પેરોલમાં છુટછાટ બાદ ભાગ્યો, એલસબીએ સોયલથી દબોચ્યો
ધ્રોલના સોયલ ટોલનાકે છ વર્ષ પહેલાં થયેલી હત્યાનો આરોપી પેરોલ પર મુક્ત થઈ ચાર વર્ષ પહેલાં પલાયન થઈ ગયો હતો. તેને ગઈકાલે એલસીબીએ સોયલ ગામમાંથી અટકાયતમાં લીધો છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના સોયલ ગામના ટોલનાકા પર છએક વર્ષ પહેલાં એક સિક્યુરીટી ગાર્ડની હત્યા નિપજાવવામાં આવી હતી. તે ગુન્હામાં ધ્રોલના હનીફ રસુલ મકવાણા નામના ડફેર શખ્સની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. તે પછી આરોપી હનીફ કાચા કામના કેદી તરીકે જેલમાં હતો.
આ આરોપીએ વર્ષ-૨૦૧૬માં પેરોલ પર મુક્તિ મેળવી હતી અને તે પછી પેરોલની મુદ્દત પૂર્ણ થતા જેલમાં હાજર થવાના બદલે ઉપરોક્ત આરોપી છનનન થઈ ગયો હતો. આ શખ્સ સોયલ ગામ નજીક ઉંડ નદીના પુલ પાસે દરગાહમાં આવ્યો હોવાની બાતમી એલસીબીના મિતેશ પટેલ, ફિરોઝ દલ, વનરાજ મકવાણાને મળતા એલસીબીએ ગઈકાલે વોચ ગોઠવી હતી. ત્યાંથી ઉપરોક્ત શખ્સ મળી આવતા એલસીબીએ તેની અટકાયત કર્યા પછી ફરીથી જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફ સાથે રહ્યા હતાં.