“સરળ અને સીધા સંજોગોમાં વ્યક્તિત્વ ઘડાતુ નથી, વ્યક્તિત્વ ઘડાય છે અનુભવોથી, કસોટીથી, પીડાથી, તેમાંથી પસાર થતા થતા જ મન મજબૂત બને અને સફળતા પ્રાપ્ત થાય છે”
આખરી મુકામ
જયદેવનું સર્જન થવાનું કારણ !
પીઆઈ જયદેવને માનસીક રીતે અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવવાનું શરૂઆતથી જ પસંદ ન હતુ. કેમકે તે ગામડાનો જીવ ખીચોખીચ માનવ વસ્તી ભરચકક ટ્રાફીક અને ઝડપી અને દોડતી જીંદગી તેને પસંદ ન હતી. પરંતુ તેના નસીબે તેની નિવૃતીનું છેલ્લુ વર્ષ જ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવવાનું નિર્માણ થયું તેમ છતા તેણે આ સ્થિતિ પણ વિશ્વ પ્રસિધ્ધ વિદુષી હેલન કેલરની ઉકતી મુજબ સરળ અને સીધા સંજોગોમાં વ્યકિતત્વ ઘડાતું નથી. વ્યકિતત્વ ઘડાય છે અનુભવોથી, કસોટીથી, પીડાથી, તેમાથી પસાર થતા થતા જ મન મજબુત બને છે. દ્રષ્ટિ સાફ થાય છે. મહત્વાકાંક્ષા જાગૃત થાય છે. અને સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ પોલીસ ખાતાનું આ છેલ્લુ વર્ષ જયદેવ માટે ગીતાસાર મુજબ સત્ય માટેની લડાઈમાં કોઈ સ્વજન કે દુશ્મન હોતુ નથી, જે દુષ્કર્મો કરતા હોય અને સજજનો માટે આતવાયી બનતા હોય તેની સામેનો જ જંગ હોય છે તેની માફક આ કુરૂક્ષેત્રરૂપી તેના માટે અણગમતી જગ્યામાં જ તેણે પોતાના ખાતાનાં અધિકારીઓ અને છેલ્લે સરકાર સામે પણ ન્યાય માટે જંગે ચડવું પડયું અને આ અન્યાયી સંજોગો અને કારણોને લીધે જ આ પીઆઈ જયદેવના પાત્રનું લેખીત સર્જન થયું !
આ થયેલા બદલી હુકમ મુજબ અમદાવાદ શહેરમાં જેમ જેમ પોલીસ અધિકારીઓ હાજર થતા ગયા તેમ તેમ તેમની નિમણુંકો ખાલી જગ્યાઓએ થતી ગઈ પરંતુ અમદાવાદનું કોમી એપીસેન્ટર જેવું શાહપૂર પોલીસ સ્ટેશન ખાલી હોવા છતાં કોઈ પીઆઈની પોલીસ કમિશ્નર ત્યાં નિમણુંક કરતા ન હતા જયદેવને તો અગાઉથી જ ખાનગી સુત્રોમાંથી જાણવા મળેલુ કે ઉચ્ચ અધિકારીઓની મીટીંગમાં એક અધિકારી જે જયદેવને ઓળખતા હતા તેમણે આવનાર પીઆઈ જયદેવની કાર્યદક્ષતા, કોમી મથકોના અનુભવ અને સફળ અધિકારી તરીકેની વાત ચર્ચામાં કરતા ઉચ્ચ અધિકારીઓમાં જયદેવને શાહપૂર પોલીસ મથકમાં મુકવાનું નકકી થઈ ગયેલું કેમકે તેમને જાગરણ નહિને? આવી જાણકારી મળવા છતા જયદેવ પાસે તો કોઈ લાગવગ હતી નહિ.
હાથીના દાંત -દેખાડવાના ચાવવાના !
