સુત્રાપાડા યાર્ડના ચેરમેને સવનીયા સંકુલના ત્રણ સંચાલક સામે નોંધાવ્યો ગુનો
પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડના પત્નીના નામના બોગસ દસ્તાવેજ બનાવી ડાભોર ખાતેની સવનીયા સંકુલના ત્રણ સંચાલકોએ વેરાવળ કોર્ટમાં રજૂ કર્યા અંગેની સુત્રાપાડા માકેર્ટીગ યાર્ડના ચેરમેને પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડા નગરપાલિકના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ જશાભાઇ બારડે ડાભોર ખાતે આવેલી સવનીયા સંકુલના સંચાલક રમેશ વિરા સવનીયા, બાબુ વિરા સવનીયા અને ભીખા વિરા સવનીયા સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વેરાવળ તાલુકાના ડાભોર ગામના સર્વે નંબર ૯૩ પૈકી ૨ની બાજુમાં સવનીયા સંકુલ આવેલું છે. તેની બાજુમાં જશાભાઇના પત્ની ઉજીબેનની માલીનીના બીન ખેતીના પ્લોટ આવેલા છે જે પ્લોટમાં રસ્તોના ખોટા નકશા બનાવી વેરાવળ કોર્ટમાં દાવો દાખલ કરી રજૂ કર્યાનું દાવાની સુનાવણી દરમિયાન સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રભાસ પાટણ પોલીસ મથકમાં દિલીપભાઇ બારડની ફરિયાદના આધારે સવનીયા સંકુલના ત્રણેય સંચાલક સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યા અંગેનો ગુનો નોંધી પી.આઇ. જે.એમ.રાઠોડ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.