રાજકોટ, મોરબી નર્સરી ખાતે ૧૫ બાય ૨૫ની બેગમાં ૨૦ હજાર અને ૧૦ બાય ૨૦ની બેગમાં ૮૦ હજાર બીજનું વાવેતર કરાયુ
આયુર્વેદ ઉપચાર પદ્ધત્તિ ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન છે. હાલની મહામારીમાં રોગપ્રતિકાર શક્તિ વધારી રક્ષિત રહેવું એ એક માત્ર ઉપાય છે ત્યારેલોકોએ ઉકાળા અને દેશી દવાઓનો ઉપયોગ વધાર્યો છે. હજારો વર્ષોથી પ્રચલિત આયુર્વેદિક ઔષધિઓ ચંદન, આમળા, બહેડા, હરડે, અર્જુન, સેવન, સપ્તપર્ણી, સરગવો, તુલસી, અરડુસી, અશ્વગંધા, નાગરવેલ, બ્રાહ્મી, નગોડ, કુવારપાઠું, પારિજાત, લીલી ચા, ગળો, મધુનાશીની, સતાવરી, ડોળી જેવી ૨૦ થી વધુ ઔષધિના રોપા ઉછેર કરી તેનું વિતરણ કરવામાં આવશે. હાલ રાજકોટ તેમજ મોરબીની નર્સરી ખાતે ૧૫ બાય ૨૫ ની બેગમાં ૨૦ હજાર અને ૧૦ બાય ૨૦ ની બેગમાં ૮૦ હજાર મળી કુલ ૧ લાખ જેટલા બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેને તૈયાર થતા આશરે ૪ માસ જેટલો સમય લાગશે, ત્યાર બાદ આ રોપાઓનું વિતરણ કરવામા આવશે, જેની જાણ પણ કરવામા આવશે તેમ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણીએ જણાવ્યું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકોને સુપોષણ મળી રહે તે માટે સરગવાના છોડનું મોટા પાયે ઉછેર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વરસાદ થશે ત્યાં સુધીમાં સરગવાના રોપાઓ મોટા થઈ જશે, ત્યારબાદ તેનું ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે.
વન વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવનાર વિવિધ છોડ, વેલ તેમજ વૃક્ષની આયુર્વેદિક ઉપચાર પદ્ધતિમાં ખુબજ મહત્તા છે. આ વિવિધ ઔષધિઓ ત્રિદોષનાશક, શરીર, આંખ, મગજ, લીવર, હૃદયને લગતા રોગોમાં તેમજ અસાધ્ય બીમારીઓમાં ઉપયોગી હોવાનું રાજકોટ યુનિવર્સીટી સ્થિત આયુર્વેદિક હોસ્પિટલના અધ્યક્ષ ડો. જયેશ પરમાર જણાવે છે.
આયુર્વેદિક ઔષધિઓના લાભા-લાભ
- બહેડા: કફ, ઉધરસ મટાડી, પાંચન શક્તિમાં વધારે કરે.
- ક્હરડે: વાયુના રોગ માટે મદદરૂપ
- અશ્વગંધા: શરીરને શક્તિ પૂરી પાડે છે
- નાગરવેલના પાન: જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર
- બ્રાહ્મી: યાદ શક્તિ વધારનાર ઉતમ ટોનિક
- નગોળ: વાયુ શમન માટે જરૂરી ઔષધી
- કુંવાર પાઠું: ચામડીના વિવિધ રોગો દૂર કરવામાં તેમજ લિવર માટે શ્રેષ્ઠ
- ગળો: વધેલા ત્રિદોષને મટાડે છે, જવર નાશક છે
- મધુનાશીની: ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી
- ડોડી, ખરડોડી: આંખ માટે હિતકારી, આંખોનું વિઝન વધારવામાં મદદરૂપ
- અર્જુન સાગર: હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
- સપ્તપર્ણી: જવરનાશક ઔષધિ