જયદેવ અમદાવાદ આવ્યો અને નિયમ મુજબ સૌ પ્રથમ શહેરના પોલીસ કમિશ્નર ને મળ્યો પોલીસ કમિશ્નરે થોડીક ઔપચારીક વાતો જયદેવ સાથે કરી અને જયદેવને પુછયું કે તમારી શું ઈચ્છા છે. કઈ જગ્યાએ જવું છે ? જયદેવ મનમાં તો જાણતો જ હતો કે આ બધી ફોર્માલીટી છે. તેને તો માનતાનો માન્યો હોય તેમ મોરચે જ મૂકવાનો છે તેમ છતા તેણે કહ્યુંં કે સાહેબ જયાં મૂકો ત્યાં હવે છેલ્લું એક વર્ષ બાકી છે. શાંતિથી પસાર થાય બસ, બહુ કામ કયુર્ંં ખૂબ યુધ્ધો કર્યા હવે કોઈ ઈચ્છા નથી. આથી કમીશ્નરે જયદેવનો તાગ મેળવવા માટે ફરીથી પૂછયું ‘એમ નહિ તમે જણાવો કે તમારી શું ઈચ્છા છે? આથી જયદેવે કહ્યું સાહેબ કોઈ પણ ખૂણા ખાંચરાની બ્રાંચ (શાખા)માં અને તે નબની શકે તો પોલીસ કંટ્રોલરૂમમાં મૂકી દયો હું શાંતિથી નિવૃત થવા માગુ છું. તેણે કમિશ્નર ને પેલી પોલીસ ખાતાની કહેવત કહી કે ‘પ્રોબેશન પ્રમોશન અને પેન્શનના સમયે શાંતી વાળી જગ્યા સારી આ સાંભળીને કમિશ્નર સહેજ ઝંખવાયા, તેમને એવું હતુ કે તમામ પીઆઈઓ જેમ સારી સારી એકજી કયુટીવ પોસ્ટ ઉપર નિમણુંક માગે છે તેમ જયદેવ પણ માગણી કરશે, પરંતુ તેમનું અનુમાન સદંતરે ખોટું પડયું, પણ તેઓ તેમના વચન મુજબ જયદેવને એટલીસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં મૂકી શકેત પરંતુ ઉચ્ચ અધિકારીઓની મીટીંગમાં જ સર્વાનુમતે જયદેવને શાહપૂર સીનીયર પીઆઈ તરીકે મૂકવાનું નકકી થઈ ચૂકયું હતુ ! તે પ્રમાણે જ જયદેવની નિમણુંકનો હુકમ થયો !
જયદેવ કમને પણ શાહપૂર પોલીસ સ્ટેશનમાં હાજર થયો તેને તે સમયે જરા પણ ખ્યાલ ન હતો કે તેની જીંદગીનું આ આખરી વર્ષ તેના માટે કુરૂક્ષેત્રના યુધ્ધ મુજબનું પૂરવાર થવાનું તો હતુ પરંતુ અભિમન્યુંના ચક્રાવા મુજબ ખોટી રીતે ભીડવીને અને અન્યાયી રીતે તેની જવલંત કારકીર્દીનો વધ કરવાનો છે.
તે સમયે શાહપૂર પોલીસ મથકમાં સીનીયર પીઆઈ જયદેવ ઉપરાંત એક સેક્ધડ પીઆઈ, પાંચ સાત ફોજદારો અને સોએક જેટલા જવાનોનું પોલીસ દળ હતુ. અમદાવાદ શહેરનાં અતિ સંવેદનશીલ વિસ્તારો શાહપૂર દરવાજા, શાહપૂર અડ્ડા, સરકીવાડ, હલીમની ખડકી, રંગીલા ચોક, નાગોરીવાડ, દિલ્હી ચકલા, રાણી મસ્જીદ, ઘીકાંટા રોડ, ખાનપૂરથી સાબરમતી નદી સુધીનો વિસ્તાર જે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કોમી સંવેદનશીલ વિસ્તાર જ આવેલો હતો. આ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વાળા કાયદેસરા પશુઓના કતલખાના આવેલા હતા. જેમ કાયદેસર સાથે આ દેશમાં ઘણુ ગેરકાયદેસર પણ ચાલતુ હોય તેમ ચોરીછુપીથી પશુઓ લાવી ચોરી છુપીથી તેની કતલો પણ થતી હતી સમગ્ર શહેર પોલીસની નજર ચૂકવીને પણ પશુઓ ભરેલા વાહનો આ શહેરની મધ્યમાં આવેલ ગીચ વિસ્તારમાં ઘુસાડી દેવામાં આવતા હતા અને ગેરકાયદેસર રીતે જ તેમનું વિસર્જન થઈ જતું હતુ!
