નોંધણી વગરનાં ડ્રોન ઉડાવનારને ૬ માસની જેલ સજાની જોગવાઈ
ડ્રોનને લઈ ઘણીખરી અટકળો સામે આવી રહી હતી ત્યારે સૌપ્રથમ ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ સિસ્ટમને સુદ્રઢ કરવા અને ગેરરીતી થતી હોય તેને ડામવા ઉપયોગમાં લેવાતું હતું પરંતુ દેશમાં ઘણાખરા ડ્રોનની નોંધણી ન થઇ હોવાથી ઉડ્ડયન મંત્રાલય દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેને લઈ ૧૪ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન દેશમાં ૨૦ હજાર ડ્રોનો સરકારમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે હવે જે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમાં બાકી રહેતા તમામ ડ્રોન ઓપરેટરો તથા ડ્રોનનું રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત બન્યું છે.
નોંધણીમાં તમામ પ્રકારનાં મોડેલ પ્રોટોટાઈપ, ઉડતા રમકડા, આર.સી.એરક્રાફટ અને રીમોટથી ચાલતા અને ઉડતી ચીજવસ્તુઓની નોંધણી કરવી ફરજીયાત બનાવવામાં આવી છે. જે કોઈ ડ્રોન ઓપરેટર નોંધણી વગર ડ્રોન ઉડાડશે તો તેની સામે પેનલ એકશન પણ લેવામાં આવશે જેમાં સજારૂપે આઈપીસી સેકશન ૨૮૭ મુજબ ૬ માસની જેલની સજા તથા ૧૦૦૦નો દંડ પણ વસુલવામાં આવશે. નોંધણી પ્રક્રિયા માટે ડ્રોન ઓપરેટરોએ ડીજીસીએ એટલે કે ડિરકટરેટ જનરલ ઓફ સિવિલ એવીએશનની વેબસાઈટ ઉપર એરક્રાફટ અંગેની વિગતો પુરી પાડવી પડશે જે અપલોડ થતાની સાથે જ ઓનરશીપ એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવશે ત્યારબાદ ડ્રોન એકનોલેજમેન્ટ નંબર આપતાની સાથે જ ઓપરેટરોએ વિવિધ ડ્રોનલક્ષી વિગતો વેબસાઈટ ઉપર જાહેર કરવી પડશે. ઉદાહરણ સ્વરૂપે ડ્રોન ઓપરેટરો પાસે એક થી વધુ ડ્રોન કે પ્રોટોટાઈપ હોય તો તેઓએ ઓએએન નંબરથી અન્ય પ્રોટોટાઈપ ડ્રોનની નોંધણી પણ કરવામાં આવશે. ડીજીસીએની વેબસાઈટ ઉપર ડ્રોનનું નામ, માલિકનું નામ સહિતની અનેકવિધ વિગતો પણ આપવામાં આવશે.
પેનલ એકશન દરમિયાન ડ્રોનનાં ઉપયોગ માટે જે ઓપરેટરોએ નામની નોંધણી નહીં કરાવી હોય તો તેના ઉપર પેનલ એકશન લેવામાં આવશે જેમાં તેને જેલવાસ અને દંડ પણ ભરવો પડશે. ભવિષ્યમાં જે લોકો ડ્રોનની ખરીદી કરતા હોય તેઓએ તેમની નોંધણી કરવી ફરજીયાત છે. ડ્રોન ઉપયોગ કરનાર ઓપરેટરોએ તેમનાં ડ્રોનમાં ટ્રેકર મુકવા પણ એટલા જ જરૂરી છે જેનો ખર્ચ ૫ હજારથી ૭ હજાર જેટલો આવે છે. બીજી તરફ ડીજીસીએનો નિયમ ભંગ કરવા માટે આઈપીસી સેકશન ૩૩૬, ૩૩૭ અને ૩૩૮ મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને ઓપરેટરોને દંડિત પણ કરાશે.