પીઓ મગર રખો હિસાબ
નામચીન બૂટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠના કારણે દારૂની રેલમછેલ
બૂટલેગરનો દારૂ પકડાયા બાદ પોલીસ દ્વારા બીજા બૂટલેગરની મદદથી કરાતુ વેચાણ
દારૂના કાળા કારોબારમાં પોલીસની ભૂંડી ભૂમિકાથી બેરોકટો દારૂનું થતું વેચાણ
દારૂના સપ્લાયરને પકડયા બાદ બૂટલેગરનું નામ ખોલાવી મોટી રકમનો થતો ‘તોડ’
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાનું રાજયમાં ગૌરવ લેવા જેવી બાબત છે. પરંતુ દારૂબંધીનો ખરા અર્થમાં અમલ લોક ડાઉન દરમિયાન થયો હતો. અનલોક થતાની સાથે જ વિદેસી દારૂની રેલમછેલ શરૂ થઇ ગઇ છે. સરકાર દ્વારા દારૂબંધીના કાયદામાં સુધારો કરી બુટલેગરો સામે કડક સજાની જોગવાય અને આકરો દંડ સહિતના પગલા લીધા છે. પરંતુ દારૂબંધીનો અમલ કરાવનાર જ કાળી કમાણીમાં ગોઠવાય દારૂનો જથ્થો પકડાય એના કરતા વધુ જથ્થો બારોબાર સગેવગે કરી લેતા હોય છે.
અનલોક-૧માં મળેલી છુટછાટનો બુટલેગરો અને પોલીસ સ્ટાફ સક્રીય બની ગયા હોવાથી પ્યાસી સુધી બોટલ પહોચતી થઇ ગઇ છે. પોલીસ સ્ટાફ બુટલેગર સાથે સાંઠગાંઠથી જ વેચાણ કરતો હોય તે વાત સહુ કોઇ સ્વીકારતા થયા છે. ત્યારે પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડાય ત્યારે કંઇ રીતે ભાગ બટાય થાય છે તે અંગેની કેટલીક સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.
પોલીસ દ્વારા કામગીરી બતાવવા માટે બુટલેગરની મદદથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબથી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી બીનવારસી દારૂનો જથ્થો પકડી અડધાથી વધુ વિદેશી દારૂ પોતાના માનીતા બુટલેગરને આપી રોકડી કરતા હોય છે. આ ઉપરાંત નામચીન બુટલેગરને ત્યાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે ત્યારે પણ પકડાયેલા દારૂનો જથ્થો ઓછો બતાવી પોલીસ દ્વારા રોકડી કરવામાં આવતી હોય છે.
એક બોટલમાં પકડાયેલા દારૂના બંધાણી પાસેથી એક લાખ સુધીનો તોડ કરી સંતોષ ન થયો હોય તેમ દારૂ કયાંથી લાવ્યો તેનું મુળ સુધી ઓફ રેકડ પહોચી બુટલેગરને નામ ન ખોલાવવાના બદલામાં મોટી રકમ ખંખેરી લેતી હોય છે.
દારૂની એક બોટલ કે ૧૦૦ પેટી વિદેશી દારૂ પકડવામાં આવે પોલીસ માટે ઘી કેળા જેવો કેસ ગણવામાં આવે છે. બુટલેગરને ત્યાં દરોડો પાડી દારૂનો જથ્થો પોતાના બાતમીદારને સાચવવા માટે અમુક બોટલ સગેવગે કરતા હોય છે પરંતું છેલ્લા કેટલાક સમયથી પોલીસ સ્ટાફ દ્વારા પકડે તેના કરતા વધું દારૂનો જથ્થો પોલીસ ઘર ભેગો કરી રોકડી કરી લેતા હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.
પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂ અંગે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ક્વોલિટી કેસની બીજી સાઇડ જોવામાં આવે તો બુટલેગર કરતા પોલીસ સ્ટાફ દ્વાર દારૂનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોવાની ચોકાવનારી વિગતોનો પદાર્ફાશ થાય તેમ હોવાનું જાણકારોનું કહેવું છે.
દારૂના વેચાણમાં બુટલેગરની સાથે પોલીસ સ્ટાફ દ્વાર જોડાતો હોવાથી દારૂબંધીનો અમલ કરાવવો અશકય છે. દારૂબંધીના કારણે જ પોલીસની આવકમાં અનેક ગણી વધી ગઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. લોક ડાઉન દરમિયાન દારૂબંધીનો સાચા અર્થમાં અમલ થયો હોવાથી પ્યાસીની બનેલી કફોડી હાલત જેવી જ પોલીસની આવક ગુમાવી પડી હતી. અનલોક થતાની સાથે જ બુટલેગરો દ્વારા દારૂ મગાવવાનું શરૂ થતાની સાથે પોલીસની કાળી કમાણી શરૂ થઇ ગઇ છે.
દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે નશાબંધી શાખાની રચના કરવામાં આવી હતી. તેમ છતાં નશાબંધીની કામગીરી અસરકારક થવાના બદલે ભ્રષ્ટાચાર વધી જતા સરકાર દ્વારા નશાબંધી શાખા વિખેરી નાખવામાં આવી હતી.
અનલોક જાહેર થયા બાદ પોલીસ દ્વાર પકડવામાં આવેલા દારૂના જથ્થાનો દસ ગણો દારૂનો જથ્થો પોલીસ દ્વારા જ સગેવેગ કરી નાખવામાં આવ્યાની ચર્ચાથી ચકચાર મચી ગઇ છે.