શાહપૂરનો ઈતિહાસ
તે સમયે શાહપૂર પોલીસ મથક ખુબ સંવેદનશીલ ગણાતું કેમકે સને ઓગણીસો એંસીના દાયકામાં જયારે ધંધાદારી ગુનેગાર કોમી ગેંગો ઉભી થયેલી તેમાના અમુક ઈસમો આવા બે નંબરી નાણાથી છકી ગયેલા અને કોમી માનસીકતા હાલતા ચાલતા પ્રદર્શિત કરતા હતા પરંતુ નામ તેનો નાશ તે ન્યાયે આ ધંધાદારી ગેંગો પણ પતી ગઈ અને તેના જે ડોન હતા તે પણ જતા રહ્યા પરંતુ ‘સાપ ગયાને લીસોટા રહ્યા’ તેમ હજુ પણ શાહપૂર વિસ્તારની મથરાવટી કોમી દ્રષ્ટિએ મેલી જ હતી. પોલીસે સતત સઘન બંદોબસ્ત રાખીને સતત એલર્ટ જ રહેવું પડતુ સાતેક અતિ કોમી સંવેદનશીલ જગ્યાઓ એ કવીક રીસ્પોન્સ મોબાઈલો વાહનો તો વીસથી એકવીસ જગ્યાએ પોલીસ અને એસ.આર.પી.ના જવાનોના ફિકસ પોઈન્ટો રાઉન્ડ ધ કલોક ચાલુ હતા !
આવનાર રથયાત્રા વિનાવિઘ્ને પૂરી થાય તે હેતથી જ શાહપૂર પોલીસ મથક ખાસ જયદેવ હાજર થાય ત્યાં સુધી ખાલી રખાયું હતુ.
ઉપર જણાવેલ વિસ્તારોની વચ્ચે જ ભવાનપૂરા આંબલી વાળી પોળ આવેલી છે જે આંબલીવાળી પોળમાં લગભગ સીતેરેક વર્ષ પહેલા એટલે કે આઝાદી પહેલા વિશ્ર્વ વિખ્યાત સંત પ્રમુખ સ્વામી મહારાજે સ્વામીનારાયણ સંપ્રદાયની ધર્મ દિક્ષા જે ઘરમા લીધેલી તે મકાન આવેલું છે. જે મકાનમાં હાલમાં પણ ધર્મ સ્મારક છે જેમાં દિક્ષા સમયનાં જુના પ્રાસંગીક ફોટાઓ પણ છે જે જોતા તે સમયનો માહોલ, ધાર્મિક ભાવના અને સામાજીક એકતાનો સુંદર માહોલ જોવા મળે છે. મતલબ કે પાકિસ્તાન પ્રેરીત કટ્ટરતા તેમાં જોવા મળતી નથી.
