પાકનાં વિકાસ અને તેના બચાવ માટે ખાતર અત્યંત ઉપયોગી સરકાર દ્વારા યુરીયાની આયાત માટેનાં વૈશ્ર્વિક ટેન્ડરોને મંજુર
ચોમાસું યથાયોગ્ય સમયે આવતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે ત્યારે વાવણી પણ ખેડુતો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને લઈ કેન્દ્રીય કૃષિ મંત્રી ડી.વી.સદાનંદ ગૌડાએ જણાવતા કહ્યું હતું કે, સરકાર ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો પુરો પાડશે જેથી ખેડુતોને તેનો પુરતો લાભ મળી રહે. સારા ચોમાસાની આશા વચ્ચે ખેતપ્રવૃતિઓ વધુને વધુ વિકસિત થાય તે માટે સરકાર ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો પુરો પાડશે તેવો ભરોસો કેન્દ્રીય કૃષિમંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. ચોમાસું પાકમાં યુરીયાની જરૂરીયાત ૧૭ મિલીયન ટનની જોવા મળી રહી છે સામે સ્થાનિક ઉત્પાદન ૧૩.૩ મિલીયન ટન રહેશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ બંને વચ્ચે જે ગાળો જોવા મળ્યો છે તેને આયાત થકી પુરો પડાશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ યુરીયાની આયાત માટે વૈશ્ર્વિક ટેન્ડરોને બહાલી આપવામાં આવી છે જેથી આયાત થકી ઉદભવિત થતી યુરીયાની માંગને પહોંચી વળાય. મંત્રીએ આશા વ્યકત કરી હતી કે, આ ચોમાસું ખેડુતો અને દેશ માટે અત્યંત સારું નિવડશે અને ખેત પ્રવૃતિમાં અનેકગણો વધારો પણ નોંધાવવામાં આવશે. આ વર્ષે પણ ખેડુતો દ્વારા ખાતરોની માંગમાં અનેકગણો વધારો જોવા મળશે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનાં એપ્રિલ-મે અને જુનમાં યુરીયા અને પી એન્ડ કે ફર્ટીલાઈઝરનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે.
ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવતાની સાથે આ વર્ષ ખેતી ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ગત વર્ષે ચોમાસું મોડુ આવતા ખેત ઉપજોને ભારે નુકસાનીનો સામનો પણ કરવો પડયો હતો. હાલની પરિસ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ખેડુતો દ્વારા ખાતરની માંગમાં અનેકગણો વધારો જોવા મળશે. પાકનાં જતન અને તેના વિકાસ માટે ખાતરનો ઉપયોગ અત્યંત વધુ હોય છે અને તેનું મહત્વ પણ અનેરું છે ત્યારે વરસાદ પડતાની સાથે જ ખેડુતો ખાતર લેવા દોડી જતા હોય છે. આ વર્ષે જીએસએફસી એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કોર્પોરેશન કેટલા પ્રમાણમાં ખાતરનો જથ્થો ખેડુતોને આપશે તે જોવાનું રહ્યું.