આળસુ મનપા દર વર્ષે કાગળ ઉપર કામગીરી બતાવવા માત્ર જર્જરીત ઇમારતોને નોટિસો ફટકારે છે, નોટિસ પછીની કાર્યવાહીમાં
નિરસતા: જામનગરના ઉતારા પાસેની દિવાલ ધરાશાયી, કાટમાળ રોડ ઉપર પડયો, દુર્ધટના સર્જાતા સહેજમાં અટકી
ચોમાસુ શરૂ થતાં પહેલા મહાનગપાલિકા દ્વારા શહેરમાં આવેલા જર્જરીત અને ભયજનક મકાનોને નોટીસ અપાતી હોય છે. પરંતુ નોટીસ આપ્યાં બાદ કોઇ કાર્યવાહી થતી નથી ઉપરાંત રહેનાર લોકો પણ કોઇ દરકાર લેતા નથી. ત્યારે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ૧૯૦૦ જેટલી જર્જરીત ઇમારતોને નોટીસ આપવામાં આવી છે. જેમાં દૂધ સાગર રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડ આવાસ, આનંદનગર હાઉસીંગ બોર્ડ આવાસ, યુનિવર્સિટી રોડ પર આવેલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર તેમજ આજી નદી પાસે આવેલ વિવાદીત જામનગરનો ઉતારો અને પંચનાથ પ્લોટ પાસે આવેલ શામળાજીની હવેલી સંલગ્ન ડેલો પણ જર્જરીત હાલતમાં છે. ત્યારે ગઇકાલે જામનગરના ઉતારાને પાછળની તરફની દિવાલ ધરાશાહી થઇ હતી પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. અને મનપા દ્વારા તે રોડ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે અબતક દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ કરી વિગતો મેળવવામાં આવી હતી.
આવનારા દિવસોમાં ભયગ્રસ્ત મકાનોમાં સમાર કામના પગલા લેવાશે: દલસુખભાઇ જાગાણી
દલસુખભાઇ જાગાણીએ અબતક સાથેની વાતમા જણાવ્યું હતું કે વોર્ડ નં.૬ માં હાઉસીંગબોર્ડમાં છ ટાવર છે જે તે સમયે વિસ્તારમાં રહેતા લોકોને મકાન રીપેરીંગ કરવા માટેની વાત કરી હતી. ર૦૧૪થી આ મકાનોના માલીકને નોટીસ આપીએ છીએ વાયુ વાવાઝોડા વખતે સ્કુલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. કોર્પોરેશનની ફરજ તરીકે તેમની સાથે મીટીંગ કરીને તેમને સમજાવ્યા હતા. અંતે મ્યુનિ. કમિશ્નરે હુકમથી નવી જોડાણ કાપ્યા છે. તેઓ જો રીપેરીંગ કરવાશે તો ફરીથી કનેકશન મળી જશે. તંત્ર દ્વારા પણ ચોકકસ કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં ઘણા ભાડુઆત તો રીપેરીંગ કરાવતા નથી. ઘણા લોકો હપ્તા પણ નથી ભરાતા એ જગ્યા હાઉસીંગ બોર્ડની હોવાથી અમારા હાથ પણ બંધાયેલ છે. વરસાદ હોય ત્યારે અમારો કંટ્રોલ રૂમ ર૪ કલાક સાત દિવસ ચાલુ જ હોય છે. રાતના ખડેપગે હોઇએ છીએ.
અમે રાત્રે પણ કામ કરતા હોય છે આવનારા દિવસોમાં ભયગ્રસ્ત મકાનોનું રીપેરીંગ કામ કરાવે તેવા પગલા લેશે. એક તરફ મહાનગરપાલિકા જર્જરીત મકાનો આવાસોને નોટીસ આપી ખાલી કરાવે છે. ત્યારે આજી નદી પાસે ગયા વર્ષે દિવાલ ધરાશાયી થઇ હતી ત્યાં હાલ ખોદકામ તો થયું પરંતુ કામ પૂર્ણ થયું નથી. રોજના ઘણા લોકોની અવર જવર થતી હોય છે ત્યારે કોઇ આકિસ્મીત બનાવ બનાવ બને તો જવાબદારી કોની? તે સવાલ ઉદવભીત થઇ રહ્યો છે.