ગુન્હાની દ્રષ્ટિએ શાહપૂર પોલીસ મથકમાં ચોરી ચપાટીના ગુન્હા સાવ નજીવા હતાથોડા ઘણા મારામારીના અને પરચૂરણ ગુન્હા બનતા પરંતુ આ પોલીસ સ્ટેશનનું મુખ્ય કામ તો બહુમતી અને લઘુમતી કોમના ધાર્મિક તહેવારોમાઅને સામાન્ય દિવસોમાં પણ કોમી દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય અને પરિસ્થિતિ સામાન્ય જ રહે તે જોવાનું હતુ અહિ તનાવ હિન્દુ મુસ્લિમ ઉપરાંત મુસ્લીમોના આંતરીક જુથો વચ્ચે પણ માન્યતા તથા અન્ય સંસ્થાકીય વહીવટી બાબતો અંગે ઘર્ષણો થતા રહેતા આથી શાહપૂર પોલીસ મથક વિસ્તારમાં સીનીયર પીઆઈએ આ બાબતે સતત જાગૃત અને સતર્ક રહેવું પડે તે સહજ હતુ.
સમર્થ કો નહી દોષ ગૂંસાઈ !
દરમ્યાન થોડા સમયમાં ભારત દેશના જ યજમાન પદે એક દિવસીય આંતર રાષ્ટ્રીય વિશ્ર્વકપનું આયોજન થયું, અમુક મેચો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાવાની હતી. આમતો શાહપૂરના સીનીયર પીઆઈને ગમે તેવા અગત્યના અને ઝેડ કેટેગરીના બંદોબસ્તો અમદાવાદ શહેરમાં આવવા છતા તેને તો પોલીસ સ્ટેશનમાં જ રહી તેના વિસ્તારની દેખરેખ રાખવી પડતી કયારેક સેક્ધડ પીઆઈને બંદોબસ્તમાં જવું પડતું. તે સમયે કાયદો અને વ્યવસ્થાનો આવો માહોલ હતો. સને એસીના દાયકામાં જયારે ધંધાકીય ઓર્ગેનાઈઝડ ગુનેગાર ગેંગો હતી તે હાલ જયદેવના મતે સુષુપ્ત અવસ્થામાં હતી એટલે ગેંગોના લીડરો પૈકી અમૂક જેલમાં તો અમુક પરદેશ ગમન કરી ગયા હતા તો અમુક પરલોક ગમન કરી ગયા હતા. પરંતુ તેમના ટાયા જેમને આધુનિક ભાષામાં સ્લીપર સેલ કહે છે તેઓ ખાનગીમાં ઉંદરકામા કરી લેતા પણ પોલીસના ધ્યાને વાત આવે એટલે તૂર્ત જ કાયદેસરની કાર્યવાહી થતી.
તેમ છતા શહેરમાં દારૂ જુગારના બે નંબરી ધંધાઓ એકયા બીજા પ્રકારે ચાલુ હતા ધંધાના સુત્રધારો અને જગ્યાઓ કદાચ ફરી હશે તે જુદી વાત હતી. આ રીતે અમદાવાદ શહેરના અન્ય પોલીસ મથક શહેર કોટડા વિસ્તારમાં એક પરપ્રાંતીય બુટલેગરનો મોટો પાયે ઈગ્લીશ દારૂનો વેપલો ચાલુ હતો. આ વિસ્તારના જોઈન્ટ પોલીસ કમિશ્નર કે જેને સેકટર ૧ની કોલસાઈન અપાયેલી તેમને શહેર કોટડા પોલીસ મથક વિસ્તારમા એક મીલની ચાલીમાં મોટા પાયે ઈગ્લીશ દારૂ રાજસ્થાનમાંથી આવેલની માહિતી મળી આમતો તે જોઈન્ટ પોલીસ કમિશ્નર શહેર કોટડાના પીઆઈને જ સાથે રાખી તે જગ્યાએ રેઈડ કરી શકે, પરંતુ તેમ કરે તો શહેર કોટડા પીઆઈ વિરૂધ્ધ ખાતાકીય પગલા લઈ શકાય નહિ આથી તેઓ અમદાવાદ શહેરનું વિશાળ એવું ક્રાઈમ બ્રાંચ કે જેમાં એડીશ્નલ ડી.