ગત વર્ષે મે માસમાં ૧૮,૨૧,૬૫૦ નવા વાહનોના થયેલા રજીસ્ટ્રેશન સામે ચાલુ વર્ષનાં મે માસમાં માત્ર ૨,૦૨,૬૯૭ નવા વાહનોના રજીસ્ટ્રેશન થયા
છેલ્લા થોડા વર્ષોથી મંદીનો સામનો કરી રહેલા દેશના ઓટોમોબાઈલ સેકટરને કોરોનાના કારણે આવેલા લોકડાઉને મરણતોલ ફટકો માર્યો છે. બે માસના લોકડાઉનમાં દેશ વ્યાપી બંધ દરમ્યાન ઓટોમોબાઈલના શોરૂમ અને ઉત્પાદન પણ બંધ રહેવા પામ્યું હતુ. અનલોક-૧માં વિવિધ છૂટછાટ અપાઈ છે. જેની, ઓટોમોબાઈલ સેકટરમાં ઉત્પાદન ફરીથી ધમધમ્યું છે. અને શોરૂમ પણ ખૂલી જવા પામ્યા છે. પરંતુ લોકડાઉનના કારણે પડેલા ફટકારમાંથી હજુ પણ આ સેકટરને કળ વળી નથી તેમાં ગત મે માસમાં નવા વાહનો રજીસ્ટ્રેશનમાં ૮૦ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. જોકે આ સેકટરમાં આગામી સમયમાં શહેરી વિસ્તારની નીકળનારી માંગ રાહત આપશે તેમ આ ઉદ્યોગ જગતના માંધાતાઓનું માનવું છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગકારોના સંગઠ્ઠન ફાડાના અહેવાલ અનુસાર ગત વર્ષે મે માસમાં ૧૮,૨૧,૬૫૦ નવ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતુ જયારે આ વર્ષે મે માસમાં માત્ર ૨,૦૨,૬૯૭ જ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. ચાલુ વર્ષનાં એપ્રિલ માસ દરમ્યાન લોકડાઉનના કારણે દેશભરમાં નવા વાહનોનું રીટેલ વેચાણ શુન્ય રહેવા પામ્યું હતુ લોકડાઉનનાં ૪૦ દિવસો દરમ્યાન દેશભરની ઓટોમોબાઈલ કંપનીઓનાં ઉત્પાદન કેન્દ્રો, શોરૂમ અને વર્કશોપ બંધ રહ્યા બાદ તાજેતરમાં અનલોક-૧માં ફરીથી આ ક્ષેત્ર ચાલુ થયો છે. પરંતુ, હજુ સુધી આ ઉદ્યોગને લોકડાઉનની કળ ઉતરી નથી ફાડાના પ્રમુખ આશિષ હર્ષરાજ કાલેના જણાવ્યા અનુસાર મે માસનાં અંત સુધીમાં દેશભરમાં આવેલા ૨૬,૫૦૦ જેટલા ઓટોમોબાઈલ શોરૂમોમાંથી ૬૦ ટકા શોરૂમો અને ૮૦ ટકા વર્કશોપો કાર્યરત થઈ ગયા છે.
લોકડાઉનનાં કારણે દેશભરમાં મોટાભાગના ધંધા રોજગારો બંધ હોવાથી મધ્યમ વર્ગનાં લોકોને ભારે આર્થિક મુશ્કેલી અનુભવી પડી છે. ઓટોમોબાઈલ સેકટરમાં મોટાભાગનો ગ્રાહક વર્ગ મધ્યમ વર્ગનો હોય આ સ્થિતિ ઉભી થવા પામી છે. ચાલુ માસ જુનના પ્રથમ ૧૦ દિવસ દરમ્યાન પણ દેશભરમાં ઓટોમોબાઈલ ડીલરોના શોરૂમોમાં ખૂબ જ ઓછો વેપાર થયાનું કાલેએ ઉમેર્યું હતુ. શહેરી વિસ્તારના ગ્રાહકોની નબળી પડેલી ખરીદ શકિત પણ તેમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોવાનું ઉમેર્યું હતુ.
હવે ફરીથી લોકડાઉન નહીં આવે અને ઓટોમોબાઈલ ઉદ્યોગ સતત કાર્યરત રહેશે તો ૮૯ ટકાએ પહોચેલું નુકશાન ૨૫ ટકા સુધી આવીને અટકી જશે. જેથી આ ઉદ્યોગને થોડી રાહત મળશે તેમ જણાવીને કાલેએ ઉમેર્યું હતુ કે ચાલુ વર્ષે સારા ચોમાસાની સંભાવના છે. સરકારે કૃષિ ક્ષેત્ર માટે વિવિધ મદદ કરવાની યોજનાઓ બનાવી છે.જેથી ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક તરલતા આવવાથી આગામી સમયમાં ડીલરોનાં હાલના વેપારમાં બેથી ત્રણ ગણો વધારો થવાની સંભાવના છે.