ચાર પરિવારો વધુ પૈસાની અપેક્ષાએ કબ્જો છોડવા તૈયાર નથી: મયુર વ્યાસ
અબતક સાથેની વાતચીત દરમિયાન જામનગરના ઉતારાના કુલમુખત્યાર મયુરભાઇ વ્યાસએ જણાવ્યું હતું કે જામનગરના ઉતારામાં હાલમાં રહેતા ભાડુઆતોને માલીકીથી ફલેટ આપી દેવાની અમારી તૈયારી છે જે અમે વારંવાર કોર્પોરેશનમાં અને કોર્ટમાં પણ કહી ચુકયા છીએ. જયાં સુધી બિલ્ડીંગ ન બને ત્યાં સુધી અમે ભાડુ આપીશું અને તેમને માલીકી ધોરણે દસ્તાવેજ કરી આપવાના છીએ. તેમને વધુ અપેક્ષા હોવાથી ખાલી નથી કરતાં, અને જાનમાલના જોખમે રહે છે રોડ પર પણ કાટમાળ પડે તો નિર્દોષ માણસને નુકશાન થાય તેમ છે છ વર્ષથી ૬૯ ભાડુઆત હતા. ગયાં વર્ષે ભાડુઆતોએ કોર્ટમાં લખાણ કરીને અમને કબ્જો આપેલ છે. તેમાંથી ૬૫ પરિવારો એ કબજો આપેલ છે હજુ ચાર પરિવારો રહે છે. તેની વધુ અપેક્ષાના કારણે મિલ્કત ખાલી કરતા નથી. તેઓ અમારી પાસે મુદામાલ સાથે ૩ કરોડ જેટલી રકમ માંગે છે. અને સાત કરોડમાં પૂર્ણતા પ્રોપટી લીધેલ છે. અત્યારે કોર્ટ મેટર ચાલે છે. તેઓએ અમારા પર કેસ કરેલ કે અમને કબ્જો અમારી પાસેથી છોડાવે. નહી તે માટે રીટ કરેલી તેમની સાથે કાઉન્ટર કલેમ પણ કરેલ છે. તેમ છે તેવી એક વર્ષથી કોર્ટ મેટર ચાલે છે. જેમાં કોર્ટે અમને સ્ટેટસ કર્યુ આપેલ છે. તેની સ્થિતિ યથાવત જાળવી રાખવાની જેમાં અમે કોઇ ફેરફાર ન કરી શકીએ, જર્જરીત હોવાથી ત્યાંથી નળીયા ધસી પડયા છે.
ખોદકામ કરાયું છતાં કામ પૂર્ણ થયું નથી: હીરાભાઇ સોલંકી
હીરાભાઇ સોલંકીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે એક વર્ષથી પાડી ગયા છે હજુ પુરવા માટે આવ્યા નથી. ધુળ નાખી છે તો વાહનો સ્લીપ થાય છે તંત્રના લોકો આવીને થઇ જશે તેવું આશ્ર્વાસન આપે છે. પરંતુ હજુ કામ થતું નથી સામે આવેલું મકાન ગમે ત્યારે પડે તેવું છે. અમારે અહીં રહેવાનું છે ત્યારે કયારે શું બનાવ બને તે ખબર જ નથી. તઁત્રમાં રજુઆત કરી તો તેઓ બીજા કામમાં વ્યકત હોવાનું જણાવે છે. આ બધી વસ્તુથી ખુબ તકલીફ પડે છે અહીં સાપ પણ નીકળે છે.
જર્જરીત ઇમારતની પ્રોપટી કોર્ટ મેટર, હવે હાઇકોર્ટમાં કેસ દાખલ કરાશે: ડે. ઇજનેર
અબતક સાથેની વાતચીત દરમિયાન મનપા સેન્ટ્રલ ઝોન ડેપ્યુટી એન્જીનીયર પટેલીયાએ જણાવ્યું હતું કે આજી નદી અને કપીલા હનુમાન મંદિર રોડ પર જે જામનગરનો ઉતારો જે ખુબ જ જુની પ્રોપટી છે. ઇ.સ. ૧૯૫૬નું બાંધકામ થયું છે તેવુ: લોકોનું કહેવું છે. આ કોર્ટે વિવાદિત જગ્યા છે કોઇ જાનહાની ન થાય
તે માટે રોડ સાઇડ બેરીકેટ કર્યુ છે. મકાન માલીકોને ભયગ્રસ્તની નોટીસ આપી છે. જે મકાનો પડે તેમ છે. તેમને મકાનો ખાલી કરવા અંગે પણ તાકીદ કરી ત્રણ દિવસની મુદત આપી છે. છતાં તેમની લિગલ મેટર ચાલતી હોવાની ખાલી કરતાં નથી. લોકોને જાનમાલનું નુકશાન ન થાય તે માટે રોડ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે દર વર્ષે ભયગ્રસ્તની નોટીસ આપીએ છીએ આ વર્ષે પણ આપેલ છે. લીગલ મેટર હોવાથી કોર્ટે આ યથાવત પ્રોપટી જાળવી રાખવાનો હુકમ કર્યો છે તેમના માટે અમે મહાપાલિકા વતી હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાના છીએ.