જીપી કક્ષાના અધિકારીથી લઈ ડીસીપી અનેક એસીપી અને ઢગલો પીઆઈ અને ફોજદારો ધરાવતી સીટીક્રાઈમ બ્રાંચ મારફત પણ રેઈડ કરાવી શકે અને શહેરનાં અન્ય ખાસ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ રેઈડ અને કેસ ક્રાવી શકે પણ જે કારણ હાય તે પણ આ જોઈન્ટ પોલીસ કમિશ્નરે જયદેવને સુચના આપી કે અમુક ચોકકસ સમયે ચોકકસ જગ્યાએ તેના સરકારી વાહનમાં જરૂરી ડીસ્ટાફના જવાનો સાથે હાજર રહેવું હવે જયદેવે તો અનુમાન જ કરવાનું હતુકે શું કામ હશે, પણ તેએટલું તો નકકી કરી શકયો કે કયાંક રેઈડ કરવાની હશે સામાન્ય રીતે પોલીસ દળના સીરસ્તા મુજબ જયદેવ અન્ય પોલીસ મથકના કોઈ વહીવટમાં ચંચુપાત કરતો નહિ પરંતુ અહીંતો ખૂદ જોઈન્ટ પોલીસ કમિશ્નર પોતાને બોલાવતા જયદેવ જણાવેલ જગ્યા અને સમયે તેમને મળવા ઉપડયો. પણ આશ્ર્ચર્ય વચ્ચે જે.સી.પી.એક. ખાનગી કાર જાતે ચલાવીને આવ્યા અને જયદેવને આગળની સીટમાં બેસાડી દીધો.
જયદેવનું દળ ત્યાંજ રહ્યું અને જે સી.પી.એ જાતે કાર ચલાવી કોઈક અજાણ્યા વિસ્તારમાં આવ્યા કારમાં પાછળની સીટ ઉપર એક જનતાનો માણસ બેઠો હતો. જે બાતમીદાર હોય તેમ લાગતુ હતુ જેણે રસ્તો બતાવતા બતાવતા અકે મીલની જુનવાણી ચાલી પાસે કાર લેવડાવી, ખૂણા ઉપરનું એક મકાન બતાવ્યું જેમાં દરવાજા બંધ હતા પણ દરવાજા અને ઓસરીની અરધી દિવાલ લાકડાના પાટીયાથી બનાવેલી હોય તેમાંથી રોડ ઉપર ઉભા ઉભા જ દારૂની પેટીઓ પડી હોવાનું જણાતું હતુ જેસીપીએ ધીમેધીમે કાર ચલાવી પસાર કરી પાછા શાહપૂર પોલીસની જીપ ભી હતી ત્યાં આવ્યા અને જયદેવને કહ્યું તમે હવે રેઈડ કરી નાખો.
જયદેવ પોતાની જીપ લઈ પાછો ચાલીમાં આવ્યો જેસીપીએ પણ તેની પાછળ પાછળ કાર લીધેલી કે રસ્તો બરાબર પકડે છે ને? પરંતુ જયદેવ રસ્તો ભૂલ્યો નહિ અને ચાલી વાળુ પેલુ મકાન આવતા જેસીપી કાર લઈને ચાલ્યા ગયા.
