ચાર એમ્બ્યુલન્સ, એક શબવાહીની, મેડિકલ કેર યુનિટ અને મોબાઇલ ઓબલેથિક વાહન સહિતના આઠ જુના વાહનની હરરાજી કરાશે
શહેરની સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે રૂા.૬૩ લાખના ખર્ચે આઇસીયુ વાહન, બે એમ્બ્યુલન્શ અને એક શબવાહીની ખરીદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે ૨૦૧૩માં ખરીદ કરાયેલા આઠ વાહનની હરરાજી કરવામાં આવનાર છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ માં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓનું ભારણ રહેતું હોવાથી મેડિકલ સ્ટાફ અને મેડિકલ સાધનોનો વધુ ઉપયોગ અને જરૂરિયાત રહેતી હોવાથી શહેરના ત્રણેય ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂા.૬૩ લાખના ખર્ચે એક શબવાહીની, બે એમ્બ્યુલન્શ અને આઇસીયુ વાહન ખરીદ કરવામાં આવનાર હોવાનું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં ૨૦૧૩માં સાંસદની ગ્રાન્ટમાંથી ખરીદ કરાયેલી એમ્બ્યુલન્શ, શબવાહીની, મેડિકલ કેર યુનિટ અને મોબાઇલ ઓબ્લેથિક વાહન મળી જુદા જુદા આઠ વાહન કંડમ થઇ જતા તેની હરરાજી માટે નિર્ણય કરાયો છે. આઠેય વાહનનો છેલ્લા ત્રણેક વર્ષથી બીન ઉપયોગી હોવાથી બહુમાળી ભવનમાં અરજી કરી હતી. આઠેય વાહન રિપેરીંગના ખર્ચ વધુ થાય તેમ હોવાથી સોના કરતા ઘડામણ વધી જતાં આઠેય વાહન રિપેરીંગના બદલે ભંગારમાં આપી દેવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ આઠેય વાહનોની સિવિલ હોસ્પિટલ ખાતે હરરાજી થવાની છે.
ગત તા.૧૪ મેના રોજ અમદાવાદની હેડ ઓફિસ ખાતેથી આવેલા કાર્યપાલક ઇજનેરે ત્રણ મીની એમ્બ્યુલન્શની તપાસ કરી કંડમ કિંમત રૂા.૨ લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ વાહનની કિંમત નક્કી કરવાની બાકી હોવાથી કાર્યપાલક ઇજનેર ફરી અમદાવાદથી રાજકોટ આવ્યા બાદ પાંચેય વાહનની કિંમત નક્કી કરાશે આ તમામ કામગીરી જુદા જુદા આઠ તબક્કામાં થતી હોય છે જેમાં પાંચ તબક્કા પુર્ણ થઇ ગયાનું ડો.મનિષ મહેતાએ જણાવ્યું છે.