ભાજપ શાસીત મહાપાલિકાના છેલ્લા ૫ વર્ષના ગોટાળાઓની ખણખોદ ચાલુ, પુરાવા સાથે વ્યવસ્થિત લડાઈ લડીશું : આમ આદમી પાર્ટીનો હુંકાર
સરકાર, પદાધિકારી કે અધિકારીને બદલે પ્રજાને સર્વોપરી બનાવવાની કવાયત હાથ ધરવાની હૈયા ધારણા આપતું ‘આપ’
મહાપાલિકાની ચૂંટણી લડવા માટે ત્રીજો મોરચા તરીકે આપ સજ્જ બન્યું છે. જે સંદર્ભે આપ દ્વારા આજે શહેરના સંગઠન માળખાની જાહેરાત પણ કરવામાં આવી છે. શહેર પ્રમુખ તરીકે રાજભા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે શિવલાલ બારસિયાની નિમણૂક કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના સંગઠન માળખાની જાહેરાત કરીને મહાપાલિકાની ચૂંટણી લડવા પાર્ટી સજ્જ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જે મામલે આજે આપ દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને વિગતો આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ભાજપ પક્ષ છેલ્લા ઘણા વર્ષોથી મહાપાલિકામાં સતા ધરાવી રહ્યું છે. જેમાં અનેક ગોટાળાઓ થયા છે. માટે આપ દ્વારા બજેટ અને ઓડિટિંગ રિપોર્ટની છાનભિન કરવામાં આવી રહી છે. તમામ પુરાવાઓ સાથે બાદમાં ગોટાળાઓને ખુલ્લા પાડવામાં આવશે. વધુમાં જણાવ્યું કે હવે સરકાર, પદાધિકારી કે અધિકારી સર્વોપરી રહેશે નહીં. પ્રજા જ સર્વોપરી રહેશે.
આજ રોજ આપ દ્વારા સંગઠન માળખામાં હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથે વોર્ડ વાઇઝ ઇન્ચાર્જ પણ જાહેર કરાયા છે. જેમાં વોર્ડ નંબર-૧માં ઇન્ચાર્જ તરીકે ઉત્તમ રાઠોડ, વોર્ડ-૨માં ઇન્ચાર્જ મુકેશ રાજ્યગુરૂ, વોર્ડ ૩માં વાઇસ પ્રેસિડેન્ટ કિરણ વાઘેલા, વોર્ડ ૪માં પ્રેસિડેન્ટ રાહુલ ભુવા, વોર્ડ-૫માં ઇન્ચાર્જ પાલજી રાઠોડ, વોર્ડ ૬માં પ્રેસિડેન્ટ મંદન ચાવડા, વોર્ડ૭માં પ્રેસિડેન્ટ મેહુલ ગોટેચા, વોર્ડ ૮માં પ્રેસિડેન્ટ પાર્થ મકતી, વોર્ડ ૯માં ઇન્ચાર્જ વિશાલ પંડ્યા, વોર્ડ ૧૦માં વાઇસ પ્રેસિડેન્ટ મોહિત મકવાણા, વોર્ડ ૧૧માં ઇન્ચાર્જ રવિ ભીમાણી, વોર્ડ ૧૨માં ઇન્ચાર્જ ભાવિન બાબરીયા, વોર્ડ ૧૩માં પ્રેસિડેન્ટ દિલીપ ચાવડા, વોર્ડ ૧૪માં ઇન્ચાર્જ ભાવેશ પટેલ, વોર્ડ ૧૫માં ઇન્ચાર્જ હાર્દિક ત્રાપશિયા, વોર્ડ ૧૬માં ઇન્ચાર્જ કિશન રાઠોડ, વોર્ડ ૧૭માં પ્રેસિડેન્ટ હિરેન જોશી અને વોર્ડ ૧૮માં ઇન્ચાર્જ નિલેશ વિરડીયાની નિમણૂક કરવામાં આવી છે.
કોઈ પણ મહિલા પોતાની સમસ્યા અમને કહેશે તો ત્વરિત ધોરણે તેનો નિકાલ લાવીશું : જુલીબેન સોની
આપના મહિલા પ્રમુખ જુલીબેન સોનીએ જણાવ્યું કે હાલ સુધી તમામ ચૂંટણીઓમાં મહિલા સશક્તિકરણની વાતો થઈ છે પરંતુ મહિલા સશક્તિકરણ ફક્ત ચૂંટણીલક્ષી વાત જ બનીને રહી ગઈ છે તે બાબતે નક્કર પગલાં લઈશું. ખરા અર્થમાં મહિલાઓને સશક્ત કરીશુ. ગૃહ ઉદ્યોગ સાથે સંકયાળેલી મહિલાઓ, ઓફિસ વર્ક કરતી શિક્ષિત મહિલાઓ, ગૃહિણીઓ તમામને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો કરીશું. મહિલાઓની સુરક્ષા માટે અગ્રેસર રહીશું.જરૂર પડ્યે મહિલાઓને સાથે રાખી આંદોલન પણ કરવું પડશે તો કરીશું.કોઈ પણ મહિલા પોતાની સમસ્યા અમને કહેશે તો ત્વરિત ધોરણે તેનો નિકાલ લાવવા અમે કટિબદ્ધ છીએ.
જનતા અમને સત્તા સોંપશે તેવો સંપુર્ણ વિશ્ર્વાસ: રાજભા ઝાલા
આપના પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે મહાપાલિકાને મોડેલ બનાવવી હોય તો સાશનમાં સારા લોકો બેસે તે જરૂરી છે. પ્રજા પણ તેવું જ ઈચ્છે છે. મહાપાલિકાનું ૨૦૦૦ કરોડનું બજેટ છે. જેમાં ૧૦ ટકા ગેરરીતિમાં વેડફાય જાય છે. આ ગેરરીતિ અમે અટકાવીશું. આગામી દિવસોમાં સંપૂર્ણ વોર્ડ રચના જાહેર કરવામાં આવશે. આપ દ્વારા આરટીઆઈની પણ એક ટિમ બનાવવામાં આવશે અને સિસ્ટમેટિક લડાઈ લડવામાં આવશે. અંતમાં તેઓએ કહ્યું કે રાજકોટની પ્રજા અમને સતા સોંપશે તેવો સંપૂર્ણ વિશ્વાસ છે.