મકાનને તાળુ માર્યું હતુ આથી પંચોને બોલાવવા ડીસ્ટાફ ફોજદાર પરમારને મોકલ્યા દરમ્યાન આરોપી મારવાડી જાતેથી પોલીસ સમક્ષ હાજર થઈ જતા અને પંચો આવી જતા પ્રોહીબીશન એકટ ક.૧૨૦નો ઠરાવ કરી રેઈડ કરી તો આ મકાનમાંથી રૂપીયા છવ્વીસ ૨૬ લાખની કિંમતનો વિવિધ બ્રાન્ડનો ઈગ્લીશ દારૂ મળી આવ્યો આથી આખી રાત જાગીને મુદામાલનું પંચનામું એફઆઈઆર તૈયાર કરી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં સોંપ્યા આરોપીને વહેલી સવારે પંચનામું પૂરૂ કર્યું ત્યારે અટક કર્યો. કારણ ગમે તે હોય કાયદેસર રીતે જયદેવ રેઈડીંગ પાર્ટી હોય આ પ્રોહીબીશનના ગુન્હાની તપાસ તે જાતે કરી શકે નહી જો કરે તો ટ્રાયલ દરમ્યાન શકનો લાભ આરોપીને મળે તેમ છતા આ સામાન્ય એવો ગુન્હો જે ભાગ ૬નો હતો. તેની તપાસ જયદેવને જ ખાસ લેખીત હુકમથી સોપાઈ કાયદાનો ભંગ ઉચ્ચ અધિકારીઓ કરે તો ‘સમર્થ કો નહિ દોષ ગુંસાઈ’ ના ન્યાયે તે બરાબર કહેવાય; કાયદાનો ભંગ ન કહેવાય ! પણ જો નીચેની રેન્કનો અધિકારી કાયદેસરની કાર્યવાહી કરેકોઈ ભૂલ ન કરે, કસુર ન કરે તો પણ ધણીનું કોઈ ધણી નહી તે ન્યાયે ઉચ્ચ અધિકારીઓ જેને ધારે તેને કસુરવાન ઠેરવીને દુ:ખી દુ:ખી કરી દે તેવો અનુભવ જયદેવને થયો. પછી ઘણા વિલંબે પણ ન્યાયીક કાર્યવાહી થાય પણ ત્યાં તો સાબરમતી નદીમાંથી ઘણા પાણી જતા રહેતા હોય અને આ રીતે નીચેની રેન્કના અધિકારીને બહુજ મોટુ જીંદગીભર દુ:ખદ રીતે યાદ રહે તેવું નુકશાન થઈ જતું હોય છે.
આ કિસ્સામાં આવું જ થયું જયદેવે પોતે રેઈડીંગ પાર્ટીનો સભ્ય હોઈ તપાસ અન્ય અધિકારીને સોંપવા રજૂઆત કરી પરંતુ આ કાયદેસરની રજૂઆત કોઈએ ધ્યાને લીધી નહી આથી જયદેવે આ તપાસ સંભાળવી જ પડી.પરંતુ આ તપાસનો ફોરેન્સીક સાયન્સનો અહેવાલ અને અન્ય આરોપીઓ પકડવાના બાકી હતા દરમ્યાન જ અષાઢી બીજ જગન્નાથજી રથયાત્રાનો મહાપર્વ નજીક આવી રહ્યો હોય અને તેમાં પણ શાહપૂર પોલીસ મથકમાં તો આ રથયાત્રાની છ મહિના પહેલા તૈયારીઓ બંદોબસ્ત અંગેની થવા લાગતી અને બે મહિના બાકી હોય ત્યારે તો રોજે રોજ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાતો, જેતે સંવેદનશીલ મહોલ્લાના બન્ને કોમ બહુમતી લઘુમતી આગેવાનોની મીટીંગો ઉપરાંત તેને આનુસંગીક અનેક કાર્યવાહીઓ ચાલુ થઈ જતી હોય છે.
આથી જયદેવ કે જેની નિમણુંક જ શાહપૂર પોલીસ સ્ટેશનમાં ખાસ રથયાત્રા માટે થયેલી તેથી તે કામગીરીમાં પડયો પણ શહેર કોટડા વિસ્તારની ઈગ્લીશ દારૂની રેઈડના આરોપી બૂટલેગર તથા ફરજ મોકૂફ થતા નવરા પડેલા શહેર કોટડા પોલીસ મથકના પીઆઈ એકઠા થઈ ને બીજુ જ એક ભયાનક ષડયંત્ર રચવામાં પડયા હતા.