દુર્ઘટના બાદ તંત્ર દોડે તે શું કામનું?: હિરેન પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન હિરેનભાઇ પટેલ એ જણાવ્યું હતું કે હું મારી સાઇટ પર જતો હતો ત્યારે આજી નદી કપિલા હનુમાન મંદિર પાસે આવેલ જામનગરના ઉતારો જે ખુબ જ જર્જરિત હાલતમાં છે. ત્યાં ઉપરની દિવાલ ધરાશાય થઇ અને ત્યાં કોર્પોરેશનની ગાડી આવી અને મેં તેમને ધટના જણાવી જેથી તેમને રોડ પર પડેલ ઇંટોને સાફ કરાવી. મેં તેમને પૂછયું કે હજુ પડે તેની રાહ જોવો છો. તેમને જણાવ્યું કે અમારી કાર્યવાહી ચાલુ છે. અહિયા કોઇ વ્યકિતને જાનહાની થશે તો કોણ જવાબદાર રહેશે. મારી તંત્રને એટલી અપીલ છે કે રોડ બંધકરી દો અથવા આ જર્જરીત મકાનોને નીચેની તરફ ઢાળી દો. આમાં મોટી જાનહાની થઇ શકે. ધટના ધટયા બાદ તંત્ર દોડશે તો કોઇ કામનું નથી.
અહિ અગાઉ પણ દિવાલ પડી હતી: મુકેશ ચૌહાણ
અબતક સાથેની વાતચીત દરમિયાન મુકેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી શામળાજ હવેલી બાજુમાં ડેલામાં રહીએ છીએ. અત્યારે તેની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. આ આખું જર્જરીત હાલતમાં જ છે. પહેલા પણ દિવાલ પડી ગઇ પોપડા ખરવા વગેરે થયું પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. કોર્પોરેશન દ્વારા નોટીસતો આપવામાં આવે છે. અમને ચોમાસા દરમિયાન ભય લાગે છે પરંતુ સાવચેતી રાખીએ છીએ.
ચોમાસામાં રહેવા માટે મકાન શોધીએ છીએ: શિલ્પાબેન જાડેજા
અબતક સાથેની વાતચીત દરમિયાન શામળાજી હવેલી સલગ્ન ડેલામાં રહેતા શિલ્પાબેન જાડેજાએ જણાવ્યું હતું કે અમે ૫૦ વર્ષથી અહિયા રહીએ છીએ. આ શામળાજી હવેલીની બાજુનો ડેલો છે. જે હાલ ખુબ જ જર્જરીત થઇ ગયો છે. ઘણી વખત તે પોપડા ખર્યા છે. દિવાલ પડી છે અમને અહિંયા કોર્પોરેશન દ્વારા નોટીસ આપેલ છે. ખાલી કરવા માટે ચોમાસુ આવે ત્યારે ડર લાગે છે. આને લઇને કોર્ટમાં મેટર ચાલુ છે. અમે મકાન ગોતીએ છીએ મળી જશે તો ચોમાસા પૂરતા રહીશું.
પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવો પછી મિલકત ખાલી કરાવો: વશરામ સાગઠીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧ર૦૦ થી વધુ નોટીસ આપવામાં આવી છે. તેમાં વોર્ડ નં.૧૦ માં જ ૮૦૦ જેટલી નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. વરસાદની સિઝનમાં જ મનપા અને શાસકને કામગીરી કરવાનું દેખાય છે. નોટીસ વારંવાર આપે છે પરંતુ રીપેરીંગનું કામ કરતા નથી. ગરીબ માણસો રહેવા કયાં જાય, આવાસ યોજનમાં જે લોકો રહે તેને જર્જરીત ની નોટીસ આપે લાઇટ કનેકશન કાપે, નળ કનેકશન કાપે પરંતુ તેને કોઇ વૈકલ્પીક વ્યવસ્થા આપ્યા વગર શકય નથી. નોટીસ આપ્યાં પહેલા તેની પરિસ્થિતિ તપાસવી જોઇએ મનપા દબાણ હટાવની કામગીરી ચોમાસામાં કરતી નથી ત્યારે લોકોને નોટીસ આપી મિલ્કત ખાલી કરવાનું કહે તે નિંદનીય બાબત છે તેની વૈકલ્પીક ઉપાય આપવો જરૂરી છે.