોટમાં સમાવેશ થયો જે શહેરનાં વિસ્તરણ માટે ૨૫ વર્ષની રાહ જોવી પડી હતી તે જ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬ ગ્રામ પંચાયતનો મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.